પત્તાંની ભાષા પોલિટિક્સમાં !

આજે જન્માષ્ટમી છે. અમુક લોકો આજે પત્તાંનો જુગાર રમે છે. મઝાની વાત એ છે કે પત્તાંની ગેઇમના અમુક શબ્દો આજકાલના પોલિટિક્સ ઉપર બિલકુલ ફીટ બેસે છે ! જુઓ…

*** 

રોન કાઢી
એક પછી એક ધડાધડ ભારે અને વધારે ભારે પત્તાં નીકળે એને રોન કાઢી કહેવાય, જેમ કે, આજકાલ ઠેરઠેર EDના દરોડા પડી રહ્યા છે !

*** 

કલર કર્યો
ક્યાં નિતિશ કુમાર અને ક્યાં તેજસ્વી પ્રસાદ ? સામસામે છેડે જ બેઠા હતા ને ? પણ અચાનક બન્નેએ સેઇમ કલર ધારણ કરીને ભાજપનો ‘કલર’ કરી નાંખ્યો ને ?

*** 

બાજી પેક
જ્યારે આગળ રમી શકાય એવું ના હોય ત્યારે બંધ બાજીએ જ ગેમ છોડી દેવી પડે ! બિહારમાં ભાજપની ‘ઓપરેશન લોટસ’ નામની બાજી ખુલે એ પહેલાં જ એમણે પેક થઈ જવું પડ્યું ! રાઈટ ?

*** 
બ્લાઇન્ડમાં આવ્યા
આમિર ખાનનું એવું જ થયું ! ભાઈને ખબર હતી કે બોયકોટ ભારે પડવાનો છે છતાં પબ્લિકનાં પત્તાં જોયા વિના ફિલ્મ રિલીઝ કરી દીધી ! (હજી યે બ્લાઇન્ડમાં જ બોલી લગાડે છે કે ઓવરસિઝમાં હિટ છે !)

*** 

જોકર ગેમ
ઘણી બધી ગેમ પછી અચાનક જોકર ગેમ રમવામાં આવે છે જેમાં સામેવાળાનું કંઈ જ ચાલતું નથી ! જેમ કે… ઇમરજન્સી… નોટબંધી.. ધારા 370… સમજ્યા ?

*** 

પપલુ ગેમ
મનોરંજન માટે રમવામાં આવે છે. જેમાં સાવ ફાલતુ પત્તાને જોકર જેટલું મહત્વ મળે છે. દાખલા તરીકે કોંગ્રેસમાં રાહુલબાબા !

*** 

ટ્રાયો
અમુક લોકો મોદી, શાહ અને યોગીને ટ્રાયો માને છે. તો અમુક લોકો સોનિયા, રાહુલ અને પ્રિયંકાને ટ્રાયો માને છે ! પસંદ અપની અપની…

***

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment