સાલું, આજે એ જમાનાની હોરર ફિલ્મો ફરીથી જોઈએ તો વિચારો આવે કે અલ્યા, આમાં શું જોઈને આપણે આટલા બધા ડરતા હતા ? એમાંય પેલા રામસે બ્રધર્સની ‘દરવાજા’ કે ‘દો ગજ જમીન કે નીચે’ જેવી ફિલ્મો જોઈને તો સાલું હસવું કે રડવું ? એ જ સમજ ના પડે ! (આમ જોવા જાવ તો ‘ડર’ અને ‘રડ’ એ બેમાં ફક્ત અક્ષરોની જ અદલા બદલીનો ખેલ છે.)
જોકે બિચારા રામસે બ્રધર્સની લોકોએ ખાલીખોટી મજાક ઉડાડી મારી હતી. એ પહેલાં જે ભૂત-પ્રેતની ફિલ્મો આવતી હતી એમાં તો સફેદ સાડી પહેરીને ઊંઘમાં ચાલતી હિરોઈનો સિવાય કશું બીવા જેવું હતું જ નહીં ! આ તો રામસે બ્રધર્સે મેકપ ડિપાર્ટમેન્ટમાં થોડો ખર્ચો કરીને ખરબચડા ચહેરાવાળા, મોટા મોટા લખોટા જેવડી આંખોવાળા અને માથે લીલા-ભૂરા શિંગડાવાળા ભૂતો બતાડવાની મહેનત કરી !
એ હિસાબે હોલીવૂડની હોરર ફિલ્મો જોઈએ તો ખરેખર નવાઈ લાગે કે ‘બોસ, જે દેશના લોકો વિજ્ઞાનમાં આટલા બધા આગળ વધી ગયેલા છે એ જ લોકો ડ્રેક્યુલા, ડ્રેગન, ઝોમ્બી, વોકીંગ ડેડ અને બીજાં સત્તર પ્રકારના ભૂત પિશાચો પરદા ઉપર લાવી લાવીને પોતાની જ પબ્લિકને બીવડાવતાં રહ્યાં ?’ અને અહીં આપણા જેવા દેશીઓ જ્યાં ભૂત, ડાકણ, પિશાચ, ચુડેલ અને પ્રેત વગેરેને ઘેર ઘેર માનતા હોય… અરે, જ્યાં ભૂત-પ્રેત વળગાડને દૂર કરી આપનારા ભૂવાઓની દુકાન બારેમાસ ચાલતી હોય ત્યાંની હોરર ફિલ્મોમાં કંઈ ભલીવાર જ નહીં ? યે બહોત ના-ઈન્સાફી હૈ મિ. લોર્ડ !
આપણી લોકકથાઓમાં તો ડાકણના પગના પંજા ઊંધી દિશામાં વળેલા હોય, ભૂતનું માથું 360 ડિગ્રીએ ફરી શકતું હોય, પિશાચ વગેરે તો માણસનું લોહી ચૂસી શકતા હોય અને હા, ગામડાં અને શહેરોની દરેક આંબલી ઉપર ભૂતોની રેસિડેન્શિયલ સ્કીમો બનેલી હોય.. છતાં આવું બધું ફિલ્મોમાં કદી આવ્યું જ નહીં ! રાજસ્થાની લોકવાયકાઓમાં તો એક ‘સર-કટા ભૂત' હોય છે ! સાલાનું માથું જ ના હોય ! તો એ અંધારામાં ચાલે શી રીતે ? આંબલીના થડમાં અથડાઈ ના જાય ?
આમેય ફિલ્મી ભૂતો વિશે પબ્લિકને જે સવાલો થવા જોઈએ તે કદી જાહેરમાં પૂછાયા જ નથી. દાખલા તરીકે, જો ભૂત ચાવીના કાણામાંથી પણ પસાર થઈ શકતું હોય તો પછી એ રાતના ટાઈમે બારી બારણાંમાં કીચૂડ કીચૂડ અવાજો શા માટે કરે છે ? શું ભૂતો બારણાં ઉપર બેસીને ‘ચકરડી-ચકરડી’ રમતાં હોય છે ?
બીજું, કે આ બધાં ભૂતો જુનાં અવાવરુ ખંડેર જેવાં મકાનોમાં જ શા માટે રહેતાં હશે । શું એમને શહેરના 2BHK ફ્લેટમાં રહેવાનું ફાવતું નહીં હોય ? એ તો ઠીક, જુના મહેલ ટાઈપનાં બંગલાઓમાં રહીને ભૂત ખાતાં શું હશે ? કરોળિયાનાં જાળાં ? કીડી-મંકોડા ? ઉધઈ ? કે ઉધઈના રાફડા ? કેમકે આ ફિલ્મી ભૂતો માણસને ખાઈ ગયા હોય એવા કિસ્સા તો ફિલ્મોમાં બે પાંચ વરસે એકાદ વાર જ બનતા બતાડે છે.
શું ભૂતોને પ્રાણીઓ નહીં ભાવતા હોય ? મરઘી કે બકરાં પણ નહીં ? અને જો એમને નોન-વેજમાં ઇન્ટ્રેસ્ટ જ ના હોય તો માણસના લોહીમાંસ ખાતાં એમને ચીતરી નહીં ચડતી હોય ? આવા અમુક પ્રશ્નોના ખુલાસા હિન્દી કે હોલીવૂડની ફિલ્મોમાં પણ મળતા નથી.
તમે ખાસ માર્ક કરજો, જ્યાં ભૂતો રહેતાં હોય એવાં ખંડેર મકાનોની આસપાસ જ્યાં જુઓ ત્યાં ઝાડ-ઝાંખરાં જથ્થાબંધના ભાવે ઊગી નીકળેલાં બતાડે છે. એનો મતલબ એ થયો કે આ ભૂતોને ઘાસ, પાંદડાં, ફળ, ફૂલ વગેરે જેવી ‘વેજીટેરીયન’ આઇટમ ખાવામાં પણ રસ નથી હોતો. આવાં ખંડેરોમાં ઘરોળીઓ, દેડકાં અને સાપ પણ બિન્દાસ રખડતાં હોય છે. મતલબ કે ઇન્ડિયાનાં ભૂતો ‘ચાઇનિઝ’ ફૂડ પણ નથી ખાતાં ! તો બોસ, પાંચ દસ વરસે એકાદ-બે માણસને ખાઈને એમને પુરતું ‘ન્યુટ્રિશન’ શી રીતે મળતું હશે ?
બિચારા રામસે બ્રધર્સે તો આ બાબતોમાં કોઈ શોધખોળ કરી જ નહીં, પરંતુ આજના વિક્રમ ભટ્ટ તથા રામગોપાલ વર્મા તો ભૂતોના નામે બહુ કમાઈને બેઠા છે. એમણે તો રિસર્ચ કરવી જોઈએ કે નહીં ? કમ સે કમ પોતાની ફિલ્મોની કમાણીના દસ ટકા અલગ રાખીને એમાંથી ભૂતો માટે ખાસ પસંદ કરેલી આંબલીઓના ઝાડ ઉપર ‘ભૂત-આવાસ-યોજનાઓ’ બનાવીને મુકવી જોઈએ ! શું કહો છો ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Ha..ha.
ReplyDeleteHa...ha...
ReplyDelete