સામેથી કહીને ચોરી કરેલી ધૂનો !

ગુજરાતીમાં પેલી ‘દલા તરવાડી’ની વારતા હતી ને ? દલા તરવાડી કોઈની વાડીમાં ઘૂસે અને પૂછે ‘રીંગણા લઉં બે ચાર ?’ પછી પોતે જ વાડીનો અવાજ કાઢીને કહે ‘લે ને દસ બાર !’ એવા જ પ્રકારના કંઇક કિસ્સાઓ ફિલ્મી ગીતોમાં પણ થયા છે, બોલો !

એક કિસ્સો તો ખાસ્સો જાણીતો છે. એમાં થયું એવું કે ફિલ્મ ‘ચોરી ચોરી’નું પેલું ગાયન ‘રસિક બલમા, દિલ ક્યૂં લગાયા …’ રેકોર્ડ થઈ રહ્યું હતું એ દરમ્યાન એ જ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સચિન દેવ બર્મન કોઈ કામથી આવ્યા હતા. એમને આ ગીતની ધૂન એટલી બધી પસંદ પડી ગઈ કે એમણે શંકર અને જયકિશનને કહ્યું : 

‘તુમ્હારે ગાને કે સૂર બડે પ્યારે હૈં, ક્યાં મૈં ચૂરા લું ?’ સચિન દા તો SJના સિનિયર હતા. શંકર અને જયકીશને કહ્યું, ‘દાદા, આપ કો પસંદ હો તો આપ લે લો ! હમેં ખુશી હોગી !’

અને તમે માનશો ? (આવું લખવાનો રીવાજ છે. બાકી હવે તો માનવું જ પડશે ને ?) સચિન દા એ એ જ સૂરાવલિ ઉપરથી પોતાનું ગીત બનાવ્યું : ‘ચાંદ ફિર નિકલા, સજન તુમ ન આયે…’

હવે મનમાં બન્ને ગાયનો ગણગણી જુઓ (અવાજ સારો હોય તો ગાઈ પણ જુઓને ? બહુ બહુ તો પાડોશીઓ કહેશે કે કાકા આજે ફરી ચગ્યા લાગે છે !) મઝા એ છે કે એક ગીતમાં અંતરો ગાઈને બીજા ગીતના મુખડા ઉપર તમે લસરપટ્ટીની જેમ સરકી જઈ શકો છો !

બીજો કિસ્સો એવો છે કે એમાં ચોરી થઈ ત્યારે માલિકને ખબર જ નહોતી ! ચોરે સામે ચાલીને કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો !

આખો કિસ્સો RD બર્મને તબસ્સુમના એક પ્રોગ્રામમાં કહ્યો હતો. બન્યું એવું કે એક દિવસ સંગીતકાર રોશન સચિન દાને મળવા માટે એમના ઘરે આવ્યા. યુવાન રાહુલ દેવ પણ ઘરમાં જ હતા. બન્ને વડીલો વાતોમાં મશગુલ થઈ ગયા. વાતો વાતોમાં SDએ રોશનને કહ્યું તમારી ‘મમતા’ ફિલ્મનાં ગીતો બહુ સુંદર બન્યા છે. ખાસ તો પેલું ‘રહે ના રહેં હમ, મહેકા કરેંગે…’ તો રોશન બોલી ઉઠ્યા ‘દાદા એ તો તમારી જ ધૂન છે !’

સચિન દા વિચારમાં પડી ગયા ! રોશને એમને યાદ કરાવ્યું. તમારું ‘નૌજવાન’ ફિલ્મનું ગીત છે ને… ‘ઠંડી હવાયેં, લહરા કે આયેં…’ સચિન દા બોલ્યા ‘ઓ ત્તારી ભલી થાય !’ (એવું ના પણ બોલ્યા હોય, પણ કલ્પના કરવાની કેવી મઝા આવે છે ?)

હવે ખેલ જુઓ… ‘નૌજવાન’ આવી હતી (1951)માં અને ‘મમતા’ (1966)માં ! મતલબ કે પુરા પંદર વરસ પછી બા-કાયદા ઉઠાંતરી ! અને એની કબૂલાત ખુદ માલિકના મોં સામે ! બોલો, હિંમત છે ને !

પણ વાત અહીં પુરી નથી થતી. (ચોરી ચાલુ જ છે !) રાહુલ દેવ બર્મને તબસ્સુમને એ પ્રોગ્રામમાં કહ્યું કે અમે સંગીતકારો બીજા સંગીતકારોની ધૂનમાં ક્યારેક ‘મીટર’ શોધીને ઉઠાવતાં હોઈએ છીએ. (મીટર એટલે એક પ્રકારનો ‘છંદ’) જેમ કે એ જ મીટર અને એજ સૂરાવલિ ઉપરથી મેં ફિલ્મ ‘સાગર’ માટે ધૂન બનાવી ‘સાગર કિનારે, દિલ યે પુકારે…’ (મતલબ કે ‘બાપનો માલ’ સમજીને ઉઠાવી જ લીધો, હેં ?)

બીજો એક કિસ્સો તો એવો છે કે સચિન દા રીતસર બધા સામે ‘લૂંટાઈ ગયા’ ! આ વાત ‘છૂપા રુસ્તમ’ (1973)ના એક ગાયનની છે. ફિલ્મમાં એક કોમેડી સોંગની જરૂર હતી. એટલે સર્જન વખતે મ્યુઝિક રૂમમાં કીશોર કુમારને પણ બોલાવ્યા હતા. (યાદ છે ને, ‘એક ચતૂર નાર’ ગાયન બનાવતાં બનાવતાં કીશોર કુમારે ગાડીને કેવા કેવા પાટે ચડાવી મારી હતી ?) ડિરેક્ટર, પ્રોડ્યુસર, ગીતકાર, સચિન દા વગેરે વિચારી રહ્યા હતા કે સિચ્યુએશન શું હોઈ શકે ?

ત્યાં જ કીશોર કુમારે SDના સામે જ એમના એક જુના ગીતની રીસતર ફીરકી ઉતારતા હોય એમ ગાવા માંડ્યું ‘ધીરે સે જાના ખટિયન મેં, ઓ ખટમલ…’ (મૂળ ગીત તો સુંદર હાલરડું છે ‘ધીરે સે જાના બગિયન મેં ઓ ભંવરા’.. જે ખુદ SDએ પોતાના અવાજમાં ગાયું હતું) અહીં તો કીશોર કુમારના શબ્દોમાં જ સિચ્યુએશન હતી કે હિરોઈનના ખાટલામાં માંકડ ઘૂસી ગયો છે!

તમને થતું હશે કે ચોરીની કબૂલાતના કિસ્સા જુના સંગીતકારોના જ કેમ હોય છે ? તો ભાઈ, આજના પ્રીતમ અથવા અન્નુ મલિક ટીવીના લાઈવ શોમાં એમ થોડા કહેવાના હતા કે ‘ફલાણી વિદેશ ધૂન સાંભળતાં જ મારા હાથમાં ચળ આવવા માંડી હતી…?!'

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. કવિ પ્રદીપ પણ એક વખત બોલેલા કે મેં સંગીતકાર નૌષાદની એક મને ગમી ગયેલી ધૂન ઉપાડી લીધી છે. અને એ પછી એમણે કહ્યું કે, નૌષાદની અનમોલ ઘડીની "કયા મિલ ગયા ભગવાન મેરે દિલકો દુખાકે, અરમાનોકી નગરીમે મેરી આગ લગાકે...' ધૂન લઈને મેં 'દેદી હમેં આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ...' બનાવી નાખ્યું !😊

    ReplyDelete
    Replies
    1. મિત્રો, ઉપરની માહિતી જાણીતા ફિલ્મ વિવેચક અને કોલમ લેખક શ્રી હકીમ રંગવાલાએ આપી છે. એમની નિયમિત કોલમ મુંબઈ સમાચારમાં પ્રગટ થાય છે.

      Delete

Post a Comment