પછી એનું શું થયું ?


માત્ર ભૂત-પ્રેતની કથાઓમાં જ ભેદભરમથી ભરપૂર ઘટનાઓ બને છે એવું નથી. અમુક સમાચારો પણ ભેદભરમથી ભરપૂર હોય છે ! જેના કારણે અમારા જેવા બબૂચકોને સીતાનું હરણ અને હરણની સીતા જેવા સ્ટુપિડ સવાલો થયા કરે છે…

*** 

વીસેક વરસ પહેલાં અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હૂમલો કરેલો ત્યારે કહેતા હતા કે ત્યાંના પેટાળમાં ઓઇલનો જબરદસ્ત મોટો જથ્થો પડેલો છે ને, એટલે..

- પછી એ ઓઇલના જથ્થાનું શું થયું ? અમેરિકા સંતાડીને ઘરે લઈ ગયું ?

*** 

2009માં મનમોહનસિંહની સરકારે સંસદમાં વિશ્ર્વાસમતનું જોખમ ખેડીને અમેરિકા સાથે મોટે ઉપાડે પરમાણુ કરાર કર્યા હતા. તે વખતે કહેતા હતા કે પરમાણું ઉર્જાથી ભારતની વીજળીની સમસ્યા હંમેશ માટે દૂર થઈ જશે.

- પછી એનું શું થયું ? કરાર ઉપરથી સહી ઊડી ગઈ ? કે એની ઉપર જ વીજળી પડી ?

*** 

એ જ વખતે કહેતા હતા કે દરિયામાં રામસેતુ પાસે ઊંડા પેટાળમાં યુરેનિયમનો એટલો બધો વિપુલ જથ્થો છે કે ભારત વર્લ્ડ-પાવર બની જશે !

- પછી એનું શું થયું ? યુરેનિયમ ઓગળી ગયું કે શું ?

*** 

1999 અને 2000ની સાલમાં કોમ્પ્યુટર ક્રાંતિ આવ્યા પછી કહેતા હતા કે દુનિયાભરમાં ‘પેપર-લેસ’ ઓફિસો આવી જશે ?

- પછી એનું શું થયું ? એ પછી તો ‘પ્રિન્ટરો’ની ચાર જનરેશન આવી ગઈ !

*** 

મોદીજી કહેતા હતા કે 2022માં દેશના ખેડૂતોની આવક બમણી થઈ જશે.

- પછી એનું શું થયું ? કે હજી ડિસેમ્બર સુધીમાં કોઈ ચમત્કાર થવાનો છે !

*** 

અને હા… ખબરદાર ! કોઈએ એમ પૂછ્યું છે કે પેલા પંદર – પંદર લાખ આવવાના હતા એનું…

***

- મન્નુ શેખચલ્લી

Comments