કહેવતોનાં રાજકીય ચોકઠાં !

‘કહેવતલાલ પરિવાર’ નામની એક નવી ગુજરાતી ફિલ્મનું મુખ્ય પાત્ર જ્યાં ને ત્યાં કહેવતો જ ફટકાર્યા કરે છે ! જોકે આ પ્રયોગ આજકાલની રાજકીય સ્થિતિ ઉપર પણ ફીટ થઈ જાય એવો છે ! જુઓ…

*** 

ચૂંટણી જીતવા માટે સૌને સલાહ આપનારા પ્રશાંત કીશોર હવે, પોતાની રાજકીય પાર્ટી શરૂ કરશે.
ટુંકમાં… હવે ખબર પડશે કે ‘કેટલી વીસે સો થાય !’

*** 

WHOનો અહેવાલ જણાવે છે કે કોરોનાના કારણે દુનિયામાં દોઢ કરોડ અને ભારતમાં 47 લાખ લોકોના મોત થયાં છે.
લો બોલો, ‘કહેતા ભી દિવાના, ને સુનતા ભી દિવાના !’

*** 

આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને 19 હજાર કરોડની મદદ આપવાનો ચીને ઇન્કાર કરી દીધો છે.
આને કહેવાય કે ‘ભરોસાની ભેંસે પાડો જણ્યો !’

*** 

કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને આવનારાઓને માલદાર હોદ્દાઓ મળ્યા છે જ્યારે ભાજપના વરસો જુના કાર્યકરો અને નેતાઓ હજી રાહ જોતા બેસી રહ્યા છે.
આને કહેવાય ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ને ઉપાધ્યાયને આટો !’

*** 

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અનેક વિદેશી નેતાઓ ભારતમાં આવી ગયા. એટલું જ નહીં, મોદીજી પણ વિદેશ પ્રવાસો કરવા માંડ્યા છે.
સાલું, કંઈક તો અંદરખાને ચાલી રહ્યું છે… નહિતર ‘લાલો લાભ વિના લોટે નહીં !’

*** 

મહિનાઓ સુધીની વાટાઘાટો, મિટિંગો અને પ્રેઝન્ટેશનો પછી કોંગ્રેસે પ્રશાંત કીશોરને હોદ્દો આપવાની ના પાડી દીધી.

મતલબ કે…. ‘ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા, બાર આના !’

***

- મન્નુ શેખચલ્લી

Comments