જોસ બટલરનું છટક્યું ?

અમદાવાદમાં IPLની ફાઈનલ મેચ રમ્યા પછી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો એવોર્ડ લીધા પછી ઇંગ્લેન્ડનો ક્રિકેટર જોસ બટલર ઇંગ્લેન્ડમાં પોતાના ઘરે પહોંચ્યો.

ઘરમા આવતાંની સાથે જ એણે તો પત્ની અને બાળકોને ખખડાવી નાખ્યા !

‘આ બધું શું છે ? ઘરની બધી લાઈટો કેમ ચાલુ છે ? અને બધા રૂમમાં એસી શેનું ચાલુ કરી રાખ્યું છે ? પછી લાઈટ બિલ કોણે ભરવાનું છે ?’

બાળકો તો જરા ડઘાઈ ગયાં. પપ્પાને થયું છે શું ?

થોડી વારે જોસ બટલર ફ્રેશ થઈને આવ્યો એટલે બાળકો અને પત્નીએ તેને એક સરસ મઝાની ગિફ્ટ આપી.

ગિફ્ટ ખોલતાં જ જોસ બટલર બગડ્યો. ‘આટલી મોંઘી ઘડિયાળ ? ખરીદતાં પહેલાં મને પૂછવું તો જોઈએ કે નહીં ? અરે, આનાથી સારી સારી ગિફ્ટો પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળતી હોય છે !’

ફરી એકવાર બાળકો અને પત્ની ડઘાઈ ગયાં.

પછી જમવા બેઠા ત્યારે બહારથી ઓર્ડર કરેલો લાર્જ સાઈઝનો પિત્ઝા જોઈને જોસ ફરી કકળાટ કરવા લાગ્યો :

‘આટલો મોટો પિત્ઝા કોણ ખાવાનું છે ? ઘરનું ખાવાનું ખાતાં શું જોર આવે છે ? અને વધેલો પિત્ઝા ફેંકી જ દેવો પડશે ને ? પૈસા કંઈ મફતમાં આવે છે ?’

ફેમિલીને સમજાયું જ નહીં કે જોસનું વર્તન કેમ બદલાઈ ગયું છે ?

અરે, બીજા દિવસે સવારે તો હદ થઈ ગઈ ! એક વજનકાંટા વડે જોસ તેને મળેલી બધી ટ્રોફીઓનું વજન કરવા બેઠો હતો !
 
પત્નીએ પૂછ્યું તો કહે ‘આ બધા શોભાના ગાંઠીયાને શું કરવાના ? જોઉં છું, કબાડીમાં કેટલા પૈસા આવશે…’

પત્ની તો બહાવરી બની ગઈ ! બહાર જઈને પાડોશીઓને ભેગા કર્યા. ‘હાય હાય ! જુઓને, જોસને શું થઈ ગયું છે ?’

પાડોશીઓમાં એક ગુજરાતી હતો. તેણે બધું સાંભળીને કહ્યું ‘ભાભી, જરાય ચિંતા ના કરો. બે ચાર દિવસમાં બધું મટી જશે.’

‘પણ એને થયું છે શું ?’

‘ખાસ કંઈ નહીં, આ તો અમદાવાદનું પાણી પીધું છે ને, એટલે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments