ઉનાળામાં 'પકાઉ' સવાલ - જવાબ !

આજકાલ ગરમી જ એટલી ખતરનાક પડી રહી છે કે ભલભલાનાં દિમાગો ‘પાકી’ જાય છે ! આવા વખતે આપણને ‘પકાઉ’ સવાલો થાય છે ! જેના જવાબો તો ઓર ભી ‘પકાઉ’ હોય છે ! જુઓ…

*** 

સવાલ : આ ઉનાળામાં એવું શા માટે લાગે છે કે જ્યાં જુઓ ત્યાં ‘કરોડપતિ’ની સિઝન ચાલી રહી છે ?
જવાબ : કારણ કે ટુ-વ્હીલરની દરેક સીટ ‘હોટ-સીટ’ બની ગઈ છે !

*** 

સવાલ : ઉનાળામાં બરફગોળાઓ કેમ બહુ ‘ઇમોશનલ’ બની જતા હોય છે ?
જવાબ : કેમકે બિચારા બહુ જલ્દીથી ‘પીગળી’ જાય છે !

*** 

સવાલ : અને આ બધા એસી બનાવનારા ક્યારથી ‘ભાગલાવાદી’ બની ગયા ?
જવાબ : જ્યારથી એમણે ‘સ્પ્લીટ’ એસી બનાવવા માંડ્યા !

*** 

સવાલ : ઉનાળામાં ‘ચંદ્રમુખી’ની વેલ્યુ કેમ ઘટી જાય છે ?
જવાબ : ‘પારો’ બહુ ઊંચે ચડી જાય છે !

*** 

સવાલ : ફ્રીજની બહાર રહી ગયેલી ચોકલેટો કેમ ‘સેક્સી’ કહેવાય છે ?
જવાબ : કેમકે બહાર રહેવાથી તે ‘હોટ-ચોકલેટ’ બની જાય છે !

*** 

સવાલ : કાશ્મીરમાં ‘દાલ-સરોવર’નું નામ ક્યારે બદલાઈ જાય છે ?
જવાબ : જ્યારે તડકો પડે છે ત્યારે ! તે વખતે એ ‘દાલ-તડકા’ બની જાય છે.

*** 

સવાલ : અમદાવાદની છોકરીઓ ઉનાળામાં પોતાની ‘પહેચાન’ કેમ ગુમાવી બેસે છે ?
જવાબ : કારણ કે બધી છોકરીઓ પોતાના ચહેરા દુપટ્ટા વડે ઢાંકી દે છે !

*** 

સવાલ : હવામાન ખાતું અને મોબાઈલ એ બન્નેમાંથી વધારે ‘ભણેલું’ કોણ છે ?
જવાબ : મોબાઈલ જ વધારે ભણેલા છે કેમકે એમાં હંમેશાં વધારે ‘ડીગ્રીઓ’ બતાડે છે !

*** 

સવાલ : ઉનાળા વેકેશનમાં ‘પિયરમાં’ બેઠાં બેઠાં પતિ ઉપર સતત પ્રેશર રાખવાની ટેકનિકને શું કહેવાય છે ?
જવાબ : ‘પિયર-પ્રેશર’ !

***

- મન્નુ શેખચલ્લી

Comments