ક્યારેક ક્યારેક અમારું દિમાગ કામ કરવા લાગે છે ત્યારે અમને અઘરા અઘરા સવાલો થવા લાગે છે ! જેમકે…
***
‘એન્ટી કરપ્શન બ્યુરો’માં જ કોઈ ‘કરપ્શન’ કરતું હોય તો એને પકડવા માટે કયું ‘બ્યુરો’ છે ?
***
સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર અમુક લોકો હાથમાં 20 હજારનો મોબાઈલ લઈને, 80 હજારની બાઈક ઉપર, 3 રૂપિયે કિલો ઘઉં લેવા આવે છે ! એમને BPL કાર્ડ ક્યાંથી મળી જાય છે ?
***
દુનિયામાં ઘઉંની અછત યુક્રેન યુધ્ધના કારણે થઈ છે, રાઈટ ? સવાલ એ છે કે જો યુક્રેનમાં મોટાં મોટાં શસ્ત્રો અંદર મોકલી શકાય છે તો એ જ રસ્તેથી ઘઉં કેમ બહાર નથી લાવી શકતા ?
***
જે માનવતાવાદી ભલા દેશો યુક્રેનને લડવા માટે શસ્ત્રોની મદદ કરે છે એ જ દેશો શ્રીલંકાને પૈસાની મદદ કેમ નથી કરી રહ્યા ?
***
જ્યાં નસબંધી કરાવવા માટે પુરુષને 2000 રૂપિયા મળે છે, પણ સગર્ભા મહિલાને 5000 રૂપિયાની સહાય મળે છે ત્યાં દેશની વસ્તી શી રીતે ઘટવાની હતી ? બોલો.
***
જો છેલ્લા 70 વરસથી ખેડૂતોની હાલત સુધારવા માટે અબજો ખર્વો રૂપિયાની સહાય કરવામાં આવી છે તો ભૈશાબ, ખેડૂતોની હાલત હજી સુધરતી કેમ નથી ?
***
શું આખા વરસમાં એકાદ ફિલ્મને જ ટેક્સ-ફ્રી કરી શકાય છે ? બીજી કોઈ ચીજો તો ટેક્સ-ફ્રી કરો ?
દાખલા તરીકે… સ્કુલના યુનિફોર્મ, દાંતનાં ચોકઠાં, બ્લડ પ્રેશરની દવા, અરે, કમ સે કમ ઉનાળામાં આઈસ્ક્રીમ તો ટેક્સ-ફ્રી કરો ?
… જોયું ? બહુ અઘરા સવાલો છે ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment