હવે જો એમ લખીએ કે "ગયા બુધવારથી ચાલુ"... તો એ પણ ખોટું કહેવાય કેમકે ધીરીયો ઉર્ફે ધીરજલાલ વસંતલાલ ટેલર ઉંમર વર્ષ 37, રંગે ગોરો, દેખાવે હેન્ડસમ, સ્ટેટસમાં મેરીડ, હકીકતમાં 'છેલ્લા બે મહિનાથી' ફેસબુકમાં એક નવી રૂપાળી ફ્રેન્ડ સાથે 'ચાલુ' થઈ ગયો હતો !
એમાંય, ખતરનાક વાત એમ થઈ કે ધીરીયો એની ફેસબુક ફ્રેન્ડ ‘શ્રીવલ્લી’ને ફેસ-ટુ-ફેસ મળવા માટે એક હોટલની રૂમ નંબર 106માં ગયો ત્યાં બારણું ખોલતાંની સાથે જ એને બેડ ઉપર લોહીથી લથબથ લાશ દેખાણી !
ધીરીયો ધબાધબ ત્રણ દાદરા ઉતરીને હોટલના ફોયરમાં આવ્યો ત્યાં તો એને એની કર્કશ વત્તા કદરૂપી બૈરી સામે જ ભિટકાણી !
‘તું… તું… તું… અહીં ક્યાંથી ?’ ધીરીયાની જીભ ત-ત ફ-ફ કરતી તાળવે ચોંટી ગઈ હતી.
‘હું તો અહીં નીચે હોલમાં સાડીઓનું સેલ છે એમાં સાડી લેવા આવેલી. પણ તમે અહીં શું લેવા -’
‘શું લેવા તે-’ ધીરીયો ભરાઈ પડ્યો. અહીં એમ થોડું કહેવાય કે ફેસબુકવાળી કોઈ બહેનપણીને મળવા આવ્યો છું ? એટલે એણે બાફ્યું :
‘એટલે… એ-એ એ જ સેલમાં હું મારા હાથરૂમાલ અને મોજાં લેવા આવ્યો છું !’
‘હાથરૂમાલ અને મોજાં ?’ બૈરી તતડી ઊઠી. ‘કેમ, ઘરે છે તો ખરાં !’
સામે ધીરીયો પણ ખખડી ઊઠ્યો. ‘તે સાડીઓ પણ ઘરે છે જ ને ? છતાં તું લેવા આવી કે નહીં ?’
હજી એની બૈરી સામી દલીલો કરે અને જવાબમાં ધીરીયો ગલ્લાં-તલ્લાં કરે એની પહેલાં એની આંખો ચાર થઈ ગઈ ! ચાર નહીં, આઠ થઈ ગઈ ! આઠ નહીં, બાર થઈ ગઈ એમ કહો તોય ચાલે કેમકે બૈરીની પાછળથી જે બાઈ એની સામું જોઈને સ્માઈલ આપી રહી હતી એ જ પેલી ફેસબુકવાળી ‘શ્રીવલ્લી’ હતી !
ધીરીયાને તો હાથની હથેળીમાં અને પગનાં તળિયામાં એમ બંન્ને ઠેકાણે પરસેવો ફૂટી નીકળ્યો ! તાત્કાલિક નવા હાથરૂમાલ અને મોજાંની જરૂર પડવાની હતી ! ધીરીયાને આખી હોટલ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટની માફક ગોળગોળ ઘુમરીયો લેતી દેખાવા માંડી !
‘અરે બાપરે ! હમણાં તો હું આની લોહીલુહાણ લાશ જોઈને આવ્યો છું, ત્યાં આટલી વારમાં એ લોહી-બોઈ ધોઈને, કપડાં બદલીને, નવેસરથી મેકપ કરીને અહીં આવી જ શી રીતે શકે ? કોઈપણ સ્ત્રી માટે આટલી સ્પીડ પોસિબલ નથી ! એનું મર્ડર થયું હોય અને પછી એ ભૂતડી બની હોય તો પણ નહીં !’
ઉપર લખેલા અવળચંડા લોજિકવાળા વિચારો ધીરીયાને આવ્યા એનું એક કારણ એ હતું કે ધીરીયાને બાળપણથી પ્રાયવેટ ડિટેક્ટિવ બનવાનો શોખ હતો. એમાં અમુક મર્ડર કેસો તો ભૂતો અને ડાકણો સોલ્વ કરી આપતાં હતાં. એમાં પણ કોઈ મહિલા ભૂત આટલી ઝડપથી તૈયાર થઈ જાય એવું બન્યું નહોતું !
ઢગલાબંધ સસ્તી હિન્દી નોવેલો વાંચી વાંચીને એ એટલો એક્સપર્ટ બની ગયો હતો કે હવે તો નોવેલનાં છેલ્લાં ત્રીસ પાનાં ફાડીને ચાવી જાય એ પછી પણ તે ખૂની શોધી શકતો હતો. (એ પણ ટોઇલેટમાં ફલશ કરેલા પાણીમાં ખાંખાંખોળા કર્યા વિના !)
જોકે અહીં જે સિચ્યુએશન હતી તેમાં ‘ખૂની કોણ’ કરતાં પત્નીનો ‘આ કોણ?’ એ સવાલ વધારે હેરાન કરવાનો હતો.
પેલીએ ‘હાય !’ કર્યું.
ધીરીયાએ એવોઈડ કર્યું.
પેલીએ ફરી ‘હાય !’ કર્યું.
ધીરીયો મોં ફેરવી ગયો.
પેલી ફરેલા મોં તરફ આવીને અને ધીરીયાનો હાથ ઝાલીને તેના ખભે ધબ્બો મારતી બોલી :
‘વાઉ ! તું તો ફોટામાં દેખાય છે એના કરતાં ય વધારે હેન્ડસમ લાગે છે, હોં !’
ધીરીયાને હજી સમજ પડતી નહોતી કે થોડી વાર પહેલાં મરી ગયેલી આ બાઈ જીવતી શી રીતે થઈ ગઈ ? ડિયર વાચકો, તમને પણ નથી સમજાતું ને ?
વેલ, વાત એમ હતી કે ધીરીયો ભૂલથી 106 નંબરના રૂમમાં જવાને બદલે 109 નંબરના રૂમમાં ઘૂસી ગયેલો !
હવે 109વાળું મર્ડર શી રીતે થયેલું, કોણે કરેલું, એ બધું તો હાસ્યકથામાં ના હોય ને ?
છતાં જો ક્યાંક ધીરીયો ડિટેક્ટીવ મળી જાય તો એને પૂછી જોજો…
- કે હાડકાં કેટલાં ભાગ્યા હતાં ?
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Dhiriyo orthopedic hospital ma che 3 months bed rest
ReplyDelete😄😄😄😄
ReplyDelete