લગ્નોમાં લેખકોને કેમ નથી બોલાવતા ?

પૈસાદાર ફેમિલીના લગ્નોમાં આજકાલ કોઈ મોટા ફિલ્મ-સ્ટારને VIP ગેસ્ટ તરીકે બોલાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. જો ફિલ્મ-સ્ટાર મોંઘો પડે તો છેવટે ઇન્ડિયન આઈડોલના એકાદ ગાયકને પૈસા આપીને પોતાનો વટ પાડે છે. 

અહીં જ અમારા એક લેખક મિત્રને વાંકુ પડ્યું ! મને કહે, આ લોકો લેખકોને કેમ મેરેજમાં નથી બોલાવતા ?

હવે એમને શી રીતે સમજાવવું કે આમાં કેટલાં બધાં ‘ભયસ્થાનો’ છે ! સૌથી પહેલું તો એ કે પેલો ફિલ્મ-સ્ટાર તો ત્યાં જઈને ડાન્સ કરશે, પણ લેખક શું કરશે ? (ગરબા?) ઉલ્ટું, બિચારા ગભરુ કપલને અઘરા અઘરા સવાલો પૂછશે : 

‘બોલો, નવદંપતિમાં હૃસ્વ-ઈ આવે કે દીર્ધ-ઈ?....’ ‘શું પરણતાં પહેલાં તમે કમ સે કમ પાંચ ચિંતનકારોનાં લગ્ન વિશેનાં પાંચ પુસ્તકો વાંચ્યાં છે ખરાં ?’ ' સપ્તપદીને સપ્તપદી શા માટે કહેવામાં આવે છે ?' બોલો, આવું અઘરું અઘરું પૂછે તો બિચારું કપલ બઘવાઈ ના જાય ?

જુના જમાનાના એક લેખક સતત એમ કહ્યા કરતા હતા કે ‘જે ઘરમાં પાંચ પુસ્તકો ના હોય એ ઘરમાં દિકરી ના પરણાવશો !’ હવે આવા આમંત્રિત લેખકશ્રી ઘરમાં ‘સર્ચ વોરન્ટ’ લઈને ઘૂસે તો શી દશા થાય ? (પાસબુક અને ચેકબુક સિવાયની બીજી ત્રણ બુક્સ લાવવાની ક્યાંથી?)

જોકે સૌથી મોટું ટેન્શન તો લેખકની ઓળખાણ કરાવવાનું ! ‘આમને ઓળખ્યા ? પેલી રવિવારની પૂર્તિમાં અંદરના પાને ઉપરથી ત્રીજા નંબરની જે કોલમ આવે છે ને… એ !! એમનો ટપાલની ટિકીટ જેવડો ફોટ નથી છપાતો?.... એ !!’ 

આમાં વળી કોઈ જુવાનિયો છાપાનું એપ ખોલીને પેલા સ્ટેમ્પ સાઇઝના ફોટાને મોબાઇલમાં એન્લાર્જ કરીને, લેખકના મોંની બાજુમાં ધરીને, કંપેરીઝન કરતાં મોં બગાડે કે ‘બોસ, ફોટામાં તો માથામાં ઘણા વાળ છે ! આ કોઈ બીજું તો નથી આવી ગયું ને ?’… ત્યારે યજમાનની કેવી હાલત થાય ? (લેખકો તો ટેવાઈ જ ગયા છે, બોસ ! એમની ચિંતા ના કરતા.)

જોકે અમુક લેખકોના ફેસબુકમાં હજારો ફોલોઅર્સ છે. એમના ચાહકો એમની સાથે સેલ્ફીઓ પણ પડાવે છે પરંતુ એ બધું લિટરેચર ફેસ્ટિવલ કે સાહિત્યીક પ્રોગ્રામોમાં ! પણ જરા વિચારો, લગ્નમાં ‘લાઈવ ઢોકળા’નાં કાઉન્ટર પાસે લાઈનમાં ખાલી ડીશ લઈને ઊભેલા ભૂખ્યા લેખક સાથે તમે સેલ્ફી લીધી હોય તો શું લખો ? 

‘waiting for live dhokla with famous writer ફલાણા and 57 others?’

પેલા ફિલ્મ-સ્ટારો હોય તો મેરેજ ફોટોગ્રાફરો ધડાધડ ફ્લેશો ઝબકાવીને મસ્ત મસ્ત ડઝનબંધ ફોટા પાડી નાંખે. પણ લેખકની એમને શી વેલ્યું ? એટલે છેવટે બિચારા યજમાનને પંદર જણાના ગ્રુપ ફોટામાંથી લેખકના ડાચા ઉપર કુંડાળું અને તીર ચીતરીને ફેસબુકમાં લખવું પડે ‘હમોને ત્યાં પધારેલ પ્રખ્યાત મોંઘેરા મહેમાન શ્રી ફલાણા ફલાણા !’ 

અહીં જો 'પ્રખ્યાત' શબ્દની સાબિતી આપવા જાય તો નીચે આખું પાનું ભરાય એટલો લાંબો લેખકનો બાયોડેટા કોપી પેસ્ટ કરવો પડે !

હશે, લેખકનું તો સમજ્યા, પણ જરા કલ્પના કરો, કોઈ કવિને લગ્નમાં નોતર્યા હોય તો? ભૈશાબ, કલ્પના જ ધ્રુજાવી મુકે તેવી છે ! 

અહીં કવિને પુરસ્કાર મળવાની કોઈ ગેરંટી ના હોવા છતાં એ પેલા ગોર મહારાજનું માઈક છીનવીને મંગળાષ્ટકોની જગ્યાએ પોતાની સ્વરચિત કવિતાઓ ફટકારવા માંડે ! 

એ તો ઠીક પણ જો કવિ ભૂલેચૂકે પેલા બેન્ડવાજાવાળાના માઈક ઉપર દાનત બગાડે તો ? ભલભલા ભાંગડા, ડિસ્કો, રેપ અને નાગિન ડાન્સો કરનારા મેદાન છોડીને ભાગી જ છૂટે ને ?

એક લગ્નમાં એવું થયેલું કે 400 માણસોની રસોઈ સામે 1200 મહેમાનો ઉમટી પડેલા. એ વખતે કોઈએ પરફેક્ટ સજેશન આપેલું કે ‘બોસ, હાથમાં માઈક પકડાવીને એકાદ કવિને એ બાજુ છૂટ્ટો મુકી દો…’ 

તમે નહીં માનો, એ પછી તો ત્યાં બચેલા 200 માણસોની પણ ભૂખ ઊડી ગઈ હતી !

***

- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com

Comments