50 વરસની સેવા કર્યા બાદ 5 પાનાંનો પત્ર લખીને, રાહુલજીની ખુલ્લેઆમ ટીકા કરીને, જનાબ ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી જે રીતે રાજીનામું આપ્યું છે, તે તો અમુક ‘પ્રતિભા પુરસ્કારો’ને લાયક છે !
***
ટ્યૂબલાઈટ પ્રતિભા પુરસ્કાર
છેક 2011માં રાહુલ ગાંધીએ મનમોહન સરકારના એક વટહુકમનાં કાગળિયાં જાહેરમાં ફાડી નાંખ્યા એના કારણે જ 2019માં કોંગ્રેસની સજ્જડ હાર થઈ… એવું જેમને છેક 2022માં સમજાયું છે… એવા આ ‘વિચક્ષણ’ નેતાની ‘ટ્યૂબલાઈટ’ને ખરેખર ઉચ્ચ સન્માનની જરૂર છે !
***
લેટ-કટ પ્રતિભા પુરસ્કાર
ક્રિકેટમાં જેમ ‘લેટ-કટ’ નામનો શોટ હોય છે, જેમાં છેક છેલ્લી ઘડીએ ‘કટ’ મારવામાં આવે છે, એ જ રીતે આઝાદ સાહેબે પુરા 9 વરસના વિલંબ પછી (‘લેટ’ કરીને) કોંગ્રેસ સાથેનો છેડો ‘કટ’ કર્યો છે… એમ કહીને, કે 2013માં રાહુલ ગાંધીને પક્ષના પ્રમુખ બનાવ્યા ત્યારથી જ પક્ષની અવદશા શરૂ થઈ છે !
(જેની એમને હમણાં જ ખબર પડી.)
***
‘જી જી’-ટુ- ‘ટુ-ટુ-જી’ એવોર્ડ
આ કોઈ 2જી કે 3જી એવોર્ડ નથી ! આ તો જે ‘જી-23’ ગ્રુપ હતું તેની સંખ્યાને હવે ‘જી-22’ કરી નાંખનાર પ્રતિભાને બિરદાવતો એવોર્ડ છે !
છેલ્લાં 50 વરસથી જે સોનિયાજી સામે ‘જી-જી’ કરતા રહ્યા તેમણે અચાનક જે રીતે ’22-G’ કરી નાંખ્યું, તેની કદર સ્વરૂપે અપાનારો આ પુરસ્કાર છે !
***
‘દલ-બ-દલ-કમલ’ પ્રતિભા
શ્રીનગરમાં એક દાલ સરોવર છે. પણ કોંગ્રેસ નામના ‘દલ’માં હવે ‘દાલ’ ગળવાના ચાન્સ ઘટી ગયા હોવાથી જનાબ જે રીતે ધીમે ધીમે સરોવરમાં ઉગનારા કમલ તરફ સરકી રહ્યા છે તે પ્રતિભા તો ‘કાબિલે તારીફ’ છે ને !
મોદીજી અનેક મિમ્સમાં કહે છે એમ.. ‘કિતને પ્રતિભાશાલી લોગ હૈં ઈસ દેશ મેં !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment