રોડ ઉપર ભૂંઉંઉંઉં… ભૂંઉંઉંઉં…. કરીને ગમે ત્યાં ભૂંડની માફક ઘૂસી જતા બાઈકવાળાઓને જોઈને ક્યારેક વિચારો આવે છે કે…
***
ભાઈ, રોડ સિગ્નલ ઉપર તને એવી તે શું ઉતાવળ આવી જાય છે ?
માન્યું, કે તારી બાઈક 0 સેકન્ડથી 5 સેકન્ડમાં 60 કિલોમીટરની સ્પીડે પહોંચી જાય છે અને 10 સેકન્ડમાં 100ની સ્પીડને ટચ કરે છે… પણ મારા ભાઈ, 30 સેકન્ડમાં તો બીજો સિગ્નલ આવી જશે !
- અને ત્યાં તો ફરી 140 સેકન્ડ માટે ઊભા જ રહેવાનું છે !
***
ભાઈ, તેં ટીવીમાં બાઈકોને ખાડા, ખડિયા, પહાડો, જંગલ અને કાદવમાંથી નીકળતી AD જોઈને જ આ 75000ની બાઈક ખરીદી છે ! રાઈટ ?
- તો પછી હવે રોડમાં પડેલા ખાડા જોઈને ગાળો શું કામ બોલે છે ?
***
ભાઈ, કસમ સે… મેં ટીવીમાં ભલભલી બાઈકોને ખતરનાક નદીઓ અને ધોધનાં પાણીમાંથી છલાંગ મારીને નીકળતી જોઈ છે…
- પણ માં કસમ, એક પણ બાઈકને પાણી ભરેલા અંડરપાસમાંથી સહીસલામતી નીકળતી જોઈ નથી !
***
અને એમની સ્ટાઈલો તો જુઓ ?
સલૂનમાં જઈને વાળ સ્ટાઇલિંગ કરાવશે, હેર-કલર કરાવશે, આઈ-બ્રોમાં કટ મુકાવશે, કાનમાં બુટ્ટી લગાડશે, કાન પાછળ ટેટૂ ચીતરાવશે…
- એમાં 5000નો ખર્ચો કરશે અને પછી બાઈક ઉપર બેસશે ત્યારે પાંચસો રૂપિયાની હેલ્મેટ માથે ચડાવી લેશે !
- તો આ બધું કોને બતાડવા કરાવ્યું ? હેં ?
***
આ બાઈકરો 150KMની સ્પીડે ભાગી શકે એવું બાઈક ખરીદશે…
- અને પછી 20 KMની સ્પીડે જતી સ્કુટી ઉપર બેઠેલી છોકરીનો પીછો કરશે… એ પણ 19 KMની સ્પીડે !
***
એ તો ઠીક, પણ 20 KM વાળી છોકરી સાથે લગ્ન કર્યા પછી એ જ બાઈકવાળાને જોજો… એ હેન્ડલ ઉપર પ્લાસ્ટિકની થેલી લટકાવીને વાઈફ માટે શાક લેવા જતો દેખાશે !
- બોલો ખોટી વાત છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment