ઉનાળાની નવી રાહત યોજનાઓ !

જે રીતે દુકાળ પડે ત્યારે સરકાર દુષ્કાળ રાહત કાર્યો શરૂ કરાવે છે એ જ રીતે આ ભયંકર ગરમીમાં સરકારે અમુક નવી જાતની ‘ઉનાળુ-રાહત-યોજનાઓ’ શરૂ કરવા જેવી છે ! જેમકે…

*** 

નિઃશુલ્ક ‘સીટ-પોતાં’ સેવા
ખુલ્લામાં મુકેલાં ટુ-વ્હીલરોની સીટ ઘણીવાર ઢોંસો બનાવી શકાય એટલી ગરમ થઈ જતી હોય છે. પરંતુ બિચારા નોકરીએ જનારા અથવા ધંધાદારીઓની 'બેઠક' તો ઢોંસાનું ખીરુ નથી ને ?
અમારું સૂચન છે કે શોપિંગ કોમ્પલેક્સો, રેલ્વે સ્ટેશનો, બસ-ડેપો વગેરેની બહાર જ્યાં પાર્કિંગ એરિયા છે ત્યાં સરકાર દ્વારા નિઃશુલ્ક ‘સીટ પોતાં’ સેવા શરૂ કરવામાં આવે, જેથી નાગરિકોની અંગત 'બેઠક' શેકાઈ જતાં બચી શકે.

*** 

બરફગોળા વિતરણ યોજના
જે રીતે સેવાભાવી સજ્જનો ઠેર ઠેર પાણીની પરબો બંધાવે છે એ જ રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં ‘બરફગોળા પરબો’ ઊભી કરવી જોઈએ ! જ્યાં વયસ્ક નાગરિકોને રોજના બે બરફગોળા અને બાળકોને રોજના ચાર બરફગોળા મફત મળવા જોઈએ !
(જો નેતાઓ પોતાના હાથે બાળકોને બરફગોળા ખવડાવી રહ્યા છે એવા ફોટા પડાવશે તો આવનારી ચૂંટણીમાં વધારે વોટ મેળવવાની ગેરંટી છે !)

*** 

એર-કુલ્ડ છાંયડા કેન્દ્રો
સરકારે વિકાસ કરવા માટે વૃક્ષો તો કાપી જ નાંખ્યા છે તેથી છાંયડો હવે ભાડેથી પણ મળવો મુશ્કેલ છે. અમારું સુચન છે કે દર બે કિલોમીટરના અંતરે રોડની બાજુમાં છાંયડા કેન્દ્રો બનાવવા જોઈએ. જ્યાં લોકો મસાલો ખાઈ શકે, સિગારેટ પી શકે અને થાક ખાઈ શકે. અહીં એર-કુલરો પણ રાખવામાં આવે. જેથી નવરી પબ્લિક માટે જે પાન-સિગારેટના ખુમચા આવી પહોંચે તેના હપ્તા પણ પોલીસ ઉઘરાવી શકે ! શું કહો છો !

***

- મન્નુ શેખચલ્લી

Comments