ગુજરાતીમાં કહેવત છે ‘દાઝ્યા ઉપર ડામ’ – આજકાલના ધોમધખતા ઉનાળામાં એવી અનેક સિચ્યુએશનોમાં તમે પણ ભરાયા હશો ! યાદ કરો…
***
એક તો, બાથરૂમમાં નહાવા જાઓ ત્યારે નળમાંથી ફળફળતી ચા જેવું ગરમ પાણી આવતું હોય… અને ઉપરથી… આખા શરીરે સાબુ ચોળીને બેઠા હો ત્યારે જ ટાંકીનું પાણી ખલાસ થઈ જાય !
એક તો, રવિવારની બપોરે ભરપેટ જમ્યા પછી પેટ ભરીને ‘ચીલ્ડ’ ઠંડુ પાણી પીવાની ઇચ્છા હોય… અને ઉપરથી… ફ્રીજમાં એકેય બાટલો ભરેલો જ ના હોય !
અરે, એક તો… લગ્નના વરઘોડામાં પુરા દોઢ કલાક સુધી તડકામાં તપ્યા હોઈએ… અને ઉપરથી… માંડવે પહોંચીએ ત્યારે રસોઈ ઠંડી નીકળે અને શીખંડ ગરમ નીકળે ! બોલો.
એક તો માંડ ટાઇમપાસ કરીને મફતની ઠંડક મેળવવા માટે કોઇ એરકન્ડીશન્ડ શો-રૂમમાં ઘૂસ્યા હોઈએ… ત્યાં તો ઉપરથી… કોઈ ચીટકુ સેલ્સમેન પાછળ જ પડી જાય ! શું લેવાનું છે ? શું લેવાનું છે ?
અરે ભૈશાબ, તમારી સેલ્સની જોબ હોય તો તોબા ! એક તો રખડી રખડીને ઓર્ડર લીધા વિના ઓફિસે પાછા આવો… ત્યાં ઉપરથી… પેલો પટાવાળો મસ્ત એસીમાં બેઠો બેઠો ઘસઘસાટ ઊંઘતો જોવા મળે ! ગરમીમાં દિલ જ જલે ને ?
લિસ્ટ લાંબુ છે… એક તો મંદિરમાં પ્રાર્થના કરવા જઈએ કે હે ભગવાન, આ ગરમી જરાક ઓછી તો કર… ? ત્યારે મંદિરના પગથિયાં ઉઘાડે પગે ચડવા જતાં જ કથકલી નૃત્ય થઈ જાય !
એ તો ઠીક, મંદિરે પ્રાર્થના કરીને બહાર નીકળીએ ત્યારે ખબર પડે કે ચંપલ ચોરાઈ ગયાં છે !
આવું થાય ત્યારે તમને આખા દેશની સિસ્ટમ ઉપર દાઝ કેવી ચડતી હોય ? આવા વખતે તમે ટીવી ઉપર ચાલતી મોંઘવારીની ચર્ચા જોઈને દાંત ભીંસતા હો… ત્યારે જ તમારી પત્ની કહે છે… ‘ધાબે પાપડ સૂકવવા મુક્યા છે તે લેતા આવો ને !’ બોલો, તપેલી ગરમ થઇ જાય ને !
આવું જ ચાલતું રહે છે… એક તો માથામાં કરેલી ડાઈનો કલર કાચો રહી ગયો હોય… ઉપરથી, વાળમાંથી પરસેવાના રેલા ઉતરવા લાગે !
ના ના, ફ્રીજમાં એકેય બાટલામાં ઠંડુ પાણી ના હોય, એ જ વખતે તમારી સુંદર પાડોશણ આવીને આખેઆખી બરફની ટ્રે લઈને જતી રહે !
પેટ્રોલ-ડિઝલના ભાવમાં પાંચમી વખત ભડકો થાય અને ઉપરથી ગેસનો બાટલો પતી જાય ! પછી ગેસનો બાટલો લઈને ઘરે આવતાં ભરબપોરે સ્કુટરમાં પંચર પડે… અને ઉપરથી… આખા રસ્તે ક્યાંય પંચરવાળો તો શું, મોચી પણ ના દેખાય !
જેમ તેમ કરીને બાટલા સાથેનું સ્કુટર ઢસડતાં જતા હોઈએ ત્યાં ચંપલની પટ્ટી તૂટે !
ચંપલની પટ્ટી સરખી કરવા માટે ઝાડના છાંયડા નીચે ઊભા રહીને મથામણ કરતા હો ત્યાં તો ક્યાંકથી કૂતરું આવીને તમારી બીજીચંપલ લઇને ભાગી જાય !
તમે કૂતરાની પાછળ દોડો તો ભરબપોરે ગરમીથી પીગળેલા ડામરમાં તમારા પગ દાઝી જાય… ઉપરથી ડામરમાં ચોંટેલી એકાદ ખીલી તમારા પગમાં ઘૂસી જાય !
તમે દાઝેલા પગ સાથે ઉછળતાં ઉછળતાં પગની ખીલી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હો તેનો કોઈ વિડીયો ઉતારી જાય ! (હજી પત્યું નથી) એ વિડીયો વળી વાયરલ થઈ જાય ! અને…
બીજા દિવસે તમારી રૂપાળી પાડોશણ એ જ વિડીયો તમને બતાડીને હસતાં હસતાં તમારાં વખાણ કરતી જાય !
એ તો ઠીક, ઉપરથી તમારા ફ્રીજમાંથી બન્ને બરફની ટ્રે માગીને લેતી જાય…
- અને એ પછી ઘરની લાઇટ જાય !
(આવું બધું આ ઉનાળામાં તમારી સાથે ના થાય એવી શુભેચ્છાઓ ! હેપ્પી સમર !)
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Fine and realistic
ReplyDeleteThanks Rajni Bhai !
Delete😁😁
ReplyDelete🙏😊
DeleteWah. 👌
ReplyDelete