બાટલો હજારને ટચ !

પેટ્રોલ અને ડિઝલ વચ્ચેની જે સેન્ચુરી મારવાની રેસ હતી એમાં અચાનક ગેસના બાટલાએ સામટી દસ સેન્ચુરી મારી દીધી છે !
જોકે વાત મજાકની નથી સિરિયસ છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની આ કરુણ (અછાંદસ) ગઝલ છે…

*** 

મોંઘવારીના જમાનાનું
આ સો ટકા છે સચ…
ઘરેલુ ગેસનો બાટલો
એક હજારને ટચ !

*** 

શું પેટ્રોલ, શું ડિઝલ,
અરે, લીંબુ પણ પાછળ
બજારભાવની મેરેથોનમાં
બાટલો ગોલ્ડ વિનર !

બોલો ગૃહિણીઓ તમે
થેન્ક્યુ વેરી વેરી મચ !
ઘરેલુ ગેસનો બાટલો
એક હજારને ટચ !

*** 

જાવ બિયરને શરણે
કરો વ્હિસ્કીને સરન્ડર
પણ ભલભલાનો નશો ઉતારે
આ ગેસનો સિલિન્ડર !

હોશમાં આવતાં પહેલાં
તું બચી શકે તો બચ !
ઘરેલુ ગેસનો બાટલો
એક હજારને ટચ !

*** 

ઘાટ કરતાં ઘડામણ મોંઘું
રસોઈ કરતાં ઇંધણ મોંઘું
શાક કરતા વઘાર મોંઘો
ચા કરતાં કિટલી ગરમ !

છેતરી ગયો છે ચા વાળો
ભલે સપનામાં તું રાચ !
ઘરેલુ ગેસનો બાટલો
એક હજારને ટચ !

*** 

પગાર વધે નહીં
લોન ઘટે નહીં
ત્રણ સાંધો ત્યાં તેર તૂટે
બજેટ હાલક ડોલક

ચારે બાજુ ઉછળે મોજાં
તારી હોડી વચ્ચે વચ !
ઘરેલુ ગેસનો બાટલો
એક હજારને ટચ !

***

- મન્નુ શેખચલ્લી

Comments