સાઉથની હિન્દી ડબિંગ ફિલ્મોના સત્તર નિયમો !

તમે ટીવીમાં આવતી સાઉથની ફિલ્મો જુઓ છે કે નહીં ? એ બધી ફિલ્મોના નિયમો સાવ અલગ જ હોય છે ! જુઓ…

*** 

(1) ફિલ્મનું નામ કોઈ હિન્દી ફિલ્મને મળતું આવે એવું હોવું જોઈએ. જેમ કે ‘એક ઔર ખિલાડી’ ‘નયા બાજીગર’ ‘દૂસરા જેન્ટલમેન’ ‘ધ રિયલ ડોન ટુ રિટર્ન્સ’ વગેરે.

(2) ફિલ્મનો હિરો ગમે એટલો ભણેલો અને હાઈ-ફાઈ હોય, છતાં મિનિમમ ચાર સીનમાં તો એણે સફેદ લૂંગી પહેરવી જ પડશે.

(3) હિરોઈને પણ મિનિમમ બે ગાયનમાં બે ચોટલા વાળીને માથામાં મોટી મોટી વેણીઓ ખોસીને દેશી ડાન્સ કરવો પડશે.

(4) ગાયનોમાં દેશી ટાઈપની ડોશીઓએ પણ ડાન્સ કરવા માટે આવવું પડશે.

(5) ડાન્સ કરવા માટે ફોરેન જવાનું જરૂરી નથી. અહીં ઝુંપડપટ્ટીમાં, શાક મારકેટમાં, લીલાંછમ ખેતરોમાં, નાળિયેરીની આગળ પાછળ તથા ટ્રકો, હોડીઓ, કન્ટેનરો, ઘડા, માટલાં, ઘાસના ઢગલા વગેરેની સામે પણ નાચવાનું રહેશે.

(6) દરેકે દરેક પાત્રની સંવાદ બોલવાની સ્પીડ એક મિનિટના 150 શબ્દોની રહેશે. એનાથી ધીમી સ્પીડે બોલનારે હિન્દી ફિલ્મોમાં ટ્રાય કરવી. સોરી.

(7) ફિલ્મના વિલને એની આસપાસ મિનિમમ બે ડઝન ચમચાઓને લુંગી પહેરાવીને સાથે રાખવાના રહેશે.

(8) એ ચમચાઓને દાઢી કરવા માટે બ્લેડ, અસ્ત્રા કે શેવર આપવામાં આવશે નહીં. વળી એના જે પૈસા બચે એમાંથી દરેકે દરેક ટપોરીએ માથામાં નાંખવાનું કોપરેલ ખરીદવાનું રહેશે. (ટકોમુંડો હોય તો પણ કોપરેલથી ચકચકીત રાખવાના છે.)

(9) વિલન જ્યારે કોઈ 45 વરસની મહિલા જેવા મામુલી પાત્રને ‘તારી સાસુનું શાક દાઝે !’ એટલી નાની અમથી ધમકી આપવા જવાનો હોય તો પણ એણે પોતાની સાથે બે ડઝન વાહનો લઈને ધૂળ ઉડાડતા જવાનું છે !

(10) વાહનો માટેનો આ નિયમ તો દરેક ફિલ્મમાં લાગુ પડશે કે મિનિસ્ટર હોય, પોલીસ ઓફિસર હોય કે કોલેજનો રાઉડી સ્ટુડન્ટ હોય… એ લોકો જ્યાં જાય ત્યાં મિનિમમ છ ફોર-વ્હીલર વાહનોની સાથે જ (ધૂળ ઉડાડતાં) જશે !

(11) ફિલ્મમાં વાહનોની સ્પીડ ઘડીકમાં 6 કિલોમીટરની તો ઘડીકમાં 160 કિલોમીટરની થતી રહેશે ! (આવાં વાહનોમાં ખાસ બે જાતના એકસ્ટ્રા ગિયરો નાંખેલા હોય છે.)

(12) છતાં આ બધાં વાહનો એટલાં લાઈટ વેઈટ રાખવાં પડશે કે હીરો મશીનગન વડે ગોળી ચલાવે તો પણ હવામાં ગુલાંટો મારવા માટે ઊડશે !

(13) ફિલ્મનો હીરો બે ડઝન ગુન્ડાઓને એકલા હાથે મારશે તો ખરો જ, પણ નિયમ એવો છે કે પેલા બે ડઝનમાંથી દર વખતે બે ત્રણ જણા જ આગળ મારામારી કરવા આવશે. બાકીના ગુન્ડા ખાલીખાલી હવામાં મચ્છર મારવાના હોય એ રીતે દાંતરડાં, ચાકુ, તલવારો અને લોખંડની પાઈપો ઘુમાવ્યા કરશે.

(14) દરેક ગુન્ડાએ હિરોનો માર ખાતી વખતે ઘડીકમાં સ્લો મોશનમાં અને ઘડીકમાં ડબલ ફાસ્ટ મોશનમાં હવામાં ફંગોળાવાનું રહેશે.

(15) હિરોનું બાઈક ગુરુત્વાકર્ષણના તમામ નિયમોનો ભંગ કરીને હવામાં ઊડી શકશે, પલટી મારી શકશે, ભોંય ઉપર લસરપટ્ટી ખાઈ શકશે તથા એની મેળે વાંકુચૂંકું જઈને ગુન્ડાઓને મારી પણ શકશે.

(16) બીજી બાજુ ગુન્ડાઓએ ફેંકેલા છરા તથા વિલને ચલાવેલી ગોળીએ એન્ડ મોમેન્ટ પર સ્લો મોશનમાં આવી જવાનું છે જેથી હિરો આરામથી પીઠ તરફ વળીને નિશાન ચૂકવી શકે.

(17) અને છેલ્લું, ગુંડાઓનાં બે જુથોએ સામસામે ફાઈટ ટુ ફીનીશ મારામારી કરવાની હોય ત્યારે ડફોળો ચાકુ, છરા, ધારિયાં, પાઈપો, હોકીઓ બધું લઈને આવશે પણ કોઈને એટલી અક્કલ નહીં ચાલે કે ભઈ, એક બે પિસ્તોલો લઈને જઈએ !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments