ગુજરાતમાં આવડો મોટો લઠ્ઠાકાંડ થઈ ગયો, આટલાં બધાં મોત થઈ ગયાં… એ પછી આપણે શું શીખ્યાં ?
ધારો કે ગામડાની કોઈ પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીને ‘લઠ્ઠાકાંડનો બોધપાઠ’ એ વિષય ઉપર ટૂંકનોંધ લખવાની કીધી હોય તો ? એ શું લખે ?... વાંચો.
***
લઠ્ઠાકાંડમાંથી બહુ બધું સીખવાનું છે.
(જોડણી સાતમા ધોરણના છોકરાની જ છે… ઓકે ?)
સઉ થી પે’લુ એ સીખવાનું છે કે એમાં 30-40 જણા મરી જાય તો બી કોરોનાની જેમ એનો ચેપ લાગતો નથી.
એટલે સ્કુલમાંથી રજા બી મલતી નથી. એટલે આપડાને બઉ ફાયદો નથી.
લઠાની રસી બી ના હોય. પણ હવે એ સોધવી પડસે. આ બી બોધપાઠ છે. બાકી લઠાકાંડ નવ દસ વરસે એક જ વાર થાય છે એટલે બઉ ડરવાની જરૂર નથી. કોરોનાથી ના ડરિયા તો આમા સુ ડરવાનું.
અમારા ગામમાથી બાર જણા હોસપીટાલમાં લઠા સામે જંગ લડિયા અને જીતિયા. આ બી બોધપાઠ છે. લઠા સામે લડી સકાય છે.
બીજુ સીખવાનુ એ છે કે આ ધંધો સારો છે. માણસ ધારે તો બસો કરોડનો બિઝનેસ કરી સકે છે આમાં પોલીસ બી મદત કરે છે.
આ ફેરી થોડા પોલીસ સસપેન થયા બાકી પે’લા થયા નોતા. એટલે એ બી સીખવાનુ છે કે સસપેન કેવી રીતે ના થવું.
બીજુ, કેમિકલ મા થી લઠો બનાવા માટે કોલેજ જવાની જરૂર નથી. એ જાતે બી સીખી સકાય છે. યુ ટુબમાં તો ગોળ, દ્રાક્સ અને કાજુનો દારૂ બનાવતા સીખાવે છે.
આજકાલ બધા દારૂના અડડા બન છે. એટલે મેઇન બોધપાઠ તો એ બી સીખવાનો છે કે આ બધું ફરી પાછુ સારી રીતે ચાલુ સી રીતે કરવાનું છે. પોલીસ આમાં બી મદત કર સે.
ટુક સમયમાં જનજીવન સામાન્ય થી જાય એવી આસા. જયભારત.
***
- મન્નુ શેખચલ્લી
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment