આજકાલ લગ્નની સિઝન ફરી શરૂ થઈ ગઈ છે. એક વડીલ પોતાની દિકરી માટે સારો મૂરતિયો શોધી રહ્યા હતા. એમણે એક પરિચિતને પૂછ્યું :
‘તમારો દિકરો કેટલા વરસનો થયો ?’
‘એ 26 વરસનો છે.’
‘એને આજકાલનાં જુવાનિયાઓની જેમ મોડી રાત સુધી ઉજાગરા કરવાની ટેવ તો નથી ને ?’
‘ના રે, એ તો સવારે 6 વાગે ઊઠી જાય છે !’
‘અચ્છા ?’
‘હા, નહાતી વખતે પોતાના કપડાં પણ જાતે જ ધોઈ નાંખે છે.’
‘શું વાત કરો છો ?’
‘હાસ્તો, પોતાનાં વાસણ પણ જાતે જ માંજી નાંખે છે !’
‘ઓહોહો ! શું કામ કરે છે એ ?’
‘વર્કશોપમાં કામ કરે છે પણ મનમાં આવે તો રસોડામાં મદદ કરવા પણ પહોંચી જાય, શાક સમારી નાંખે, દાળ બનાવી નાંખે, અરે પીરસવા પણ લાગે !’
‘બહુ સારુ કહેવાય. પણ એને, આજકાલના જુવાનિયાઓની જેમ મોબાઇલમાં મોં ખોસીને ગેઇમ્સ રમ્યા કરવાની આદત તો હશે ને ?’
‘ના રે ! એની પાસે મોબાઈલ જ ક્યાં છે ?’
‘ઓહો !’
‘બલ્કે, સવાર સાંજ પ્રાર્થના કરે છે. ભજન ગાય છે.’
‘શું વાત કરો છો !’
‘હાસ્તો, અને ઉજાગરાનો સવાલ જ ક્યાં છે ? રોજ રાત્રે નવ વાગે તો સૂઈ જાય છે !’
‘અરે વાહ ! બહુ સંસ્કારી લાગે છે.’
‘પોતાના ઓરડાની સાફસૂફી તો કરે જ છે, ઘણીવાર તો બહાર આંગણાની અને બગીચાની સફાઈ પણ કરે છે !’
‘ઓહો ? છતાં… એને આમ, કંઈ વ્યસન ખરું ? પાન-મસાલા, તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ, દારૂ, બિયર… એવું કંઈક ?’
‘ના રે ! એ જ્યાં રહે છે ત્યાં આ બધું એલાઉડ જ નથી !’
‘અચ્છા ? એ ક્યાં રહે છે ?’
‘જેલમાં !’
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment