ક્રિકેટરોની ચિત્ર વિચિત્ર હેર-સ્ટાઈલો !

તમે IPLની મેચો જુઓ છો કે નહીં ? ભલે આખી ના જોતા હો તો પણ થોડી થોડી જુઓ !

કેમકે અહીં ક્રિકેટરોની ચિત્ર-વિચિત્ર હેર-સ્ટાઈલોમાં પણ ભરપૂર મનોરંજન મળી શકે છે ! જેમ કે…

*** 

એક ભાઈનું મોં આમ તો કોળા જેવું છે પણ એની ઉપર પેલા ગુલાબી કલરના બુઢ્ઢીના બાલ ચોંટાડી રાખ્યા છે !

*** 

બીજા એક ભાઈના માથે જાડું સાપોલિયું છે જેમાં થોડા ભાગમાં ગુલાબી કલરના બુઢ્ઢીના બાલ અને બાકીના ભાગમાં સૂતરની જાડી પૂણી ચોંટાડી છે !

*** 

એક ભાઈ ડગ-આઉટમાં બેસી રહે છે. એમણે માથામાં વાળ વડે સોનેરી કલરની જલેબીઓ મુકાવી રાખી છે !

*** 

એક ખેલાડીને માથે ખરેખર સારા વાળ ઊગતા હશે, પણ શી ખબર, જ્યારે જુઓ ત્યારે માથા ઉપર બુલડોઝર ફરી વળ્યું હોય એવું જ દેખાય છે !

*** 

અમુક ખેલાડીઓના લમણાં ઉપરથી હળ પસાર થયું હોય એવા ચાસ પાડેલા જોવા મળે છે !

*** 

એક ભાઈ તો માથામાં ચાસ પાડવા માટે વાળની ઝીણી ઝીણી ચોટલીઓ છેક કપાળથી લઈને બોચી સુધી વાળે છે અને પછી વધેલા વાળની નાનકડી અંબોડી પણ બનાવે છે !
શી ખબર, એ ભાઈને ક્રિકેટની પ્રેકટિસ કરવાનો ટાઈમ ક્યારે મળતો હશે ?

*** 

કોઈને જોઈને એમ લાગે કે રાત્રે એમના માથામાંથી ઉંદરડાએ વાળ કાતરી ખાધા છે ! તો કોઈના માથામાં રાતોરાત કોઈ શિંગોડા ચોંટાડી ગયું છે !

*** 

અને અમુક લોકોને માથે સરસ મધપૂડા જેવા વાળ ઉગે છે છતાં એને છોલાવીને સુગરીના માળા જેવો શેપ બનાવી નાંખે છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments