એક પાકિસ્તાની જોક !

કલ્લુમિયાંએ ઇસ્લામાબાદમાં એક અજીબ નજારો જોયો. એક મોટા મકાન ઉપર મોટું પાટિયું માર્યું હતું. ‘ઇન્સ્ટન્ટ લોકશાહી પાઈયે !’

કલ્લુમિયાં અંદર ગયા તો સામે બે દરવાજા હતા. એક ઉપર લખેલું હતું. ‘મર્દ’, બીજા ઉપર લખેલું હતું ‘જનાના’.

કલ્લુમિયાં ‘મર્દ’વાળા બારણામાં અંદર ગયા. 

ત્યાં ઉપરના માળે એક સીડી જતી હતી. સીડીના છેડે બે દરવાજા હતા. એક ઉપર લખેલું હતું. ‘પઢે લિખે’, બીજા ઉપર લખેલું હતું ‘અનપઢ’.

કલ્લુમિયાં તો સાત ચોપડી ભણેલા હતા એટલે ‘પઢે લિખે’વાળા દરવાજામાં ગયા. ત્યાં વળી ઉપર જવા માટે વધુ એક સીડી હતી.

ત્યાં સીડીના છેડે વધુ બે દરવાજા હતા. એક ઉપર લખ્યું હતું 'અમીર' અને બીજા ઉપર લખ્યું હતું 'ગરીબ'.

કલ્લુમિયાંની હાલત તો ખસ્તા જ હતી છતાં વટના માર્યા એમણે 'અમીર' વાળો દરવાજો ખોલ્યો. 

એમાંઆગળ ગયા ત્યાં હજી એક સીડી હતી ! સીડી વડે ત્રીજા માળે ચડ્યા તો ત્યાં વધુ બે દરવાજા હતા !

એક ઉપર લખ્યું હતું ‘લોકશાહી’ અને બીજા ઉપર લખેલું હતું ‘લશ્કરી રાજ’.

કલ્લુ મિયાં વટ કે સાથ ‘લોકશાહી’ પસંદ કરીને અંદર દાખલ થયા. પણ આ શું ?

અંદર ઘોર અંધારું હતું ! દરવાજો એની મેળે બંધ થઈ ગયો !
કલ્લુમિયાં હજી માંડ ‘સાડા ત્રણ’ ડગલાં આગળ વધ્યાં ત્યાં તો ફર્શ એની મેળે ખસી ગઈ ! કલ્લુમિયાં ચીસો પાડતા પાડતા છેક નીચે એક પાણી વિનાના કૂવામાં જઈને પછડાયા !

એ જેમ તેમ કરીને બહાર નીકળ્યા, તો ત્યાં એક સિપાહી ચોકી કરતો ઊભો હતો.

કલ્લુમિયાંએ પૂછ્યું ‘અગર મૈંને લશ્કરી રાજ કા દરવાજા ખોલા હોતા તો ?’

‘તો વો કમરે મેં ઉજાલા હોતા ! વહાં દો લશ્કરી જવાન ખડે હોતે !’

‘અચ્છા ? વો મુઝે આર્મી મેં નૌકરી દેતે ?

‘નહીં ! ઉન્હોંને તુમ્હેં ઉઠાકર ઇસી કુંવે મેં ફેંક દિયા હોતા ! ફર્ક ઇતના હી હૈ કિ જબ આપ પાકિસ્તાન મેં લોકશાહી ચૂનતે હો તો આપ કુંવે મેં ખુદ ગિરતે હો !’

***

- મન્નુ શેખચલ્લી

Comments