તાજેતરમાં એક ‘જાગૃત ગ્રાહક’ કોર્ટમાં છેક વીસેક વરસની લડત પછી એવો કેસ જીત્યા કે વીસેક વરસ પહેલાં એક રેલ્વે સ્ટેશને બેઠેલા બુકિંગ ક્લાર્કે 70 રૂપિયાની ટિકીટના 90 રૂપિયા લીધા હતા !
વીસેક વરસ પછી એ 20 રૂપિયાનો ચૂકાદો આવ્યો કે ભાઈ, એ રૂપિયા ‘વ્યાજસહિત’ પાછા આપો !
આવા તો અનેક કિસ્સા બન્યા હશે અને બનતા પણ રહેશે, કે…
***
25 વરસ કેસ ચાલ્યા બાદ એક 90 વરસના ઘરડા નેતાને એક બળાત્કાર કેસમાં સાત વરસ જેલની સજા થશે !
નેતાનો વકીલ દલીલ કરશે કે સાહેબ, હવે આ વડીલ બળાત્કાર કરવાને ‘લાયક’ જ નથી રહ્યાં તો સમાજમાં એમને છૂટ્ટા રાખવામાં વાંધો શું છે ?
***
એ જ રીતે લાંચ રુશ્વતનો એક કેસ 30 વરસ ચાલશે ! જેમાં એક જુનિયર ક્લાર્ક એક સિનિયર ઓફિસરને પોતાની બદલી કરાવવા માટે રૂપિયા 2500ની લાંચ આપતાં પકડાઈ ગયા હતા !
એમાં બન્ને જણા સસ્પેન્ડ થયા હતા. 30 વરસ પછી ચૂકાદો આવશે કે કોઈ લાંચ અપાઈ પણ નહોતી અને કોઈ લાંચ લેવાઈ પણ નહોતી !
- આથી બન્ને જણાને ફરીથી નોકરીમાં લેવામાં આવે ! (તે વખતે બન્નેની ઉંમર 75 અને 80 વરસની હશે.)
***
20 વરસ સુધી કેસ ચાલ્યા પછી કોર્ટ એવો ચૂકાદો આપશે કે 20 વરસ પહેલાં જે છોકરીએ ઘરેથી ભાગીને પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યાં ત્યારે એની ઉંમર ‘પુખ્ત’ નહોતી !
-આથી એ લગ્ન ‘ગેરકાયદેસર’ ગણવામાં આવે. (દરમ્યાનમાં એમને ત્રણ બાળકો જન્મી ચૂક્યાં હશે !)
***
એ તો ઠીક, માત્ર 10 વરસ પછી એક ચૂકાદો આવી જશે ! આ જાહેર હિતની અરજીમાં એવી માગણી કરવામા આવી હશે કે કોર્ટના ચૂકાદાઓમાં 5 વરસથી વધુ વિલંબ ના થવો જોઈએ.
- ચૂકાદો એવો હશે કે હા, સાચી વાત છે, વિલંબ ના જ થવો જોઈએ ! સરકાર એ બાબતે ‘ઝડપ’થી કંઈક કરે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment