પરીક્ષા એક ઉત્સવ ?!

મોદી સાહેબે ‘પરીક્ષા પે ચર્ચા’માં આપણને સલાહ આપી છે કે પરીક્ષાઓને તહેવારોની જેમ ઉજવો !
અરે મોદી સાહેબ, અમે ઓલરેડી એને તહેવારની જેમ જ ઉજવીએ છીએ ! જુઓ…

*** 

દર્શન
પરીક્ષાના મહિના અગાઉથી છોકરાંઓ ભગવાનનાં દર્શને જતાં થઈ જાય છે કે નહીં ?

*** 

પ્રસાદ
છોકરાંઓ સરખું ના વાંચે અથવા મોબાઈલ ઝાલીને બેસી જાય ત્યારે મા-બાપ બરોબરની ‘પ્રસાદી’ આપે છે કે નહીં ?

*** 

માનતા
છોકરાંઓ તો ઠીક, મા-બાપ પણ માનતાઓ માને છે કે છોકરું પાસ થઈ જાય તો પાંચ નાળિયેર ચડાવીશું અથવા નવી બાઇક અપાવીશું !

*** 

તપ
બિચારાં છોકરાંઓ ટ્યુશન ક્લાસોમાં જઈને, એસાઇનમેન્ટો લખી લખીને, સવાલ જવાબો ગોખી ગોખીને રાતોના ઉજાગરા કરીને, તપ જ કરે છે ને ?!

*** 

મિષ્ટાન્ન
જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય તેમ તેમ મમ્મીઓ પોતાનાં બાબલા બેબલી માટે રોજ ભાવતાં ભોજન બનાવે જ છે ને !

*** 

ભેટસોગાદ
એક્ઝામ પહેલાં સગાં-વ્હાલાં આવી આવીને નવી નવી બોલપેનો ભેટ-સોગાદો નથી આપતા ?

*** 

મેળો
એક્ઝામના સેન્ટરની બહાર તો મા-બાપોનો મેળો લાગ્યો જ હોય છે ! ફક્ત બરફની લારીવાળા ખૂટે છે !

*** 

ઉજવણી
અને છેવટે રિઝલ્ટ આવે ત્યારે ‘પરસન્ટેજ’ ઓછા હોય તોય વધુ ‘પરસેન્ટાઇટલ’ જોઈને સૌ પેંડા વહેંચે જ છે ને ! સરકાર પોતે ઢોલ નગારાં વગાડે એટલું જ બાકી છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments