ફેંકાઈ ગયેલા એ સ્ટાર સંતાનોની યાદમાં !

‘નિપોટિઝમ’ કંઈ આજકાલનું નથી. જે લોકો આજે 60 વરસની આસપાસના છે એમને ખબર છે એ જમાનામાં પણ સ્ટાર્સના ‘નિપોટિયાં’ રૂપેરી પરદે ટપકી પડીને આપણે લમણે ટીચાયાં કરતાં હતાં. 

એમાંથી કેટલાક ચાલી ગયા, પણ જે બિચારા ફેંકાઈ ગયાં એમની ‘મધુરી’ નહીં પણ ‘કડવી’ યાદો માટે આ લેખ લખ્યો છે !

આ નિપોટિયાંઓમાંથી જેને શ્રેષ્ઠ નમૂનો કહી શકાય તે દેવઆનંદનું બચોળિયું છે. ‘આનંદ ઔર આનંદ’ નામની ફિલ્મમાં એ બિચારું શું બોલતું હતું, શું કરતું હતું એ એની જરૂર જ શું હતી ? એવા સવાલો એ ફિલ્મ જોઈને નીકળનારાઓને થતા હતા. તો એ છે કે ભૂલાઈ ગયેલું એ ભૂલકું શું નામ વડે ફિલ્મોમાં આવેલું તે જાણવા માટે પણ ગૂગલ સર્ચ કરવું પડે છે ! લો, આ રહ્યું એનું નામ… સુનીલ આનંદ ! બોલો, યાદ હતું તમને ?

આના કરતાં ય વધારે ટ્રેજિક કહાણી જેની છે તે બિચારો દારાસિંઘનો દિકરો વિન્દુ ! એ જમાનામાં ઘરડા થઈ રહેલા તમામ સ્ટારો પોતાના સુપુત્રો અથવા કુપુત્રોને લોન્ચ કરવામાં પડ્યા હતા, જેમ કે સુનીલ દત્તનો સંજય દત્ત, રાજેન્દ્રકુમારનો કુમાર ગૌરવ વગેરે. આ બહતી ગંગામાં બિચારા દારાસિંઘે પોતાની તમામ ઘરમૂડી વિન્દુ ઉપર લગાડી દીધી. ફિલ્મનું નામ શું હતું ! ચાલો, ગૂગલ કરીએ…. લો, આ મળ્યું.. ‘કરન !’ બોલો, યાદ હતું ? 

પણ હા, એ જરૂર યાદ હશે કે ભાઈસાહેબ IPLની મેચો ફિક્સ કરવામાં ઝડપાયેલા અને બહુ બદનામ થયેલા.

હવે યાદ જ કરવા બેઠા છીએ તો સુનીલ દત્તના પેલા સગા ભાઈને પણ યાદ કરી લો. ભાઈશ્રીનું નામ હતું સોમ દત્ત. એની ગાડી ફિલ્મોના પાટે ચડી જશે એમ માનીને મોટા ભાઈએ મોટા ઉપાડે ‘મન કા મીત’ નામની ફિલ્મ બનાવી. પણ એમાંથી ચાલી ગયો એનો વિલન ! નામે વિનોદ ખન્ના ! 

હવે વિનોદભાઈના દિકરાઓ પણ નંગ નીકળ્યાં ને ? મોટો અક્ષય હજી પરદા ઉપર જામે ત્યાં તો માથા ઉપર ટાલ જામવા માંડી ! અને નાનો રાહુલ તો જાણે અહીં બે ઘડી ફરવા જ આવ્યો હોય એમ બે ચાર ‘ઇન્ટરનેશનલ’ ફિલ્મો તથા વીસ પચ્ચીસ હાઈ-ફાઈ એડ ફિલ્મોમાં જ પ્રગટ થયો.

બાપના નામે ચરી ખાવામાં પણ ટેલેન્ટની જરૂર પડે છે. ટેલેન્ટ નહીં તો છેવટે શિસ્ત અને સમયપાલન તો જોઈએ જ ! આનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે મહાન શો-મેન રાજકપૂરના દિકરાઓ. રિશી કપૂરને લોન્ચ કર્યા પછી રાજ સાહેબે ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી સુંદર ફિલ્મમાં તેના દિકરા રાજીવ કપૂરને વાજતે ગાજતે લોન્ચ પણ કર્યો કદાચ રાજીવનો જીવ જ ફિલ્મોમાં નહોતો ! એ વળી શું એક જ સંવાદના પંદર પંદર ટેક આપ્યા કરવાના ? એમ વિચારીને કદાચ રાજીવ ઘરભેગો થઈ ગયો હશે. જ્યારે રિશી કપૂર પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરીને વિદાય થયા.

એવો જ એક અન્ય ‘મહાન’ સુપુત્ર હતો મનોજ કુમારનો છ ફૂટિયો કુણાલ ગોસ્વામી ! બાપાએ એને ‘કલાકાર’ ફિલ્મમાં કલાકારનો જ રોલ કરવા માટે ગોઠવ્યો પણ બાબલાને અભિનય નામની કલા (અથવા બલા) શું હોય એમાં ટપ્પી જ પડી નહીં. આ તો આપણાં નસીબ સારાં કે એ વારંવાર આપણા માથે ટીચાવા માટે આવ્યો નહીં.

આ બાજુ મનોજકુમાર પાસે છ ફૂટનું ડિફેક્ટીવ મોડલ હતું તો બીજી તરફ શશી કપૂર પાસે બે મોડલ હતાં. એક કરન કપૂર, તે માત્ર શો-કેસમાં જ ચાલે એવું હતું. (વિદેશી પત્ની જેનિફર કોન્ડાલનાં વેસ્ટર્ન ફિચર્સ હતાં પણ એક્ટિંગના નામે મીંડું હતું) કરણ કપૂરે પોતે પણ ફિલ્મોમાં રસ ન લીધો એટલે પ્રેક્ષકો બચી ગયા. 

પણ માંડ પાંચ ફૂટનું બીજું મોડલ નામે કુણાલ કપૂર ‘આહિસ્તા આહિસ્તા’ આપણા માથે ઝીંકાવાના પ્લાનિંગમાં હતું. અહીં પણ પ્રેક્ષકોનાં નસીબ સારાં કે ભાઈ વિદેશી કોલાબરેશનની પ્રોડક્શન કંપની બનાવીને બિઝી થઈ ગયા.

એ જમાનાની હિરોઈનોમાં આશા, વહીદા, મીના, વૈજયંતિ, સાધના વગેરે કાં તો પરણી જ નહીં અથવા મોડે મોડે મિસિસો બની. એટલે એમના બાબલા-બેબલીથી આપણે બચી શક્યા. જોકે માલાસિંહાની ચુલબુલી દિકરી પ્રતિભા સિંહા ખરેખર પ્રતિભાશાળી હતી, પરંતુ મમ્મીને આ ઇન્ડસ્ટ્રીના દાવપેચ રમતાં આવડ્યા નહીં એમાં પ્રતિભાની પ્રતિભા વપરાયા વિનાની રહી ગઈ. 

બાકી શર્મિલા ટાગોરની દિકરી, જેનું નાક પોપટની ચાંચ જેવું છે, હાઈટ માંડ સવા પાંચ ફૂટની છે અને ટેલેન્ટના નામે મીંડું છે છતાં 2004થી આજ સુધીમાં તેની સત્યાવીસ ફિલ્મોમાં આપણે માથે મરાઈ ચૂકી છે ને ! હજી તો એ સોહા અલી બહેન વેબસિરિઝોમાં આવીને આપણા ઘરમાં ઘૂસીને આપણને મારશે ! બચતા રહેજો !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. ખબર છે સૌથી વધારે સફળ સ્ટાર કીડ કોણ? ઓફ કોર્સ રાજ કપૂર, જો કે એને સ્ટાર સન હોવાનો કોઈ જ ફાયદો મળ્યો નહોતો. એ પાયામાંથી ઊભો થયેલો. પૃથ્વીરાજે એની કેરિયર કેદાર શર્માંના ચોથા આસિસ્ટન્ટ રૂપે શરુ કરાયેલી. એના પછીના કુમાર ગૌરવ જેવાની જેમ લોન્ચ પણ નહોતો કર્યો.

    ReplyDelete
  2. સાચી વાત છે.

    ReplyDelete
  3. I think this post is unfinished without the mention of son of Mahanayak.

    ReplyDelete
  4. આવનારા લેખમાં એનો વારો આવ્યો જ સમજો !

    ReplyDelete

Post a Comment