મોંઘવારીની મોંઘી ગઝલ !

પેટ્રોલ, ડિઝલ, ગેસ… પછી બીજી ચીજોમાં પણ મોંઘવારી માઝા મુકી રહી છે. યુક્રેનમાં તો યુદ્ધ સળગ્યું છે પણ અહીં તો ભાવ સળગી રહ્યા છે.

આવી હાલતમાં કવિ નયન દેસાઇની ઓરીજીનલ ગઝલના શબ્દો પણ ફરી જાય છે…

*** 

ફૂગ વિનાનો ફૂગાવો, ને
છત છતાં યે અછત થાય
આમ જુઓ તો કારણ નૈં
ને આમ ભાવમાં ભડકો થાય !

*** 

શાક વિનાની સુક્કીભાજી
સરકારી જારનો રોટલો થાય
ચૂલા સળગ્યા મોંઘવારીના
ગેસનો બાટલો નાચતો જાય !

*** 

ડિઝલ દઝાડે, પેટ્રોલ બાળે
ભાગો.. ભાગો.. ભાગો... થાય
અગનગોળાનો આ મેહૂલિયો
જોતજોતામાં ખાંગો થાય !

*** 

આંખ ખુલે ને છાપું જાણે
પેટમાં પાડે એવી ફાળ
દુનિયા આખી વેચાવાનો
રોજ ઊઠીને સોદો થાય !

*** 

દોસ્ત અહીં તો વિરોધ પક્ષનું
પ્રેસ-નોટમાં વાજબી માપ
આટલું સરઘસ, આટલા નારા
પાડો તો ઓહોહોહો થાય !

*** 

સોળ સજી શણગાર ટીવીમાં
સાસ-બહુના છણકા થાય
મહિના છેડે હિસાબ ગણતાં
ખિસ્સાંઓનો કડદો થાય !

*** 

આઈપીએલની હાર-જીત પર
લાખ-કરોડનો સટ્ટો થાય
‘ડ્રીમ’-ઇલેવન રમતાં રમતાં
સપનામાં સોંઘવારી થાય !

*** 

ઉનાળાનો પારો છટકે
માણસ ઘાંઘો ઘાંઘો થાય
પિકચર અભી બાકી હૈ દોસ્ત
એમ જ થોડો ‘ધી એન્ડ’ થાય ?

***

- મન્નુ શેખચલ્લી

Comments