લેડિઝ ટેલરની સસ્પેન્સ લવ-સ્ટોરી !

પહેલા જ વાક્યમાં હાસ્ય-કથાનો સસ્પેન્સ ખુલી જાય કે.. 'અધીરીયો થઈ ગયેલો ધીરીયો એની ફેસબુક પ્રેમિકાને મળવા માટે હોટલના રૂમમાં પહોંચ્યો ત્યાં બારણું ખોલતાંની સાથે જ એના ટાંટિયા ડાંડીયા રમવા માંડ્યા… બેડ ઉપર પેલીની લાશ હતી !' ....તો બોલો, તમે એ હાસ્ય-કથા વાંચો કે નહીં ?

જવાબ છે, પેપર ફૂટી ગયું હોવા છતાં સાલું, પેપર શું હતું અને ફૂટ્યું શી રીતે, એટલું જાણવા માટે તો અમુક લોકો વાંચવાના ! તો વાંચો…

ધીરીયો યાને કે ધીરજકુમાર વસંતલાલ ટેલરનાં બાળપણથી જ બે જ સપનાં હતાં. એક તો પ્રાયવેટ ડિટેક્ટીવ બનવું અને બીજું, ફૂલ-ટાઈમ લેડિઝ-ટેલર તરીકે ધીકતી પ્રેક્ટિસ કરવી. 

આમાં પ્રાયવેટ ડિટેક્ટીવની પ્રેક્ટિસ કરવા માટે ધીરીયો હિન્દીમાં છપાયેલી સસ્તી સસ્પેન્સ નવલકથાનાં છેલ્લાં 30 પાનાં ફાડીને ઓશિકાના ગલેફમાં સંતાડીને બાકીની નોવેલ વાંચી જતો. પછી રાતના ત્રણ-ત્રણ વાગ્યા સુધી સૂતાં સૂતાં પડખાં ફેરવી ફેરવીને એ મનમાં ને મનમાં ડિટેક્ટીવગિરી કરતો કે ‘ખૂન કિસ ને કિયા હોગા?’

આમાં ને આમાં એને ખૂની શોધવાની ફાવટ આવી ગયેલી ! કેમકે એ ધાબા ઉપર સૂતો હતો. રાતના ચાંદરણાનાં ઝાંખા અજવાળામાં તે ઓશિકાના ગલેફમાં હાથ નાંખીને એક એક પાનું કાઢીને, વાંચી લેતો ! પછી બીજા દિવસે ભાઈબંધો આગળ શેખી મારતો કે ‘જોઈ લો, મેં ખૂનીને શોધી કાઢ્યો છે !’

જોકે અહીં હોટલમાં તો મામલો એવો હતો કે ખૂનીને શોધવા જતા પોતે જ ખૂની સાબિત થઈ જાય એવી હાલત હતી ! આમ છેક ખૂની બની જવા સુધીની સ્થિતિ શી રીતે ઊભી થઈ ? 

તો જવાબ એ છે કે બિચારા ધીરજકુમારને વસંતલાલ નડતા હતા ! આ વસંતલાલ કોણ ? એના બાપા ! 

ધીરીયો નાનો હતો ત્યારે વસંતલાલની સરસ મજાની લેડિઝ-જેન્ટ્સ ટેલરિંગની દુકાન હતી. પરંતુ એક વાર એક વધારે પડતાં વળાંકો ધરાવતી યુવતીના બ્લાઉઝનું માપ લેવા જતાં વસંતલાલનાં આંગળીઓનાં ટેરવાંને ગુજરાતી કવિતાનો ચેપ લાગ્યો ! (ટુંકમાં કહીએ તો ‘ટેરવે ટેરવે ટહૂકાની વસંતો’ ફૂટી હતી.) 

પરિણામ એ આવ્યું કે એ યુવતીના ચાર માથાભારે ભાઈઓએ વસંતલાલના માથામાં મુક્કાનો વરસાદ વરસાવીને તેમનું માથું ડબલ ભારે થઈ જાય એટલું સુજાડી મુક્યું હતું !

આ સનસનાટી ખબર ગામમાં ફેલાતાં અન્ય ‘મી-ટુ’ (હાય હાય, મને પણ આવું જ કરેલું) વાળા કિસ્સા જાહેર થઈ ગયેલા. સરવાળે વસંતલાલના આખા શરીરે લાફા, લાતો, ધક્કા, ડફણાં અને મુક્કાઓ ફૂટી નીકળ્યા હતા ! 

છેવટે એમણે બે હાથ જોડીને જાહેરમાં સોગંદ ખાધેલા કે ‘આજ પછી હું અને મારી આવનારી સાત પેઢીઓ લેડિઝ ટેલરિંગનું કામ હાથમાં તો શું અમારી મેઝર-ટેપમાં ય નહીં લઈએ !’ ત્યારે એમની દુકાન બચી શકી હતી…

આમાં ને આમાં અગિયાર વરસના ધીરીયાનાં લેડિઝ ટેલર બનવાનાં સપનાં રોળાઈ ગયાં. બાપાની બદનામી જોઈને ધીરીયાની મા ઘર છોડીને જતી રહેલી. આમ, ધીરીયો બિચારો, પરણવાની ઉંમરે ખાસ્સો કોઈ સિરિયલના એકટર જેટલો હેન્ડસમ લાગતો હોવા છતાં, એને જુનાં ગુજરાતી પિકચરોમાં ગરબામાં જોવા મળતી હતી એવી, એક સુકલકડી, કુપોષિત અને કજિયાળી પત્ની (એ પણ સોળમા પ્રયત્ને ) મળી હતી.

હવે તમે જ કહો, ધીરીયો બિચારો શું કરે ? છેવટે એ પણ ફેસબુકના શરણે જ જાય ને ? ધીરીયાએ ફેસબુકમાં પોતાના રીયલી હેન્ડસમ ફેસ અને કાલ્પનિક પર્સનાલિટીની પ્રોફાઈલો બનાવીને રૂપાળી ફ્રેન્ડશીપોના સથવારા શોધવા માંડ્યા. 

આમાં એની ડિટેક્ટીવગિરીનો શોખ પણ પૂરો થતો હતો કેમકે સત્તાણુંમાંથી સત્તાવન યુવતીઓનાં ઓરીજીનલ ડાચાં ભલતાં જ નીકળતાં અને સત્તર તો છોકરા નીકળતા ! બાકી રહ્યા તેર…

- હવે સ્ટોરીમાં થયું એવું કે પેલી લાશને જોઈને ધીરીયો હજી ધડાધડ ત્રણ દાદરા ઉતરીને હોટલના ફોયરમાં પહોંચે છે ત્યાં તો સામે જ એની બૈરી ઊભેલી ! બોલો...

(વધુ સસ્પેન્સ હવે પછીના લેખમાં )

e-mail : mannu41955@gmail.com

Comments