અમારો મહેસાણાવાળો બકો હવે તો પોતાની જાતને મોટો ફિલ્મ ક્રિટીક માનતો થઈ ગયો છે ! જુઓને, આ વખતે એણે K.G.F. ચેપ્ટર-ટુ વિશે અગડમ બગડમ લખી નાંખ્યું છે…
***
મન્નુભઈ, મેં તો આ પિચ્ચરનો પહેલો ભાગ જોયેલો જ નંઈ, એટલે આપડોંને તો ઇમ કે KG એટલે બાલમંદિર, અને F એટલે નિશાળમોં એ,બી,શી,ડી,એફ ઇમ અલગ અલગ ક્લાસ હોય ઇમ આ વળી બાલમંદિરનો ‘ફ’ ક્લાસ હશે !
ઉપરથી પિચ્ચરના નોંમમોં ચેપ્ટર-બે ઇમ વોંચ્યું તો આપડોંને ઇમ કે નોંનાં નોંનાં બાળકો માટેની ભણવાની ચોપડીનું આ બીજા નંબરનું પ્રકરણ હશે !
પણ હાહરું પિચ્ચરમોં ચ્યોંય નિંહાળ જ નથી બતાડી ! ઉપરથી નેનોં નેંનોં છોકરોં તો પેલા દાઢીવારા ગુન્ડાની આજુબાજુ જ ફરતા ફર છ ! મેં કીધું અલ્યા તમીં આ નેનોં છોકરોંને ગુંડાગિરીના પાઠ ભણાવવા હારું બીજું પ્રકરણ બણાયું છો ? છોકરોં મોટોં થઈને મોટી દૈત મશીનગનો વડે પોલીશની જીપોને ઉડાડી મારવાનું શીખવાનાં છ ?
મન્નુભઈ, આપડોંને તો પહેલા પકરણમોં શું થઈ જૈલું એની કોંઈ ખબર નંઈ, ને હાહરો પેલો તૈણ દા’ડાની વધેલી દાઢીવારો કોઈ જાડી બૈરીને આખી વારતા હરખી એક લાઈનમોં કહેતો જ નહીં ! ઘડીકમોં પોંચમું પોંનું વોંચે તે ઘડીકમોં પંદરમું વોંચે ! અલ્યા, બાલમંદિરનું કયું છોકરું તારી વારતા હમજવાનું છ ?
બાલમંદિરનોં છોકરોંનું છોડો, મન્નુભઈ, ભલભલા ગ્રેજ્યુએટો ય ગોથોં ખાઈ જાય એવી અવળચંડી રીતે એ વારતા હંભળાવે છે ! બાકી વારતામાં શકોરું જેટલો ય ભલીવાર નહીં.
મું તો એક લીટીમોં એટલું જ હમજ્યો કે પેલો રોકી નોંમનો દાઢીવારો જ્યોં ને ત્યોં લઢવાડ જ કરતો ફર છ ! ઇની પોતાની ગલફ્રેન્ડ જોડેય મુંઢું ચડાઈને જ વાત કર છ ! આખા પિકચરમોં ઢીશૂમ ઢીશૂમ કરીને ખાણમોંથી સોનું ખોદાવતો ખોદાવતો એક મોટા વહાણમોં બધુંય સોનું ભરીને છેલ્લે દરિયામોં જાય છે, અને વહાણ ડૂબાડી મારે છે !
અલ્યા, તારી જોડે આટલું બધું સોનું હતું તો હાહરીના, તારી બૈરીને બે ચાર સોનાના સેટ તો કરઇ આવવા ’તા? ચલ, બૈરીને નંઈ તો તારે પોતે તો ઘરેણોં પેરવોં ’તો ? તારા કરતોં તો અમારો બપ્પી લાહિરી હારો, કે ભઈ, કોઈ ખૂન-ખરાબા કર્યા વના, જે કમાયો ઇનોં ઘરેણોં કરીને તો પેર્યોં ? આ હાહરીનાએ તો હરખી બે વીંટીયો ય ના કરાઈ.
બીજોં ય ઘણોં લોચા છ, પિચ્ચરમોં. વચમોં એક ફેરી બતાડ છ કે ખાણના મજુરો જ્યોં ઝૂંપડપટ્ટીમોં રે’તા ’તા ત્યોં અગાડી આ દાઢીવારાએ સરસ મજાનું આખું શહેર બણાઈ દીધું છ. મેં કીધું, બકા, હારી વાત છ, પણ અલ્યા તારા મજુરોને હરખો પગાર ચમ ના આલ્યો ? બચાડા આખા પિક્ચરમોં લઘર વઘર કપડોં પેરીને શેના ફરતા ફર છ ?
આવડી મોટી કોલોની બણાઈ તો અલ્યા, છોકરોં માટે બે ચાર ઇસ્કુલો ચમ ના બણાઈ ? હાહરોં નેંનોં નેંનોં છોકરોં તો મેલી ચડ્ડીઓ અને ફાટેલોં શર્ટ પે’રીને તારા મહેલમોં જ રખડતોં ફરે છે ! મન્નુભઈ, કેજી નિશાળના બીજા પકરણનું આવડું મોટું પિકચર બણાયું તો એકાદ વાર એ કેજીની નિશાળ તો બતાડવી જોઈયે કે નંઈ ?
મૂળ શું, એ દાઢીવારાને પૈશા ચ્યોં વાપરવા ઇની અક્કલ જ નહીં. ઇંની હવેલીમોં લાઈટ જતી રઈ, પંખો બંધ થઈ જ્યો, ઇંમો તો ઇની બૈરીને પંખો નોંખવા હારુ હેલિકોપ્ટર મંગાયું ! અલ્યા, પેટ્રોલના ભાવ જોયા છ ? ઇના કરતોં ચાર છોકરોંને હાથમાં છાપાં પકડાઈને પંખો નોંખવા ઊભા ના રખાય ?
છેલ્લે એક વાત કહું ? ભૈશાબ, દાઢીવારાને તો અક્કલનો ઓથમીર બતાડ્યો છ, પણ ભારતનોં મહિલા વડોંપ્રધાનેય ડાગળી ચસકેલોં હોય ? અલ્યા, દાઢીવારો ગમે એટલો મોટો ક્રિમિનલ ચમ ના હોય, ઇનોં કારીગરોની કોલોની ઉપર બોમ્બમારો કરાતો હશે ?
ભઇલા, જરીક તો યોગી આદિત્યનાથને પૂછવું ’તું ? ચાર બુલડોઝર મેંકલી આલ્યોં હોત !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment