દિનેશ કાર્તિકે કહ્યું છે કે નેશનલ ટીમમાં એન્ટ્રી લેવા માટે IPL બેસ્ટ પ્લેટફોર્મ છે ! બોલો, વાત પણ કેટલી સાચી છે ? કેમકે IPLમાં કેટલી ‘રાહતભરી’ ટ્રેનિંગ મળે છે ! જુઓ…
***
સમયની બચત
IPLની મેચો વહેલી વહેલી પતી જાય છે એટલે એ પછી તરત જ ‘આરામ’ અથવા ‘શોપિંગ’ કરવાનો ઘણો ટાઈમ મળે છે.
***
એનર્જીની બચત
એક તો ટેસ્ટમેચોની જેમ ત્રણ ત્રણ દહાડા ફિલ્ડીંગો ના ભરવી પડે !
બીજું, શરૂઆતની છ ઓવરમાં તો બાઉન્ડ્રી પાસે બેજ ફિલ્ડરોએ ઊભા રહેવાનું ! કેટલી શાંતિ ?
***
બોલિંગમાં ફોક્સ
ફક્ત ચાર જ ઓવર નાંખવાની છે એટલે આપણે ‘ચોવીસે ચોવીસ બોલ’ બિલકુલ ‘માઈન્ડ-ફોકસ’ કરીને નાંખી શકીએ છીએ !
***
બેટિંગમાં રાહતને પ્રોત્સાહન
IPLના નિયમો જ એવા છે કે બેટ્સમેનોને રાહત અને પ્રોત્સાહન બન્ને આરામથી મળે છે. હજી છ-સાત ઓવર રમ્યા નથી ત્યાં તો ‘સ્ટ્રેટેજી’ ઘડવા માટે બ્રેક મળે ! બેટથી પહોંચી ના શકે એવા બોલ વાઇડ બોલ ગણાય ! અને 20માંથી 10 ઓવરમાં તો ફિલ્ડીંગ ઉપર ‘રીસ્ટ્રીક્શન’ હોય !
***
સટ્ટાની સહાય
રન ના કરવાના પૈસા મળે ! રન-આઉટ થવાના પૈસા મળે ! ધીમું રમવાના પૈસા મળે ! અરે, હારી જવાના ય પૈસા મળે !
આનાથી સારી ટ્રેનિંગ બીજે ક્યાં મળે ?
***
આત્મનિર્ભર પેકેજ
ટુંકમાં, બે ચાર ઓવર નાંખવાની, એકાદ કેચ પકડવાનો, દસ બાર રન કરવાના અને ટીવી કેમેરા સામે સિરીયસ ડાચું રાખીને છ-સાત વાક્યો ઇંગ્લીશમાં બોલવાનાં ! આટલું કરવાના દર વખતે પાંચ-સાત લાખ મળે ! બોસ, IPLજ બેસ્ટ ગણાય ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment