તમે ભૂતમાં માનો છો ? તમે કદી ભૂત જોયું છે ? તમને ભૂતકથાઓ વાંચવામાં કે ઘોસ્ટ-સ્ટોરીઝની ફિલ્મોમાં ડર લાગે છે ખરો ?
કશો વાંધો નહીં, તમને ભૂતની જોક્સ સાંભળવાનું તો જરૂર ગમશે !
***
આજકાલ બધાં ભૂતો દુબળાં-પાતળાં કેમ થઈ ગયાં લાગે છે ?
- કારણ કે સરકારે લાખો ભૂતિયાં રેશન-કાર્ડ જપ્ત કરી લીધાં છે !
***
ભૂતલોકના રિયલ એસ્ટેટ માર્કેટમાં અચાનક તેજી ક્યારે આવી જાય છે ?
- જ્યારે કોઈ નવા પ્રોજેક્ટ માટે આમલીનાં ઘણાં બધાં ઝાડ કપાઈ જાય છે ત્યારે !
***
તમને જો કોઈ ભૂત રસ્તામાં મળી જાય તો તમે એને શું કહેશો ?
- ‘કેમ બોસ, આજકાલ ‘દેખાતા’ કેમ નથી ?’
***
ભૂતની મમ્મીએ નાનકડા રડતા ભૂતને શું કહ્યું ?
- મત રો બેટા મત રો.. વરના રામ ગોપાલ વર્મા આ જાયેગા !
***
ભૂતલોકમાં કેવા કેવાપ્રકારની કારો વેચાતી હોય છે ?
ત્રણ પ્રકારની (1) ભેં-કાર (2) હાહા-કાર (3) નિરાકાર !
***
આજકાલના ભૂતોનું શું ભવિષ્ય છે ?
- ભૂતોનું કોઈ ભવિષ્ય હોતું જ નથી. કેમકે ભૂતોની દુનિયામાં હંમેશા ‘ભૂતકાળ’ જ ચાલતો હોય છે !
***
ભૂતના માથામાં ગુમડું શી રીતે થયું ?
ભૂત ફૂલ-સ્પીડમાં ચાવીના કાણામાંથી બહાર નીકળતું હતું એ જ વખતે સામેથી ચાવી આવી ગઈ !
***
ભૂતો ક્યારેય ‘ભલાઈ’ કરે છે ખરા ?
- હા, ભાગતી વખતે કરે છે… કેમ કે ભાગતા ભૂતની ચોટલી ‘ભલી’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment