કેટલાક સમાચારો જ એવા હોય છે કે એમાં સળી કર્યા વિના રહી જ ના શકાય ! જુઓ…
***
સમાચાર
રાજકીય સલાહકાર પ્રશાંત કીશોર હવે પોતાની રાજકીય પાર્ટીની સ્થાપના કરશે.
સળી
મતલબ કે પ્રશાંત કીશોર હવે પોતાના પક્ષની ઇમેજ સુધારવા માટે પોતે શું કરવું જોઈએ તેની સલાહો આપતું પ્રેઝન્ટેશન પોતે પોતાને જ આપશે !
***
સમાચાર
સળંગ આઠ મેચ હાર્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ નવમી મેચ જીતી ગયું.
સળી
જરૂર ટીમવર્કમાં કંઈક મોટી ગડબડ થઈ હશે નહિતર આવી ભૂલ ના થાય !
***
સમાચાર
ગઈકાલે ‘ફ્રી જર્નાલિઝમ’ દિવસ હતો.
સળી
અમુક લોકો હવે ‘પેઈડ જર્નાલિઝમ’ દિવસ પણ ઉજવવાની માગણી કરી રહ્યા છે !
***
સમાચાર
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અચાનક આકાશમાંથી બરફના કરા વરસ્યા.
સળી
હા, પણ શું ફાયદો ? અગાઉથી ખબર હોત તો બાટલીઓની વ્યવસ્થા કરી રાખી હોત !
***
સમાચાર
બટાકામાંથી હવે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવામાં આવશે.
સળી
આ ગાયોના પૌષ્ટિક આહારનો પ્રોજેક્ટ છે કે ભૂખ્યા ગરીબો માટેનો ?
***
સમાચાર
એક ડ્રગ્સ પેડલરે 750 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોતાની બહેનના ઘરમાં ખાટલા નીચે સંતાડી રાખ્યું હતું.
સળી
લો બોલો, આટલા રૂપિયા તો સલમાન, શાહરૂખ અને આમિર પોતાની ફિલ્મો વડે આખા દેશમાંથી કમાઈ શકતા નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment