ન્યુઝ ઉપર નુક્તેચિની !

નુક્તેચિની એટલે ટીકા, ટિપ્પણી, કોમેન્ટ અથવા પંડિતાઈનું મિની-પ્રદર્શન ! ટુંકમાં કહીએ તો પંચાત ! … જુઓ…

*** 

ન્યુઝ
પંજાબમાં એક મિનિસ્ટર બે ટકાનું કમિશન માગતા ઝડપાયા. એમને મંત્રીમંડળમાંથી કાઢી મુક્યા.
નુક્તેચિની
સીધી વાત છે બોસ ! જ્યાં આખા દેશમાં 20 થી 40 ટકાનો ભાવ ચાલી રહ્યો છે ત્યાં આવા બે ટકા વડે ભાવ બગાડનારને શી રીતે સાંખી લેવાય ?

*** 

ન્યુઝ
પાકિસ્તાનમાં ઇમરાનખાનની ‘લોંગ માર્ચ’ ડખામાં અટવાઈ જવાનો સંભવ છે.
નુક્તેચિની
જનાબ ઇમરાન ખાન ! યાર, એપ્રિલ ગયો, મે ચાલી રહ્યો છે ત્યાં તમે ‘માર્ચ’ લઈને બેઠા છો ? વર્તમાનમાં આવો, બોસ !

*** 

ન્યુઝ
WHO કહે છે કે દુનિયામાં માત્ર 70 દિવસ ચાલે એટલો જ ઘઉંનો જથ્થો બચ્યો છે.
નુક્તેચિની
કંઈક તો અક્કલવાળી વાત કરો સાહેબ ? 
ઈકોતેરમા દિવસે તમે WHOની ઓફિસમાં બેસીને લંચમાં શું ચોખાની બ્રેડ ખાતા હશો ?

*** 

ન્યુઝ
કંગના રાણાવતની ‘ધાકડ’ ફિલ્મ સાવ ફ્લોપ થઈ ગઈ છે.
નુક્તેચિની
આમાં કંગનાને કોઈ અસર નહીં થાય. મહેનત તો બિચારી એ ડુપ્લીકેટ છોકરીની એળે ગઈ જેણે આટલી બધી મારામારીના સ્ટંટ-સીનો ભજવી બતાડ્યા !

*** 
ન્યુઝ
પપ્પાએ આઈ-ફોન ના અપાવતાં એક છોકરીએ ટેબલ-ફેનમાં આંગળા ખોસી દીધાં.
નુક્તેચિની
સારું સારું, હવે પપ્પા આઈ-ફોન અપાવે ત્યારે એના સ્ક્રીન-લોકમાં તારી ફીંગર પ્રિન્ટ ના રાખતી !

***

- મન્નુ શેખચલ્લી

Comments