હાર્દિક પટેલે જે રીતે કોંગ્રેસ છોડી છે અને જે રીતે ભાજપમાં પણ ખળભળાટ મચી રહ્યો છે એ જોતાં અમુક જુની અને જાણીતી કહેવતો નવા સંજોગોમાં બંધબેસતી લાગે છે ! જુઓ…
***
હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને જતાં જતાં કહે છે :
‘કુવામાં હોય તો હવાડામાં આવે ને ?’
***
સામે જિગ્નેશ મેવાણી હાર્દિકને ટોણો મારે છે : ‘નાચવું નહીં, ને આંગણું વાંકુ !’
***
મિડીયાવાળા અને રાજકીય પંડિતો આખો ખેલ જોઈને કોંગ્રેસને કહે છે : ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં !’
***
બીજી બાજુ હાર્દિક પટેલ પોતાની જ ધૂનકીમાં છે. તે કહે છે ‘દોરડી બળે, પણ વળ ના છોડે !’
***
આ તરફ હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવા બાબતે અમુક ભાજપિયા અકળાયા છે. તેઓ કહે છે : ‘નાદાનની દોસ્તી, ને જીવનું જોખમ !’
***
બીજી બાજુ અમિત શાહ મગનું નામ મરી નથી પાડી રહ્યા. તે કહે છે ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ !’
***
કંઇક અટકળો એવી છે કે હાર્દિક પટેલ ‘આપ’માં જોડાઈ શકે ! આ બાબતે કેજરીવાલ કહે છે ‘હું તો બોઈ યે નંઈ, ને ચાઈ યે નંઈ !’
***
જોકે ભાજપના અમુક પાટિદારો ઇચ્છે છે કે હાર્દિકની હાલત આવી થાય… ‘ધોબીનો કૂતરો, ન ઘરનો, ના ઘાટનો !’
***
અમુક લોકો માને છે કે હાર્દિક હવે ફૂટેલી તોપ છે. એ લોકો કહે છે ‘રાઈના ભાવ રાતે ગયા !’
***
છતાં હાર્દિક પટેલ તો પોતાના જ તોરમાં છે ! એ જોતાં રાજકીય નિરીક્ષકો માને છે કે ‘પડ્યા પડ્યા તોય ટંગડી ઊંચી !’
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment