અમારો મહેસાણાવાળો બકો રિવ્યુના રવાડે ચડ્યો છે ! એ RRR જોઈ આવ્યો અને રિવ્યુ અમારા માથે મારે છે ! જોકે બકાના રિવ્યુ હોય છે ‘ઝોરદાર’ !
***
મન્નુભઈ, આખી વાતમોં મને એ હમજાતું નહીં કે પિચ્ચરનું નોંમ ‘તૈણ-R’ ચમનું પાડ્યું છ ? ઇમોં હિરો બે છે, હિરોઇન એક જ છ, ને વારતો તો અડધી યે નહીં ! તોય ઇન્ટરવલ પડે તાણે ‘ઇન્ટરવલ’ના શ્પેલિંગમોં ય તૈણ-R લખેલા છ ! બોલો.
જે અડધી વારતા છ, ઇમોંય કોંય ભલીવાર નહીં કેમકે ‘બજરંગી ભાઈજોંન’ બણાયેલું ઇમોં એક નોંની છોડીને પાકિસ્તાન પાછી મેંકલાવાની વાત હતી, ને ઓંય એક નોંનકડી છોડીને દિલ્લીથી પાછી છોડાઈને લાબ્બાની વાત છે ! બસ, આટલો જ ફરક છ, મન્નુભઈ !
ચલો ભૈ, છોડીને છોડાઈને પાછી લાબ્બાની છે, એ તો જોંણે હમજ્યા, પણ પેલા હહરીના અંગરેજો છોડીમોં એવા તે શું હીરા-મોતી ભાળી જ્યોં હશે તે ઇંને પાછી ના આલવા હાટું થઈને આખેઆખું લશ્કર લડાઈ માર્યું ? કોંક તો અક્કલવારી વાત કરો ભૈશાબ ?
પિકચરનો હીરો ય અક્કલનું અથોંણું થઈ જાય એવા સ્ટંટ કર છ. જંગલમોં એક રીંછડાને પકડવા હારું છટકુ ગોઠવ છ, ઇમોં ભૂલભૂલથી મોટો દૈત વાઘ ઇંની પાછળ દોડે છે ! છેવટે એ વાઘને શેના વડે મારી નોંખે છે ? તો ‘કે’ એક પથરો માથામોં માર્યો, ઇમો પેલો મરી જ્યો ! લો બોલો !
પાછો વાઘને ‘શ્યોરી’ કંઈને માફી મોંગે છે, કે ‘મેરે કોંમ કે લિયે તુમ્હેં મારના પડા’… પણ અલ્યા, ઇને શું કોમમોં લીધો એ તો પછી બતાડ્યું જ નંઈ !
આખા પિચ્ચરમોં વગર લેવે-દેવે નકરી એકશનો જ ભરી છ ! જમુના નદીમોં એક છોકરું પુલ ઉપરથી તૂટી પડેલા ઓઇલ ટેન્કરની આગમોં હલવઈ જાય, ઇમોં તો બચાડાને છોડવા હારું ચેવોં ચેવોં અવળચંડોં સ્ટંટ કર છ ?
પે’લ્લી વાત તો એ કે ભઇ, રેલ્વેના બ્રિજની માથે વળી બીજોં વાહનોંના પુલ હોય એવું કદી ક્યોંય ભાળ્યું છ ? અચ્છા, પેલું છોકરું પોણીમાં છ, ઇને બચાવવા હારુ પુલના એક છેડેથી એક હીરો ઘોડો લઈને વછૂટે છે, બીજો બાઈક લઈને રમરમાટી બોલાવ છ, ને ટેણિયો ડૂબવાનો જ છ, ઇંમ જોંણીને બરોબર માપોમાપ સાઇઝનું દોરડું એ ય પુલ ઉપર કોણે મેકી રાખ્યું છ ?
પછી બન્ને જણોં સરકસમોં ઝુલાના ખેલ બતાડતોં હોય ઇમ દોરડોં વડે હિંચકાઓ ખાય છ ! ને છેવટે એક જણ ભારતનો ઝંડો બતાડીને પબ્લિક કને તાળીયો પડાવે, ને બીજો પેલા ટેંણિયાને ઝાલીને સીટીઓ વગડાવે !
અલ્યા ભઈ, પોંણીમોં ઓઇલની આગ તો ઉપર ઉપર જ હોય ને ? તો નેંચેથી ડૂબકી મારીને જતોં શુ થતું તું ? માછલીઓ તમોંને ચટકા ભરવાની હતી ?
આવી ને આવી ધૂપ્પલો છેક લગી હેંડે રાખે છે ! પેલી નોંની છોકરીને અંગરેજોના મહેલોમાંથી છોડાવા હારુ થઈને ટ્રકમોં આખું પ્રોણીં-સંઘરાલય લઈને જાય છ ! પોંજરામોંથી અડધો ડઝન વાઘ છોડી મેલ્યા એ તો જોણે હમજ્યા કે ધોળિયાઓ ગભરઇ જોંય, પણ અલ્યા, મોટોં મોટોં શીંગડાવારોં હરણ શું જોઈને લાયા ’તા ? વાઘનો જમણવાર કરવા ?
છેલ્લી ફાઈટમોં તો અક્કલનાં અથાણોંની આખી બૈણી ભરી મેલી છ ! પેલા પેલા રામ ભગવાનના પચ્ચા વરસ જુના પૂતળાનું પચ્ચા વરસ જુનું તીર-કામઠું લઈ લીધું એ તો હમજ્યા, પણ અલ્યા, શરૂઆતમોં તો ત્યોં અડધો ડઝન તીર જ બતાડ્યોં, પછી બાકીનોં ચાર ડઝન તીર ચ્યોંથી નેંકરતોં તોં ? હવામોંથી ?
બીજો હીરો વળી 60 માઈલની શ્પીડે આવતી બાઈકને એક જ હાથે ઝાલીને હવામોં ગુલાંટિયોં ખવરાવે ! ને પછી એ જ બાઈકને કોથળાની જેમ ઝાલીને ગોળગોળ ફેવરે ! તે હેં ભઈ, કઈ કંપની આવી હલકી પંદર કિલો વજનની બાઈક બનાવ છ ?
બાકી અજય દેવગણને તો અમથો શોભાનોં ગોંઠીયો જેવો જ બતાયો છ. આખા પિચ્ચરમોં ઇને તૈણ જ ડાયલોગ આલ્યા છ. ‘લોડ... એઇમ… શૂટ !’ હા, ઇને એક ધંધો હારો આલ્યો છ, એ અભણ આદિવાશી એરિયોમોં બંદૂકના ‘ક્લાસ’ ચલાવ છ !
અલ્યા, પેલો હીરો તીર-કોમઠું લઈને બોમ્બ છોડે છે ઇમ આ ગોંમડીયાઓને ગિલોલમોં બોમ્બ છોડતેં શીખવાડ્યું હોત તો ?
બાકી મન્નુભઈ, આખું પિચ્ચર પતે પછી આપડોંને ખબર પડે કે તૈણ-આર ખિશ્શામોંથી પડી ગ્યા… R = રૂપિયા R = રૂપિયા R = રૂપિયા !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment