તમે એને ‘વિધિની વક્રતા’ કહો, કે એક જાતની જોક કહો, પણ જે ફિલ્મનું નામ જ ‘મરવાનો ટાઈમ નથી’ એવું હોય (No Time To DIE) એ જ ફિલ્મમાં પેલો જેમ્સ બોન્ડ મરી ગયો !
એ મર્યો તો મર્યો, પણ શેના માટે ? દુનિયાને બચાવવા માટે ? ના, એનાથી અડધી ઉંમરની એની પ્રેમિકાને બચાવવા માટે ! અચ્છા, પોતાની દિકરી જેવડી ઉંમરની એ છોકરી કંઈ એની જિંદગીભરની પ્રેમિકા હતી ? ના બોસ ! છેક 1962થી લઈને 2021 સુધીમાં આ જેમ્સ કાકા પુરી 25 પ્રેમિકાઓનાં ચક્કરમાં પડી ચૂક્યા હતા !
આ જેમ્સ બોન્ડનું પણ એકતા કપૂરની સિરિયલમાં આવતી ‘બા’ જેવું છે. 20-20 વરસના જમ્પ માર્યા પછી પણ ‘બા’ના વાળની બે જ વધારે લટો ધોળી થાય, એમ આ બોન્ડ કાકો ‘લગ્ને લગ્ને કુંવારો’ રહ્યો. (એ પણ લગ્ન કર્યા વિના જ !) છેવટે જ્યારે એ 2021માં ‘મરવાનો થયો’ ત્યારે જ લગ્ન કર્યાં !
આના ઉપરથી એવો બોધ પણ લઈ શકાય કે બોન્ડ જેવો બોન્ડ ભાયડો પણ એકવાર ‘પતિ’ થયો એટલે સમજવું કે એ ‘પતી’ ગયો ! આમાં સમજવાનું એ છે કે મારા તમારા જેવા ગમે એટલી મર્દાનગીના ફાંકા મારતા હોય, છેવટે તો તમારી ‘હસ્વ-ઈ’ની ‘દીર્ઘ-ઈ’ થઈ જ જવાની છે !
તમે એ પણ માર્ક કરજો કે જેમ્સ બોન્ડ દરેક ફિલ્મમાં કોઈને કોઈ છોકરીના ચક્કરમાં પડવા જતાં જ મોટી મુસીબતમાં ભરાઈ પડે છે ! જો એ ભઈ સખણો રહ્યો હોત તો આજે પણ જીવતો હોત ને ? અરે, શાંતિથી ઘરે બેસીને બૈરી માટે સૂકું લસણ છોલતો હોત કે નહીં ?
પણ બોસ, પછી તમે જ ફરિયાદ કરતા હોત કે ‘યાર’, આમાં તો કંટાળો આવે છે ! એ હિસાબે તમારે પેલી કમનીય કાયા ધરાવતી પચ્ચીસે પચ્ચીસ સુંદરીઓનો આભાર માનવો જોઈએ કે ભલે જલસા જેમ્સ બોન્ડ કરી ગયો, પણ ‘મઝા’ તો તમને પણ પડી ને ?
તમે બીજી એક વાત એ પણ માર્ક કરજો કે આ જેમ્સભાઈનાં કોઈ મા-બાપ બતાડ્યાં જ નથી ! (પણ આમાં ‘બોધ’ લેવા જેવું કશું નથી. કેમકે ઘરમાં તમે આવી વાત કાઢશો તો તમારો છોકરો ડાયરેક્ટ તમને વૃદ્ધાશ્રમમાં મુકી આવશે ! એમ કહીને કે ‘મારે પણ હવે જેમ્સ બોન્ડ બનવું છે પણ ડેડી, તમે જ મને નડો છો !’)
અચ્છા, તમે એ માર્ક કર્યું છે કે જેમ્સ બોન્ડ એના બોસની ઓફિસે જાય છે ત્યારે બહાર બેઠેલી પેલી રિસેપ્શનિસ્ટ જોડે થોડી રોમેન્ટિક વાતો તો કરશે પણ એની ઉપર કદી ‘લાઈન’ મારતો નથી ! એ જ રીતે જેમ્સ એના અડોશ-પડોશની છોકરીઓમાં પણ ફાંફાં મારતો બતાડ્યો નથી. (એનું ઘર જ ક્યાં બતાડે છે ?) આમાં બોધ એટલો જ લેવાનો કે લફરાં-બફરાં કરવા માટે ઘરનો મહોલ્લો અને ઓફિસના બિલ્ડીંગમાં ચાંચો મારવી નહીં ! ગામ, શહેર, રાજ્ય અને દેશ છોડીને બહાર નીકળો તો ભૂખ્યાને અન્ન મળી જ રહે છે ! (પણ વડીલ, આ ઉંમરે તમે આ બધું છોડીને જવાનો વિચાર ના કરતા ! ક્યાંક ભૂલા પડી જશો.)
તમે બીજું એ પણ માર્ક કરજો કે જેમ્સ બોન્ડને દરેક વખતે એક ઘરડો વૈજ્ઞાનિક કાકો કંઈ નવાં નવાં સાધનો બનાવી આપે છે. કોઈ વાર ઘડીયાળની ચાંપ દાબવાથી ભયંકર બોમ્બ બ્લાસ્ટ થાય તો કોઈ વાર પેનમાંથી ઝેરી તીર છૂટે ! કોઈ વાર એની કારમાં એવું કંઈ ફીટ કરે એમાંથી કાર કાળા ધૂમાડા છોડવા માંડે (PUC સર્ટિફિકેટ વિના !) અથવા કંઈ એવું યંત્ર હોય જેના વડે માણસ હવામાં 40 ફૂટ ઊંચો ઉછળી શકે !
આ બધું જ્યારે એ કાકો બતાડી રહ્યો હોય ત્યારે તો જેમ્સ બોન્ડ ડફોળની જેમ એમાં કંઈ એવી ‘ઉંગલી’ કરે કે લેબોરેટરીમાં અડધો ડઝન વાસણો ધડાકાભેર ફૂટી જાય… પણ બેટમજી વિલન સામે એ સાધન વાપરે ત્યારે જરાય આડુંઅવળું ના જાય !
તમે એ પણ માર્ક કરજો કે જેમ્સ બોન્ડ નાના સ્કુટરથી માંડીને, પાણીમાં ચાલતું સ્કુટર, હવામાં ઉડતું હેલિકોપ્ટર એ સ્પેસમાં આંટા મારતાં સ્પેસ-શીપ સુધીના તમામ વાહનો ચલાવી શકે છે પણ બોલો, એ બેટમજી પાસે એક પણ વાહનનું ‘લાયસન્સ’ હોય એવું તમે જોયું છે ? (હવે, આ દલીલ કોઈ પોલીસવાળો તમને વગર લાયસન્સે પકડે ત્યારે ના કરતા !)
છેલ્લે, એક જ સવાલ અમને છેલ્લા 60 વરસથી કોરી ખાય છે કે બોસ, જો જેમ્સ બોન્ડ એકલે હાથે આવડા મોટા મોટા ‘દુનિયાના દુશ્મનો’ને ખતમ કરી શકે છે તો UK અને USA જેવા દેશો આવડાં મોટાં આર્મી રાખે છે જ શેના માટે ? બે ચાર ડઝન જેમ્સ બોન્ડો જ મેન્યુફેક્ચર કરી લો ને !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment