કોઈ કોઈ વારે અમારી ખોપડીમાં કંઈક ભલતા જ વિચારોના છેડા એકબીજાને અડી જાય છે ! દાખલા તરીકે, જુઓને…
***
જો દ્રૌપદીએ દૂર્યોધનને ટોણો ના માર્યો હોત કે ‘આંધળીનાં તો આંધળા જ હોય ને !’ તો બોસ, ટીવી ઉપર જે ત્રણ ત્રણ વાર જે મહાભારત સિરિયલ આવી એ ત્રણેય અડધા જ હપ્તામાં ના પતી ગઈ હોત ?
***
એમ તો પેલી મંથરાએ કૈકેયીના કાન ના ભંભેર્યા હોત તો રામચંદ્રજી વનમાં ના જાત… એ ખરું, પણ જરા વિચારો, પેલો રાવણ છેક લંકામાં બેઠો હોત એ પણ ના મર્યો હોત ને ?
***
પુરાણોનું છોડો, આજની વાત કરો…
આ પેલા બધા ન્યુટન, આર્કીમિડિઝ, પ્લુટો, આઇન્સ્ટાઇન જેવાં વૈજ્ઞાનિકોએ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના અઘરા અઘરા સિધ્ધાંતો ના શોધ્યા હોત તો…
- તો બાર સાયન્સના રિઝલ્ટ પછી કંઈ કેટલાય છોકરાંઓ આત્મહત્યા કરવામાંથી બચી ના ગયા હોત ?
***
અરે, ઇતિહાસ તો ઇઝી છે પણ બોસ, ચૌદમી સદીમાં પેલા બહાદુરશાહ ઝફરે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરમિશન જ ના આપી હોત..
- તો આજે ‘ઇંગ્લીશ’ મિડીયમની આટલી બધી સ્કુલો જ ના હોત ને ? (મા-બાપના કેટલા બધા પૈસા બચી ગયા હોત !)
***
આવા બધા વિચારો અમને કેમ આવ્યા, ખબર છે ?
કેમકે, જો વરસો પહેલાં પેલા મોતીલાલ વોરાએ ‘નેશનલ હેરાલ્ડ’ના મામલામાં કાચું ના કાપ્યું હોત તો…
- તો આજે બિચારાં પ્રિયંકાજી અને રાહુલબાબાને કાળાં કપડાં પહેરીને સડકો ઉપર ના બેસવું પડત ને ?
***
એ તો ઠીક, પણ જો રાજીવ ગાંધી બ્રિટનમાં સોનિયા ગાંધીના પ્રેમમાં જ ના પડ્યા હોત તો ?
- તો આજે કોંગ્રેસની આ દુર્દશા ના હોત ને ? બોલો, ખોટી વાત છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment