એક શમિતા શેટ્ટી હતી. શિલ્પા શેટ્ટીની બહેન.
‘મુહબ્બતેં’ ફિલ્મમાં એ એક તૃતિયાંશ હિરોઈન (ત્રણમાંથી એક) બનીને આવી એમાં તો એને ‘આઈફા’નો બેસ્ટ નવોદિતનો એવોર્ડ પણ મળી ગયો ! મળે જ ને ? બહેન કોની ?
બહેનને ‘કેશ’માં થોડી ‘ક્રેડિટ’ મળી હશે. એ પછી જે પોતાના નામની ક્રેડિટ માટે વલખાં મારવાં પડે એમાં ‘બિગ બોસ’ અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા શો કર્યા, જ્યાં આમેય નવરાધૂપ થઈ ચૂકેલી અને છૂટકના ભાવે મળતી સેલિબ્રિટીઓને લેવામાં આવતી હોય છે.
બીજી એક હતી એશા દેઉલ. હેમામાલિનીની દિકરી.
એને પણ ‘કોઈ મેરે દિલ સે પૂછો’ માટે બેસ્ટ નવોદિતનો એવોર્ડ કોઈ પ્રેક્ષકોના દિલને પૂછ્યા વિના મળી જ ગયો. મળે જ ને ? દિકરી કોની ?
‘ધૂમ’માં તો ધૂમ મચાવીને નાચવાનું જ હતું. ‘યુવા’માં મણિરત્નમ દિગ્દર્શક હતા એટલે થોડી એક્ટિંગ જેવું દેખાયું. છતાં આ કસાયેલા શરીરવાળી છોકરી આમ તો લેડી જેમ્સ બોન્ડ જેવા રોલને લાયક હતી. (હાવભાવ પણ એવા કડક જ હતા) તોય 25 ફિલ્મોમાં આવી ગઈ. બોલો.
એશા દેઉલનો દૂરનો ભાઈ એટલે બોબી દેઉલ. એ તો હેન્ડસમ અને બોડીવાળો પણ ખરો.
પરંતુ ખબર નહીં કેમ, શરૂશરૂમાં એ બાઘા જેવો જ દેખાતો. મોટાભાઈ (સની દેઉલ) ધડાધડ ફિલ્મો કરે અને આ ભાઈ આરામ ! એમ કરતાં કરતાં 40થી વધારે ફિલ્મોમાં આવી ગયો. ટકી પણ ગયો. (આમાં કેવું છે, કે ટકી તો ભારત ભૂષણ અને વિશ્વજીત પણ ગયા હતા. એટલે કંઈ સારા એકટર ના કહેવાય.)
અને હા, પહેલી જ ફિલ્મ ‘બરસાત’ માટે પણ બેસ્ટ નવોદિતનો એવોર્ડ અગાઉથી બુક થયેલો જ હતો !
હજી એક છે ઇમરાન ખાન. ક્રિકેટર નહીં, એક્ટર.
મોં ઉપર હંમેશાં ‘ગૌણ સેવાની ભરતી માટેના ફોર્મ ક્યાંથી મળશે?’ એવો સવાલ પૂછતી વખતે જે હાવભાવ હોય તેવો એનો પરમેનેન્ટ ફેસ હતો. વચમાં ક્યાંક સ્માઈલ પણ કરી લેતો હતો.
એને પણ ‘જાને તૂ, યા જાને ના’ માટે બેસ્ટ નવોદિતનો એવોર્ડ મળેલો ! ના કેમ મળે ? અહીં તો એના કાકા આમિર ખાન, બીજા કાકા ડિરેક્ટર મનસુર ખાન અને દાદા પ્રોડ્યુસર નાસીર હુસૈન ! પછી કોઈની હિંમત છે કે એની એક્ટિંગ વિશે સવાલો કરે ?
2015માં એ ‘કટ્ટી-બટ્ટી’ કરીને ગાયબ થઈ ગયો પણ હમણાં સોશિયલ મીડિયામાં ટૂંકા ધોળા વાળ અને મોટા કપાળ સાથે પ્રગટ થયો ! સાવધાન !
એક ઝાયેદ ખાન હતો. સંજય ખાનનો દિકરો. એને નવોદિતનો એવોર્ડ ના મળ્યો.
બિચારો સતત કહેતો રહ્યો કે ‘મૈં હૂં ના !’ પણ એને એકાદ ફિલ્મ બાદ કરતાં ક્યારેય મેઇન રોલ ના મળ્યો. આપણે બચી ગયા.
જોકે ફિરોઝ ખાનનો દિકરો ફરદીન ખાન ઠીક ઠીક ટક્યો. એને પણ નવોદિતનો એવોર્ડ નહોતો મળ્યો. સરવાળે 20-22 ફિલ્મો કરીને હવે એ જાડીયો થઈ ગયો છે. ભલું પૂછવું, રિશી કપૂરની ખાલી પડેલી જગ્યાએ ગોઠવાઈ પણ જાય !
જોકે સૌથી ખતરનાક અને ડરામણી એન્ટ્રી હતી ગુલશન કુમારના ભાઈ ક્રિશન કુમારની !
એક તો પોતે જ પ્રોડ્યુસર, પોતે જ મ્યુઝિક કંપનીનો માલિક અને પોતાની જ ડિસ્ટ્રીબ્યુશન કંપની… એણે ધાર્યું હોત તો પ્રેક્ષકોના ગાભા કાઢી નાંખ્યા હોત !
‘બેવફા સનમ’ ફિલ્મ ચાલી પણ ખરી,( અચ્છા સિલા દિયા તૂ ને મેરે પ્યાર કા..એ ગાયનવાળી ફિલ્મ) પરંતુ આપણા નસીબે એની આજુબાજુ સાચાબોલા સલાહકારો હશે એટલે T Seriesના ધંધામાં ધ્યાન આપ્યું અને એક્ટિંગનું ભૂત બીજા ભૂવાઓને વળગાડી દીધું. જોકે એના દિકરાની પત્ની દિવ્યા ખોસલા કુમાર ચહેરા ઉપર રંગોના લપેડા કરીને ગાયનોના વિડીયો આલ્બમોમાં આવીને સસરાજીની અતૃપ્ત ઇચ્છા પૂરી કરી રહી છે.
આવી જ એક ખતરનાક બલા ટળી, જેનું નામ છે આથિયા શેટ્ટી !
પપ્પા સુનીલ શેટ્ટી હોય એટલે બેસ્ટ નવોદિતનો એવોર્ડ તો વારસામાં જ મળે ને ! જોકે વારસામાં પપ્પાના જેવા મર્દાના લુક્સવાળો ચહેરો પણ હતો જેને મેકપ વડે, કેમેરાના ખાસ એંગલ વડે, સોફ્ટ ફિલ્ટર લેન્સ વડે ખુબસુરત બતાવવો જ પડે એવું હતું.
અહીં પણ પ્રેક્ષકો બચી ગયા કેમકે ત્રણ જ ફિલ્મો પછી એ હવે કરોડપતિ ક્રિકેટર કે. એલ. રાહુલને પરણી જવાની છે. પણ હા, બિચારો નવાઝુદ્દીન સિદ્દકી એની સાથે એક્ટિંગ કરવાના ત્રાસથી ના બચી શક્યો જેની એ ‘મોતીચૂર ચકનાચૂર’માં હિરોઈન બની હતી ! ભોગ સિદ્દકીના, આપણે શું હેં ?
એમ તો આ લંગારનું લિસ્ટ લાંબુ છે. વાસુ ભગનાની દિકરો, જાવેદ જાફરીનો દિકરો, ચંકી પાન્ડેની દિકરી… પણ વાચકોના ત્રાસનો ય વિચાર કરવાનો કે નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Amara tras no vichar karva badal aabhar mannubhai
ReplyDelete😄😄🙏🙏
ReplyDeleteHovve. કેટલું બધું તમે વાંચકો માટે વિચારો છો! બહુ ભલા માણસ છો...આભાર.
ReplyDelete