ખરેખર તો આપણે ઇન્ડિયાની સરખામણી શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ કે અમેરિકા જેવા દેશો સાથે કરવી જ ના જોઈએ ?
પૂછો કેમ ? તો સાંભળો…
***
બાંગ્લાદેશમાં પેટ્રોલના ભાવ વધારા સામે હજારો લોકો, સડકો ઉપર ઉતરી આવ્યા.
- તે આવે જ ને ? એમને ત્યાં વાહનો જ એટલાં ઓછાં છે કે હજારો લોકો સડક ઉપર ‘ચાલી’ શકે છે !
***
એમ નહીં, ‘હજ્જારો’ લોકો… ‘હજ્જારો’ લોકો વિરોધમાં આવી ગયા.
- હા, પણ અહીં તો ફક્ત એક હજારથી વધારે લોકોને ભેગા કરો તો CCTV લગાડવાં ફરજિયાત કરી નાંખ્યાં છે ! પોષાતું હશે ?
***
શ્રીલંકામાં લોકોના વિરોધથી ડરીને ત્યાંના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા.
- એમ તો આપણે છેલ્લાં છ વરસથી આમિર ખાનને કહીએ છીએ કે દેશ છોડીને ચાલ્યો જા… પણ એ જાય છે ?
***
શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને નજીક આવવાની ચોખ્ખી ના પાડી દીધી.
- આપણે ત્યાં ચીનને જહાજ લાવવાની જરૂર જ ક્યાં છે ? આપણે તો ચાઇનિઝ મોબાઇલો વડે જ જાસૂસી કરવા દઈએ છીએ !
***
અમેરિકામાં ગન-કલ્ચરને કારણે દર વરસે 50,000 જેટલા લોકોનાં મોત થાય છે.
- જવા દો ને, આપણે ત્યાં તો બિચારા કોઈ ઓફિસર ગનનાં લાયસન્સો આપે એમાં તો એની ધરપકડ થઈ જાય છે !
***
અમેરિકાએ મહિલા સ્પીકર નેન્સી પેલોસીને તાઈવાન જવા માટે લોખંડી સુરક્ષા આપી.
- આ બાબતમાં તો આપણે પણ પાછળ નથી. આપણે કંગના રાણાવતને Z સુરક્ષા આપી રાખી છે !
***
ઇંગ્લેન્ડમાં નવા PM કોણ બનશે એના માટે ચૂંટણી ચાલી રહી છે.
- એમાં પણ આપણે ચેમ્પિયન છીએ. અહીં તો એકાદ શિંદે કે એકાદ તેજસ્વીની જ જરૂર પડે છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment