ફૂટી ગયેલું રાજકીય પેપર !

લો બોલો, કહે છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણીઓ કરાવવા માટે ધમાધમી ચાલુ થઈ ગઈ છે ! જરા વિચારો, આમાં પણ ટિકીટો આપવા માટે ઉમેદવારોની એક્ઝામ લેવામાં આવે તો એનું ‘ફૂટેલું’ પેપર કેવું હોય ?

*** 

સવાલ (1)
ધારાસભ્ય બનવા માટે મિનિમમ કેટલું ભણતર જરૂરી છે ? (તમારી પોતાની જ પાર્ટીનાં જીવતાં જાગતાં ઉદાહરણો આપીને સમજાવો.

*** 

સવાલ (2)
તમે જે કંઈ ભણ્યા છો એમાંનું તમને અત્યારે કેટલું કામમાં આવે છે ? નીચે આપેલા કૌંસમાં આપેલી ખાલી જગ્યામાં આખો જવાબ લખો.

(….)

*** 

સવાલ (3)
તફાવત સમજાવો : ‘પેપરમાં પાસ થવું’… અને ‘પેપર્સ પાસ કરાવવાં’… આ બેમાં શો ફેર છે ? (સ્વ-અનુભવના ઉદાહરણો આપીને સમજાવો.)

*** 

સવાલ (4)
વિચાર વિસ્તાર કરો :
‘બહુ ભણે તે હિસાબે ગણે અને ઓછું ભણે તે નોટો ગણે.’

*** 

સવાલ (5)
પરીક્ષામાં પાસ થવાની નીચે દર્શાવેલી રીતોમાંથી કઈ રીત શ્રેષ્ઠ છે ?
(1) સુપરવાઈઝરને ચપ્પું બતાડવું.
(2) આગળની બેન્ચવાળાને ચપ્પું બતાડવું.
(3) પેપર ફોડવું.
(4) માર્કશીટ ટાઈપ કરનાર ટાઇપિસ્ટને ફોડવો.
(5) ડાયરેક્ટ નકલી ડીગ્રી જ ખરીદી લેવી.

*** 

સવાલ (6)
રાજ્યમાં શાળા-કોલેજોની સંખ્યામાં સતત વધારવાથી શું વધશે ?
(1) ટ્રસ્ટીઓનો નફો (2) નેતાઓનું કમિશન (3) શિક્ષિત બેરોજગારોની સંખ્યા (4) નવરા બેસીને મોબાઈલ મચડનારા યુવાનો.

***

-મન્નુ શેખચલ્લી

Comments