IPLની મેચોમાં જે રીતે સાવ ઈઝી લાગતા કેચો છૂટી રહ્યા છે અને બેટ્સમેનો જે રીતે સાવ ડફોળની જેમ આઉટ થઈ રહ્યા છે એ જોતાં લાગે છે કે હવે કોચિંગની આકી મેથડ બદલાઈ ગઈ છે !
***
ફિલ્ડરોનું કોચિંગ
‘અલ્યા ફરી કેચ પકડી લીધો ? ડફોળો, કેચ છોડતાં શીખો… સાવ નાના હતા ત્યારથી અત્યાર સુધી બસ, કેચો પકડતાં જ શીખ્યાં છો ? હવે કેચો છોડતાં ક્યારે શીખશો ?
અને કેચ છૂટી જાય પછી એક્સ્પ્રેશનો આપતાં પણ શીખો ! આંગળીમાં વાગ્યું છે, સ્નાયુ ખેંચાયો છે એવો દેખાડો તો કરવો પડશે ને ?’
***
બેટ્સમેનોનું કોચિંગ
‘અલ્યા ફરી સ્ટ્રેટ ડ્રાઈવ મારી ? ડોબાઓ, આઉટ થતાં ક્યારે શીખશો ? બહાર જતા બોલને સ્ટંપમાં ખેંચવાની પ્રેક્ટિસ કરો… ફિલ્ડર જ્યાં ઊભો હોય, બરોબર ત્યાં જ કેચ જાય એનું ધ્યાન રાખો…
અને હા, રન-આઉટની પ્રેક્ટીસ તો સાવ જ છોડી દીધી છે ? ‘યસ-નો, યસ-નો’ કરીને રન-આઉટ થતાં અને કરાવતાં શીખો ! એક જ ઓવરમાં ત્રણ ત્રણ વિકેટો ફેંકી દેવાની હોય ત્યારે કંઈ વેરાયટી તો બતાડવી પડશે ને ?
અને એક્સ્પ્રેશનોનું શું ? આઉટ થયા પછી બેટ પછાડવાની પ્રેક્ટિસ કરો, મોં બગાડવાની પ્રેક્ટિસ કરો.. અને એય ડોબા ! આમ હસવાનું નહીં ! મેદાનમાં ચારે બાજુ બે ડઝન કેમેરા હોય છે ! ઝડપાઈ જઈશ તો આખી કેરિયર પતી જશે ! સમજ્યો ?’
***
બોલિંગ પ્રેક્ટિસ
‘ટાઇટ બોલિંગની પ્રેક્ટિસ બહુ થઈ ગઈ ! હવે ચોગ્ગા અને છગ્ગા આપવા માટે પરફેક્ટ સ્લોટમાં બોલ નાંખતા શીખો… લોકો સિકસરો જોવા આવે છે. ડોટ-બોલો નહીં ! સમજ્યા ?’
***
-મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment