અત્યારે મલ્ટિપ્લેક્સોની જે હાલત છે એ જોતાં આવનારા દિવસોમાં ‘પિક્ચરની એક ટિકીટ ઉપર બે સમોસા ફ્રી’ એવી સ્કીમો કાઢવી જ પડશે !
દરમ્યાનમાં, તમને નવાઈ લાગશે, પણ ફિલ્મોની અંદર તો ઓલરેડી આ ટાઈપની ફ્રી સ્કીમો ચાલી જ રહી છે ! જુઓ નમૂના…
***
હીરો સાથે કોમેડિયન ફ્રી
હીરો સલમાન હોય કે સાઉથનો અલ્લુ અર્જુન, એની સાથે હંમેશા બે કાર્ટુન જેવા ભાઈબંધો ફ્રી જ હોય છે, વળી આ ભાઈબંધો માત્ર કોમેડી જ કરશે. ફાઈટ તો હીરો એકલો જ કરવાનો.
***
હીરોઈન સાથે બહેનપણીઓ ફ્રી
એ જ રીતે હીરોઈન સાથે થોડી નટખટ અને થોડી બાઘા જેવી બે બહેનપણીઓ પણ ફ્રીમાં હોય છે. જોવાની વાત એ છે કે હીરોનું હીરોઈન સાથેનું સેટિંગ ગોઠવાઈ જાય પછી બન્ને બહેનપણીઓ ગાયબ થઈ જાય છે !
***
પિક્ચર સાથે આઇટમ સોંગ ફ્રી
જે રીતે મિક્સર ગ્રાઉન્ડર સાથે ટૂથપેસ્ટ ફ્રી હોય અને બન્ને ચીજોને એકબીજા જોડે કોઈ લેવાદેવા જ ના હોય એ રીતે પિક્ચરની વાર્તા સાથે ફ્રીમાં આવતા આઈટમ સોંગને કોઈ સાંધાનો ય સંબંધ નથી હોતો !
***
પિક્ચરના એન્ડમાં વિડીયો સોંગ ફ્રી
આજકાલના પિકચરો પતે પછી જ્યારે ક્રેડિટ ટાઈટલ્સ પડતાં હોય ત્યારે પરદામાં એક બારી જેવું નાનું બાકોરું બનાવીને એમાં ઝાકઝમાળથી ભરપૂર કોઈ ગાયન ચાલતું હોય છે પણ મલ્ટિપ્લેક્સોવાળા એવાં ગાયનોને એટલાં ‘ચીપ’ માને છે કે હોલની લાઈટો ચાલુ કરીને તમને સરખી રીતે જોવા જ નથી દેતા !
***
રિવોલ્વર સાથે બુલેટો ફ્રી
હીરો જ્યારે વિલનના અડ્ડામાં માત્ર એક કે બે રિવોલ્વર સાથે એન્ટ્રી મારે છે ત્યારે એનાં તમામ ખિસ્સાં ખાલી હોય છે છતાં કોણ જાણ ક્યાંથી એની ગનમાં કે મશીનગનમાં ડઝનના હિસાબે ગોળીઓ શી રીતે પુરાતી જ રહે છે ? કેમ કે બુલેટો ફ્રી છે ! અને એનો સપ્લાય પણ ડાયરેક્ટ ઓનલાઇનથી ડાઉનલોડ થતો હોય છે !
***
વિલન સાથે ટપોરીઓ ફ્રી
જે રીતે હીરો વિલનના ગુન્ડાઓને બિલકુલ માખી મચ્છરની માફક મારી નાંખે છે અને પેલા ડોબાઓ હાથમાં મશીનગનો અને મોટી તલવારો હોવા છતાં ટપોટપ મરી જાય છે એ જોઈને તો ચોક્કસ લાગે છે કે વિલનને આ બધા ટપોરીઓ ક્યાંકથી સાવ ફ્રીમાં જ મળતા હશે !
***
ગાયન સાથે ડાન્સરો ફ્રી
અલ્યા ભઈ, એક લુંગીવાળો હીરો અને બે ચોટલાવાળી હીરોઈન કોઈ ઝુપડાની પાછળ પ્રેમમાં પડે એ પછી જે ગાયન આવે એમાં બબ્બે ડઝન છોકરા-છોકરીઓ જુદી જુદી વેશભૂષામાં નાચવા માટે ક્યાંથી આવી જાય છે ? કેમકે એ લોકો ફ્રી છે ! (ફ્રી એટલે ‘નવરા’ પણ ખરા.)
***
કાર સાથે સ્પ્રીંગો ફ્રી
આ સ્કીમનો સૌથી વધુ લાભ રોહિત શેટ્ટી લેતો હોય છે. તમે જોજો, એની ફિલ્મોમાં જ્યારે બોમ્બ વડે કાર ઉપર હુમલો થાય ત્યારે અંદર ગોઠવેલી પેલી ફ્રીમાં મળેલી સ્પ્રીંગો વડે કારો હવામાં ઉછળીને કેવી ગુલાંટો ખાવા લાગે છે !
***
મહિલા પાત્રો સાથે ગ્લિસરીન ફ્રી
આ જુના જમાનાની સ્કીમ હાલમાં બંધ છે. એ વખતે તમામ સ્ત્રી પાત્રોને ગ્લિસરીનની બાટલી મફતમાં મળતી હતી જેથી જ્યારે ને ત્યારે ધોધમાર આંસુડા પાડીને તેઓ રડી શકે ! જોકે ટીવી સિરિયલોમાં આ સ્કીમ હજી ચાલુ છે.
***
ગુજરાતી ફિલ્મો સાથે માથાનો દુઃખાવો ફ્રી
આ સ્કીમ હાલમાં ચાલુ જ છે. પણ કોઈ લાભ જ નથી લેતું ! નિર્માતાઓ સામે ચાલીને પ્રિમિયરના પાસ ફ્રીમાં આપે છે છતાં કોઈ માઈનો લાલ મફતમાં મળતો માથાનો દુઃખાવો લેવા આગળ આવતું નથી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
E-maill : mannu41955@gmail.com
Comments
Post a Comment