જ્યારથી ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે કાશ્મીરમાં આવનારની ચંટણીમાં ત્યાં વસવાટ કરતા રાજ્ય બહારના લોકોને પણ મતાધિકાર મળશે…
… ત્યારથી ત્યાંના રાજકારણમાં અચાનક નવા ‘ફોબિયા’ (યાને કે કાલ્પનિક માનસિક ભય) ફાટી નીકળ્યા છે…
***
એચકેકે ફોબિયા
યાને કે હિન્દુ-કરણ ઓક કાશ્મીર ફોબિયા !
જાણે કે યુપી, બિહાર કે કેરળમાં વસતા મુસ્લિમોને તો હિન્દુઓ રોજ રાંધીને ખાઈ જતા હશે… એવું જ હવે કાશ્મીરમાં થવા માંડશે તો ?
***
પીપી ફોબિયા
યાને કે પ્રોપર્ટી પરચેઝ ફોબિયા !
આવા દરદીઓ માને છે કે હવે દેશભરના હિન્દુઓ કાશ્મીરમાં મુસલમાનોની જમીનો અને પ્રોપર્ટીઓ ખરીદવા માંડશે !
એમને એ વિચાર તો આવતો જ નથી કે હવે દેશભરના મુસલમાનો પણ કાશ્મીરમાં પ્રોપર્ટીઓ ખરીદી શકશે !
***
‘અશાંતિ’ ફોબિયા
આ ‘શાંતિપ્રિય’ લોકોને લાગે છે કે 1989 પછી કાશ્મીરમાં બોમ્બધડાકા, ગોળીબાર, આતંકવાદી હૂમલા, હિન્દુઓનું સામુહિક સ્થળાંતર… આ બધું જે ‘શાંતિપૂર્ણ’ રીતે ચાલી રહ્યું હતું તે હવે નહીં ચાલે ! હવે તો ‘અશાંતિ’ ફેલાવવામાં આવશે !
***
ભગવા-કલર ફોબિયા
અમુક રાજકીય નેતાઓને ધોળા દિવસે હવે બિહામણાં ‘ભગવા’ સપનાં આવવા લાગ્યાં છે કે…
- દાલ સરોવરમાં ભગવા રંગના કમળ ખિલી રહ્યાં છે !
- સફરજનની વાડીઓમાં કેસરી રંગના ફળ ઊગી રહ્યાં છે !
- કાશ્મીરના પહાડો ઉપર તિરંગા કલરનો બરફ જામી રહ્યો છે !
***
લોકશાહી ફોબિયા
નેતાઓને હવે ‘લોકશાહી’નો જ ડર લાગવા લાગ્યો છે !
એમને લાગે છે કે હવે ટુંક સમયમાં એમનું કાશ્મીર તો ‘ભારત’ બની જશે ! અરેરે… પછી શું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment