સમાચારમાં વઘાર !

ઘટનાઓ જ એવી બની રહી છે કે સીધા સાદા સમાચારને વઘાર કર્યા વિના માણી શકાય એવો જમાનો જ નથી રહ્યો ! જુઓ…

*** 

સમાચાર
ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના ભાવો 10 થી 20 રૂપિયા ઓછા છે એટલે પડોશી રાજ્યોમાંથી રોજ સેંકડો વાહનો અહીં ઈંધણ પુરાવવા આવે છે.

વઘાર
1 લિટર પેટ્રોલ સાથે 1 લીંબુ મફત આપો ! પછી જુઓ આ બિઝનેસ બમણો થઈ જશે !

*** 

સમાચાર
પ્રશાંત કીશોરે કોંગ્રેસનો દેખાવ સુધારવા માટે પ્રેઝન્ટેશન આપ્યું છતાં એમને કોંગ્રેસમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી.

વઘાર
એકચ્યુઅલી, કોંગ્રેસે પ્રશાંત કીશોર પાસેથી મફતમાં બધા આઇડિયાઝ લઈ લીધા છે ! પ્રેઝન્ટેશન જોઈને એમને સમજ પડી ગઈ છે કે… કોંગ્રેસમાં શું ‘ના’ કરવું જોઈએ !

*** 

સમાચાર
અક્ષયકુમારે કહ્યું છે કે ગુટકાની જાહેરાતમાંથી જે રૂપિયા મળ્યા છે તેને સારા કામ માટે દાન કરી દેશે.

વઘાર
એ દાનમાં મળેલી રકમમાંથી એક એડ બનાવવામાં આવશે. જેમાં અક્ષયકુમાર કહેશે કે કોઈપણ બ્રાન્ડની ‘ઇલાયચી’ ખાવાથી કેન્સર થઈ શકે છે !

*** 

સમાચાર
ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર રીતે લગાવેલાં 6000 લાઉડ સ્પીકરો ઉતારી લેવામાં આવ્યાં.

વઘાર
ઓહો ! મતલબ કે લગ્ન સિઝનમાં હવે લાઉડ સ્પીકરોનાં ભાડાં સાવ ઘટી જવાનાં !

*** 

સમાચાર
એલન મસ્કે ટ્વીટર ખરીદી લીધા પછી ‘ટ્વીટર છોડો’ ઝુંબેશ શરૂ થઈ છે.

વઘાર
આ ઝુંબેશ ટ્વીટર ઉપર જ ચાલી રહી છે ! જેમાં લાખો લોકો ‘જોડાઈ’ રહ્યા છે ! હાહાહા…

***

- મન્નુ શેખચલ્લી

Comments