રેવડી અમને પણ આપો !



આપણા મોદી સાહેબ ખાલીખોટાં ‘રેવડી કલ્ચર’ની પાછળ પડી ગયા છે ! 

ભૈશાબ, મફતમાં મળતી કોઈપણ ચીજ કોને નથી ગમતી ? સવાલ એ નથી કે બધું મફતમાં ના વહેંચો, સવાલ એ છે કે સાહેબ, અમારા જેવા મધ્યમ વર્ગના લોકોને પણ ‘રેવડી’ આપોને ? દાખલા તરીકે…

***

સરકારો દર બે-ત્રણ વરસે ખેડૂતોની લોનો માફ કરી દે છે તો મારા સાહેબો વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોનો પણ બે ચાર વરસે માફ કરવાનું રાખો ને ? અમે પણ ત્યાં સુધી હપ્તા ભરવાનું મુલતવી રાખીશું !

***

તમે ટ્રેક્ટરો ઉપર અને પાણીના પંપ ઉપર સબસીડી આપો છો તો ભલે આપો પણ અમારાં બાળકો બિચારા ઘરથી સ્કુલ, સ્કુલથી ટ્યૂશન, ટ્યૂશનથી ઘર અને ઘરથી ફરી એકસ્ટ્રા ક્લાસ માટે જે સ્કુટી ઉપર દોડાદોડી કરે છે એને ખરીદીમાં પણ સબસીડી આપો ને ?

***

તમે અમુક મોટા મોટા ઉદ્યોગપતિઓના અબજો રૂપિયાના કરવેરા માફ કરી દો છો તો ભલે કરો (દેશ તો એમના કારણે જ ચાલે છે ને !) પણ અમારા જેવા કરોડો પગારદાર કર્મચારીઓના પગારમાંથી જ સીધો ઇન્કમટેક્સ કપાઈ જાય છે એ તો ક્યારેક માફ કરો ?

***

પેલા કેજરીવાલે જે રીતે પંજાબની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવા માંડ્યા છે એ રીતે આપણી ગુજરાતની મહિલાઓને પણ મહિને 1000 રૂપિયાનું ‘બ્યુટિ-પાર્લર ભથ્થું’ આપો ને ? (તમે કહેશો કે બ્યુટિ-પાર્લર માટે તો કંઈ પૈસા અપાતા હશે ? તો મારા સાહેબ, પંજાબની મહિલાઓ પણ એમાં વાપરતી જ હશે ને ?)

***

કેજરીવાલ તો ગુજરાતના બેરોજગારોને પણ દર મહિને ભથ્થું આપવાની વાત કરી રહ્યા છે તો અમારી નમ્ર માંગણી છે કે ગુજરાતના દરેક યુવાનને દર મહિને મોબાઈલ ફ્રીમાં રિ-ચાર્જ કરી આપવામાં આવે ! (આમાં પણ એ જ લોજિક છે. જે નવરા હશે એને જ મોબાઈલો મચડવા જોઈશે ને ? એમને નોકરી આપવા કરતાં મોબાઈલમાં બિઝી રાખવા સારા ને!)

***

ચાલો, ગરીબ વિદ્યાર્થીઓને તમે જાતજાતની સહાય આપો છો એ તો સારી જ વાત છે પરંતુ હોંશિયાર સ્ટુડન્ટોનું શું ? બિચારાઓ દહાડાના અઢાર-અઢાર કલાક ભણભણ કરીને, ઉજાગરાઓ, ટેન્શનો અને ટ્યૂશનો કરી કરીને જે છોકરાંઓ બારમાની એક્ઝામમાં 90 ટકા પર્સેન્ટાઇલથી વધારે માર્ક્સ લાવે એમને બધાને તમે એક-એક લેપ-ટોપ આપશો ? (આમાં તો શિક્ષણનું ‘સ્તર’ ઊંચુ આવી જશે ! અને વળી ટ્યૂશન ક્લાસિસનો ‘ધંધો’ તો ડબલ થઈ જશે ! દોનોં હાથ મેં લડ્ડુ હૈં !)

***

અચ્છા, આ ચોમાસામાં જે જે વિસ્તારના રસ્તાઓમાં સેંકડોના હિસાબે ખાડા પડી જાય છે એ વિસ્તારના તમામ સ્કુટર ધારકોનો ‘રોડ-ટેક્સ’ માફ કરશો ? અરે, કમ સે કમ એમના મણકાના દુઃખાવાની સારવાર માટેનું ‘ખાડા-ભથ્થું’ તો મંજૂર કરો ?

***

થોડી ‘કેશ-બેક’ સ્કીમો પણ ચાલુ કરવા જેવી છે. જેમકે, જે એરિયામાં ગટરો ઉભરાતી રહેતી હોય તે વિસ્તારના તમામ ઘરોનો ‘ગટર-વેરો’ પાછો ! 

જે ગામડાંઓમાં મહિને 50 કલાકથી વધારે ટાઇમ માટે લાઈટો જતી રહી હોય એમનાં મીટર-ભાડાંના રૂપિયા પાછા ! 

અને જે બેન્કમાંથી લોન લઈને લાખો-કરોડોની ‘ટોપી’ થઈ ગઈ હોય તે બેન્કના તમામ ખાતેદારોને એટલી જ રકમ સરખે ભાગે એમના ખાતામાં જમા કરાવી આપો ! (આ સ્કીમમાં તો એવું થશે કે ખાતેદારો સામે ચાલીને બેન્ક-ફ્રોડને ‘પ્રોત્સાહન’ આપશે ! બોલો કેટલું સારું ?)

***

એમ તો, જે લોકો બિચારા હજી ઘરે બેસીને ઓનલાઈન નોકરી કરે છે એમને ઘરની બહાર નીકળીને ‘આઝાદી’ માણવા માટેનું ટ્રાવેલ-ભથ્થું આપો ! અરે, કમ સે કમ, જે પતિઓ આજે ઘરનું અડધું કામ કરતાં થઈ ગયા છે એમને તો ‘કામવાળી ભથ્થું’ આપો ?

***


સાહેબો, તહેવારોમાં તો ભલભલી કંપનીઓ ડિસ્કાઉન્ટ સેલ કાઢે છે તો સરકારશ્રી, આપ જનતાને માટે તહેવારોના દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં દસ-પંદર રૂપિયાનું તો ડિસ્કાઉન્ટ આપો ? (આ છેલ્લો આઈડિયા ‘માસ્ટર-સ્ટ્રોક’ છે. કેજરીવાલ પાસે ‘લીક’ થાય એ પહેલાં તમે ઉઠાવી લો !)

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments