ગયા અઠવાડિયે જ્યારે માથે મરાયેલા સ્ટાર સંતાનોનો લેખ કર્યો ત્યારે અનેક વાચકોએ ફરિયાદ કરેલી કે મન્નુભાઈ, મહાનાયક અમિતાભ બચ્ચનના સુપુત્રને કેમ ભૂલી ગયા ? તો લ્યો, શરૂઆત અભિષેકથી જ કરીએ…
છેક 2000થી બાપાની લાગવગથી ‘શરણાર્થી’ (રેફ્યુજી) બનીને ઘૂસી ગયેલો આ પુત્ર ખરેખર ટેલેન્ટેડ છે કે નહીં તેની શંકા થયા કરે છે કેમકે જ્યારે મણિરત્નમ કે રોહિત શેટ્ટી એની પાસે કામ લે છે ત્યારે તે ખિલી ઊઠે છે પણ બીજી માયાઓને એ રીતસર ઘોળીને પી જાય છે ! છતાં એમ કરતાં કરતાં આ ભાઈએ આપણા લમણે ટીંચાવાનો સ્કોર પુરી 54 ફિલ્મો સુધી પહોંચાડ્યો છે !
જોકે એના કરતાંય અઘરી નોટ હોય તો તે જિતેન્દ્રનો દિકરો, જે એકતા કપૂરના ભાઈ તરીકે વધારે જાણીતો છે, તે તુષાર કપુર ! આ બાબાએ અંક જ્યોતિષના કહેવાથી બબ્બે વાર પોતાના નામના સ્પેલિંગમાં ફેરફાર કરાવ્યો, પણ ચહેરાના હાવભાવમાં હજી કોઈ ફેરફાર આવતો નથી.
રામગોપાલ વર્માએ એને બિલકુલ પરફેક્ટ રોલ આપ્યો હતો… ‘ગાયબ’ ! યાને કે ભાઈ તારે પરદા ઉપર દેખાવાનું જ નહીં ! બડી મહેરબાની હોગી ! પણ એમ એ કંઈ ગાંઠે ? એ ‘પ્રગટ’ થતો જ રહ્યો ! છેવટે રોહિત શેટ્ટીએ સોલ્યુશન કાઢ્યું કે ભઈ તારે ખાલી ‘એ-ઓ… આ-ઓ’ એવા આડાઅવળા ઉચ્ચારો જ કરવાના ! એમાં તું શું કહેવા માગે છે એના માટે તારી સાથે એક ‘દુભાષિયો’ રાખીશું !
આમાં ને આમાં એ બાબો પોતાને મહાન કોમેડિયન માનવા લાગ્યો હોય તો નવાઈ નહીં ! છતાં આપણે લમણે ટીંચાવાનો ટોટલ સ્કોર કેટલો છે ? 33 ફિલ્મો ! બોલો.
આવી જ બીજી એક અઘરી નોટ છે ઉદય ચોપરા ! જાડા હોઠ, ઝીણી આંખ, નાનું કપાળ, વિચિત્ર નાક અને મસલ્સવાળું બોડી હોય એટલે કંઈ હીરો બની જવાનું ? (એ માટે તો સુનીલ શેટ્ટી જેવી લમણે ઝીંકાવવાની તાકાત જોઈએ.) છતાં એનો ભાઈ યશરાજ ફિલ્મ્સનો કર્તા હર્તા છે એટલે ભાઈ ઘર-ઘર રમવા આવી જ ગયા !
‘ધૂમ’માં સાઈડ રોલ કર્યો ત્યાં સુધી તો સમજ્યા પણ પછી તો પ્રિયંકા ચોપરા સાથે ‘પ્યાર ઇમ્પોસિબલ’માં રોમેન્ટિક હીરો તરીકે આવી પહોંચ્યો ! જોકે એને કહે કોણ કે ‘ભઈ તારી એક્ટિંગ ઇમ્પોસિબલ છે !’ ટોટલ સ્કોર 10 ફિલ્મો (કેટલો દયાળુ છે પ્રેક્ષકો ઉપર !) છતાં હજી ‘ધૂમ’ના આવનારા પાર્ટમાં તો આવવાનો જ ! (દયા ખાઓ પ્રેક્ષકોની!)
જોકે ઉતાવળમાં આપણે મિલેનિયમ વરસોમાં આવી ગયા, તો જરા પાછળ જઈશું ?
ડિમ્પલ કાપડિયાની બહેન બિચારી નામે ‘સિમ્પલ’ અને દેખાવે પણ સિમ્પલ ! છતાં જ્યારે ઘરવાળી ખુદ સાળીને લોન્ચ કરવાની ફરમાઈશ કરે ત્યારે બિચારો રાજેશ ખન્નાય શું કરી શકે ? છેવટે બિચારા ધૂરંધર દિગ્દર્શક શક્તિ સામંતે પણ ડિમ્પલજીનો ‘અનુરોધ’ માનવો જ પડે ને ?
ખેર, રાજેશ ખન્નાની સાળી એક જ ફિલ્મમાં સમજી ગઈ કે આપણું કામ નહીં, પણ એમની દિકરીઓ કંઈ સહેલાઈથી માને ? એટલે ટ્વિંકલ ખન્ના ભલે રૂપાળી, છતાં એકાદ ડઝન ફિલ્મોમાં ટાઈમપાસ કર્યા પછી એ અક્ષયકુમારને પરણી ત્યારે આપણે છૂટ્યા. પણ ઊભા રહો, ટ્વિંકલની બહેન એક ‘રિંકલ ખન્ના’ પણ હતી !
ભલે હાઈટ ઓછી હોય, ચહેરો જરા ત્રાંસો હોય, અવાજ બોદો હોય અને અભિનયને નામે માસી ઉપર ગઈ હોય છતાં જ્યાં મમ્મી અને મોટી બહેનનો વટ હોય ત્યાં અડધો ડઝન જેટલી ફિલ્મોમાં તો આવી જ શકે ને ? એમાંય વળી ‘પ્યાર મેં કભી કભી’ માટેતો એને ‘શ્રેષ્ઠ નવોદિત’ કલાકારના બબ્બે એવોર્ડ મળી ગયા હતા ! બોલો.
જોવાની વાત એ છે કે લગભગ દરેક સ્ટાર બાબલા બેબલીઓને આવા એવોર્ડ મળી જ જાય છે ! કોના દોરી સંચાર વડે ? જોકે કરુણ વાત એ છે કે એમના મા-બાપો આઠ-દસ ફિલ્મોમાં રૂપિયા નાંખ્યા પછી જ બચોળિયાંને સમજાવી શકે છે કે ‘બેટા, રહેવા દે, તને આમાં નહીં ફાવે !’ ( પ્રેક્ષકોને શું લાગ્યું એ તો પૂછવા જ કોણ આવે છે ?)
જોકે મિથુન ચક્રવર્તીએ બાબતમાં જરા ખડૂસ બાપા નીકળ્યા. એમના વિશાળકાય પુત્ર મિમોહની પહેલી ફિલ્મ ફ્લોપ જતાંની સાથે જ એને ઊટીની પ્રોપર્ટીઓ સાચવવા બેસાડી દીધો ! છતાં ફિલ્મી બાબલા -બેબલીની મોટી લંગાર હજી બાકી છે… એમનો આવતા સોમવારે વારો !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment