શુક્રવારે રાત્રે IPLની મેચમાં બેંગલોરની ટીમ હારી ગઈ પછી બધા પોતપોતાની હોટલમાં પાછા ફર્યા.
પરંતુ શનિવારે સવારના અગિયારેક વાગ્યા પછી મોટી બબાલ ચાલુ થઈ ! બેંગલોર ટીમના એક સ્ટાફ મેમ્બરે જઈને ટીમના મેનેજરને કહ્યું :
‘સર, પેલો રજત પાટિદાર ધરણાં ઉપર બેઠો છે !’
‘ધરણાં ?’ મેનેજર ચોંક્યો. ‘શેના ધરણાં ?’
‘સર, રજત પાટિદારની ઘણી માગણીઓ છે.’
‘અરે ? શેની માગણીઓ ? કેવી માગણીઓ ?’
‘શી ખબર, કહે છે કે હવે ટીમમાં એનું સ્થાન ફિક્સ હોવું જોઈએ.’
‘ફિક્સ એટલે ?’
‘એટલે… એ કહે છે કે મારું સ્થાન પહેલેથી રિઝર્વ રહેવું જોઈએ.’
‘અરે, આ તો કેવી વાત કરે છે ?’
‘હા, અને કહે છે કે મારી સાથે સતત અન્યાય થયો છે.’
‘અન્યાય ? શેનો અન્યાય ? અરે ભઈ, ટીમમાં બીજા પ્લેયરોને ઈજા હતી એટલે એને આપણે ચાન્સ આપ્યો. એણે કોલકત્તામાં સેન્ચુરી કરી, અમદાવાદમાં હાફ સેન્ચુરી કરી… તો એનાં આપણે વખાણ કર્યા. કોલકત્તામાં તો ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ મળ્યો -’
‘એ બધું બરાબર, પણ એ કહે છે કે અત્યાર સુધી એને અન્યાય થયો છે.’
‘અન્યાય ?’
‘હા, અને કહે છે કે હવે દેશભરના પાટિદાર ક્રિકેટરોએ સંગઠીત થવાની જરૂર છે !’
‘હેં ? અલ્યા, આવી ભાષા એ ક્યારથી બોલવા લાગ્યો છે ?’
‘સર, સવાર સવારના એક ભાઈ એને મળવા આવ્યા હતા, ત્યારથી.’
‘અચ્છા, શું નામ છે એ ભાઈનું ?’
‘હાર્દિક… હાર્દિક પટેલ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment