ઉનાળાની અરજન્ટ મિટિંગ !


રાજ્યભરમાં ગરમા ગરમ હીટ-વેવ ફરી વળ્યું છે ! આનો સામનો શી રીતે કરવો તે બાબતે એક સરકારી મિટિંગ યોજાઈ છે… સાંભળો !

*** 

‘જુઓ, રાજ્યમાં જે હીટ-વેવ ચાલી રહ્યું છે એના માટે આપણે શા પગલાં લેવાં…’
(વચ્ચેથી) ‘અહીં એસી આટલું ઓછું કેમ છે ? મેં પટાવાળાને ક્યારનું કીધેલું કે મિટિંગના એક કલાક પહેલાંથી એસી ચાલુ કરી દેવાનું !’
‘સર, પટાવાળો આળસુ છે.’
‘એને અહીં બોલાવો.’
‘એના કરતાં એસી ફૂલ કરી દો ને ! ટર્બો મોડ ઉપર મુકો.’
‘આમાં ટર્બો મોડ નથી. આવા નવાં એસી મંગાવવાનાં થયા છે.’
‘હવે સાંભળો, આ જે ગરમીનો પ્રકોપ છે….’
‘એ બહુ ખતરનાક છે. મારી કારનું એસી પણ કોઈ ઠંડક નથી આપી શકતું.’
‘આપણે એજન્ડા ઉપર ધ્યાન આપીશું ?’
‘શ્યોર સર. એ પહેલાં કંઈ જ્યુસ વગેરે મંગાવવું છે ? સેક્ટર સાતમાં એક જ્યુસવાળો મસ્ત ઓરેન્જ-બનાના જ્યુસ બનાવે છે !’
‘ઓરેન્જ-બનાના ? નવો નીકળ્યો છે ?’
‘સુપર્બ છે સર, ડ્રાયવરને મોકલું ?’
‘અરે, ત્યાં બાજુમાં શેરડીનો રસ પણ હાઈ-ક્લાસ મળે છે.’
‘આપણે ગણી લો ને, કેટલા જણા છીએ ?’
‘હા, પણ કોઈને બન્ને પીવું હોય તો ?’
‘એકસ્ટ્રા મંગાવો ને ?’
‘દૂરથી આવતાં આવતાં ગરમ થઈ જશે. કારમાં આઈસ-બોક્સ લઈને મોકલાવો.’
'નવાં આઈસ બોક્સ પણ ખરીદવાના થયાં છે.'
‘એકચ્યુલી નાનું પોર્ટેબલ ફ્રીજ હોવું જોઈએ, કારમાં રખાય એવું.’
‘ફિલ્મ સ્ટારોની વેનિટી વાનમાં હોય છે. એવું જ ને ?'
' એ બધું પછી પણ પહેલાં એ વિચારો કે-'
' હા, ભાઈ, કેટલા શેરડીના રસ અને કેટલા જ્યુસ ? આપણે ગણો ને કેટલા છીએ ?'
'થોડા વધારે જ મંગાવી લો ને, કોઈને બન્ને પીવા હોય તો!'
'તમારે કેટલા પીવાના છે, એમ બોલો ને ?'
(હસાહસી ચાલે છે...)
‘હલો.... આપણે ગરમીની ચર્ચા કરીશું ?’

‘સાહેબ, છોડોને, આ ગરમી તો સારી છે. એને એમ જ રહેવા દો !’

‘કેમ ?’

‘જુઓને, ગરમી આવતાંની સાથે જ કોરોના ગયો ! બપોરે વાહનો નથી નીકળતાં એટલે ટ્રાફીક સમસ્યા પણ નથી ! ગટરો નથી ઉભરાતી, ભૂવા નથી પડતા.. અને લોકો મોડે સુધી ઊંઘી નથી શકતા એટલે ચોરીઓ પણ નથી થતી !’

‘એટલે સાહેબ, તાત્કાલિક ઠરાવ કરો કે ગરમીને યથાવત રાખવા માટે સરકારે બનતા પ્રયાસો કરવા જોઈએ !’

'અને હા, જયુસ કેટલા મંગાવવામાં આવે ?....'

***

- મન્નુ શેખચલ્લી

Comments