બોસ, આ જે ભયંકર ગરમી પડે છે ને, એમાં ભલભલા લોકો ફિલોસોફીના રવાડે ચડી જાય છે ! જુઓ, અમારા આત્મચિંતનમાંથી પણ કેવી કેવી ચિંતન કણિકાઓ બહાર આવી રહી છે…
***
માનો યા ન માનો…
જેણે ગયા જનમમાં પૂણ્યનાં કામો કર્યા હશે એને જ આ જનમમાં એરકન્ડીશન્ડ ઓફિસમાં પટાવાળાની નોકરી મળે છે !
***
અને…
જેના ગયા જનમનાં પૂણ્યો થોડાં ઓછાં પડ્યાં હશે એ બિચારો આ જનમમાં બરફગોળાની લારી ચલાવી ખાય છે !
***
માનો યા ન માનો…
જેણે આગલા જન્મમાં ‘પાછલી’ ઉંમરે બહુ પાપ કર્યાં હશે…
… એના સ્કુટરને આ જનમમાં કદી ‘છાંયડામાં’ પાર્કિંગની જગા નહીં મળે !
***
કર્મનો સિધ્ધાંત છે…
ફ્રીજમાં પાણીના બાટલા ભરીને પાછા ના મુકનાર છોકરાને મોટા થયા પછી એક જ સજા મળે છે…
… મોટો થઈને એ ડ્રીંક લેવા બેસે ત્યારે એને સોડા કદી ‘ઠંડી’ નહીં મળે ! લખી રાખજો.
***
બગડેલા એસીવાળી કેબિનમાંથી બહાર આવી રહેલો બૉસ…
અને ભરબપોરે તડકામાંથી ઘરમાં પાછી આવી રહેલી પત્ની…
આ બંને જોડે કદી માથાકૂટ કરવી નહીં !
***
આવા ઉનાળામાં ‘પોતાના પરસેવા’ની કમાણી માત્ર બે જ જણા ખાય છે…
એક, બેકરીની ભઠ્ઠીમાં પાઉંનો લોટ બાંધનાર કારીગર…
અને બીજો, બપોરના સમયે ચાર રસ્તા ઉપર ટ્રાફીકની ડ્યૂટી બજાવતો પોલીસવાળો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment