‘જુઓ બોસ, જોશ ક્રિકેટ એકેડમીનું આ સર્ટિ ! મારે નવ્વાણું ટકા આયા છે, ને હું રેન્કર છું !’
શિખર ડી. ઉર્ફે શિખર દંતાણી મોબાઇલમાં પોતાનું ‘રેઝ્યુમિ’ દેખાડી રહ્યો હતો.
આ કંઈ નોકરીનો ઇન્ટરવ્યુ નહોતો. આ તો IPPPL ટુર્નામેન્ટમાં છેલ્લી ઘડીએ પાડાની પોળના એક પ્લેયરને વધારે પડતી વાસી પાણીપુરી ખાવાથી ઝાડા થઈ ગયેલા એટલે શિખર ડી. એ રિપ્લેસમેન્ટનો ચાન્સ લીધો હતો. (બાય ધ વે, IPPPL એટલે ‘ઇન્ટર-પોળ પપ્પુ પકોડી લીગ’. જેમાં ઢાળની પોળના નાકે ઊભા રહેતા ‘પપ્પુ પકોડી’ નામની લારીવાળા પોપટલાલે ચેમ્પિયન ટીમને ઇનામ રૂપે આખા વરસમાં જેટલી પાણીપુરી ખાવી હોય તેટલી ખાવા મળશે એવી ઓફર કરી હતી.)
‘શિખરડી?’ પાડાની પોળના કેપ્ટને મોબાઈલમાં જોઈને મોં બગાડ્યું ‘આવું કેવું નામ ?’
‘શિખર ધવનનો ફેન છું ને, એટલે ! બસ માથે ટકલું નથી કરાયું. એટલું જ બાકી –’શિખર દંતાણીએ માથું ખંજવાળતો દંતમંજનની એડ જેવું સ્ટુપિડ સ્માઈલ આપ્યું.
‘ઠીક છે, ચલ. એકસ્ટ્રા ખેલાડી તરીકે તને પંદરમા નંબરે રાખું છું. જા ફિલ્ડીંગમાં ગોઠવાઈ જા.’
‘કઇ પોઝિશન પર ? મિડ-ઓન પર કે વાઈડીશ મિડ-વિકેટ પર ?’
‘એ નવ્વાણું ટકાવાળી વાઈડી !’ કેપ્ટન બગડ્યો. ‘આ કંઈ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પેલક્ષનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ નથી ! લલવા, જઈને પેલા લીમડાના ઝાડ અને લાઈટના થાંભલાની વચ્ચે ઊભો રહે.’
શિખરડીનો આખો મૂડ મરી ગયો. સાલી, નવ્વાણુ ટકાની કોઈ વેલ્યુ જ નહીં ? રેન્કર છું રેન્કર ! ઓવર પૂરી થઈ કે તરત એ કેપ્ટન પાસે પહોંચી ગયો. ‘સર, એક એડવાઈઝ આપું ?'
કેપ્ટને તડકામાં સુકાવા મુકેલા પાપડ જેવું મોં બગાડીને ક્હ્યું, 'બોલ.'
' બોસ, અત્યારે હવા નોર્થ વેસ્ટથી સાઉથ ઇસ્ટ તરફ સાત કિલોમીટરની સ્પીડે ચાલી રહી છે. પિચમાં મોઇશ્ચર ઓછું અને રફ સ્પોટ વધારે છે. જો કોઈ લેફ્ટ આર્મ મિડિયમ પેસરને ઓવર ધ વિકેટ બોલિંગ કરતી વખતે ફૂલર લેન્થનો ઓફ કટર બોલ ફિંગર્સ રોલ કરીને નાંખવા કહેશો તો સેકન્ડ સ્લીપમાં ચોક્કસ થિક-એજ વડે લો-હાઈટનો કેચ મળશે. જોકે થર્ડ મેન બાઉન્ડ્રી વેકન્ટ રાખશો તો જ બેટ્સમેન આ શોટ રમવા માટે લલચાશે.’
કેપ્ટને બરફના ગોળા જેવી ઠંડી નજરે તેની તરફ જોયું. ‘ટણપા ! આ ટેનિસ બોલની મેચ છે !’
‘તો શું થયું ? તમે ટ્રાય તો કરો ?’ શિખરડીએ ઉત્સાહ સાથે ગોખેલું જ્ઞાન પ્રદર્શિત કરતાં કીધે રાખ્યું :
‘1983ની વર્લ્ડ કપની ચોથી મેચમાં મોહિન્દર અમરનાથે એક્ઝેક્ટલી આ બોલ નાંખીને જોએલ ગાર્નરની વિકેટ લીધી હતી. એક્ઝામમાં આ જ જવાબ આપીને મેં નવ્વાણુંમો માર્ક સિક્યોર કરેલો !’
કેપ્ટને જવાબ ન આપ્યો. માર્કસ પણ ના આપ્યા.
જોકે બીજા જ બોલે લગભગ એવી જ રીતે વિકેટ પડી !
‘યસ્સ્સ !’ શિખરડીએ હાર્દિક પંડ્યાની જેમ જાણે પોતે જ વિકેટ લીધી હોય એમ મુઠ્ઠીઓ ખેંચીને આજુબાજુ જોયું કે કોઈ વિડીયો ઉતારે છે ખરું ?
જો કોઈએ ઉતાર્યો હોત તો શિખરડીના ‘રિઝ્યુમિ’માં એક ઉમેરો થઈ જાત ! ખેર, એ લીમડાના ઝાડ અને લાઇટના થાંભલાની વચ્ચે જરા વાઇડિશ પોઝિશનમાં થોડો સ્કવેરિશ રહીને ફિલ્ડીંગ કરતો ઊભો હતો ત્યાં જ એને બાકીના દસ ફિલ્ડરોની ચીસ સંભળાઈ :
‘કેચ ઇઇઇટ !’
શિખરડીએ જોયું કે બોલ હવામાં ઉછળી રહ્યો હતો. તેણે તરત જ મોબાઇલ કાઢીને ગણત્રી માંડવાની શરૂ કરી... જો બોલની સ્પીડ 95 KM હોય, હવાની ગતિ સાડા છ KM હોય, શોટ 110 KMની સ્પીડે 76 ડિગ્રીના એંગલે નીકળ્યો હોય, હવામાં તે 86 મીટરની હાઈટ ઉપર જઈને પેરેબોલિક વળાંક લઈને નીચેની તરફ આવતાં દર સેકન્ડે 1 KMની વધારે સ્પીડ પકડતો હોય તો પોતાની પોઝિશનથી તેણે માત્ર 18 ડગલાં દોડવાની જરૂર હતી ! કેચ એના હાથમાં જ હશે !
એક જ મિનિટમાં આ ગણત્રી કરતાંની સાથે તે દોડ્યો… બરોબર પરફેક્ટ કેચિંગ પોઝિશનમાં ગોઠવાયો… ત્યાં તો એને એક લાફો પડ્યો !
‘ટોપા ! કેચ તો બીજા ફિલ્ડરે ક્યારનો પકડી લીધો ! હવે અહીં ઊભો રહીને પોઝ શેનો આપે છે ?’
શિખરડીને હજી નથી સમજાતું કે ‘ઓનલાઇન ક્રિકેટ’ શીખવામાં ભૂલ ક્યાં થઈ ?
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment