જુની ફિલ્મોના ચાંપલા ચાઈલ્ડ આર્ટિસ્ટો !

જરા યાદ કરો, જુની ફિલ્મોમાં જે ડાહ્યાં, ચાંપલાં, દૂધે ધોયેલાં અને ઇસ્ત્રી કરેલાં હોય એટલાં સીધાં બાળકો તમે કદી રિયલ લાઇફમાં જોયાં હતાં ખરાં ? 

તમે વળી એમ કહેશો કે બોસ, એમ તો એવી હિરોઈનો પણ ક્યાં જોવા મળતી હતી ? પાનને ગલ્લે તો ઠીક, કોલેજોમાં ય ક્યાં દર્શન થતાં હતાં ? છતાં સિરિયસલી, અમને એમ થાય છે કે એ જુની ફિલ્મનાં બાળકોને કેવા કેવા અઘરા સવાલો પૂછતાં આવડતું હતું ! 

‘ભગવાન કહાં રહતે હૈં ?’ ‘વો સામને ક્યું નહીં આતે ?’ ‘મરને કે બાદ ઇન્સાન કહાં ચલા જાતા હૈ ?’ ‘બચ્ચે કૈસે પેદા હોતે હૈં ?’ … અલ્યા ચાંપલા ચૂપ મરને ?

આપણને થાય કે આ બાળકો કદી એમ કેમ પૂછતા નથી દેખાયા કે ‘હુમાયું કે બેટે કા નામ ક્યા થા ?’ ‘સત્તાઈસ બટા તીન કિતને હોતે હૈ ?’ ‘ટુંડ્ર પ્રદેશ મેં જો બરફ બનતી હૈ વો ઇન્ડિયા મેં ક્યું નહીં આતી ?’

તમે માર્ક કરજો, ફિલ્મોમાં મોટો થયેલો હીરો જરૂર એકાદ સીનમાં ઘરે દોડતો આવીને કહેતો હશે ‘માં…. માં… મૈં બી.એ. પાસ હો ગયા !’ પણ કદી કોઈ ટેણિયું ઘરે આવીને એવું બોલ્યો છે કે ‘માં… માં… આજ મુઝે માસ્ટરજીને મુર્ગા બનાયા ! હમ મુર્ગા ક્યું બનતે હૈં ? મોર ક્યું નહીં બન સકતે ?' 

અરે આટલાં બધાં ગુજરાતી પિક્ચરો આવી ગયાં પણ શું કોઈ સ્કુલમાં ભણતું ટેણિયું કદી એવું બોલતું સાંભળ્યું છે કે ‘ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે…’ વગેરે ?

આપણે નાના હતા ત્યારે ‘જળકમળ છોડી જા ને બાળા…’ ગોખવામાં લોચા પડતા, તો માસ્તરની સોટીઓ ખાતા હતા ! અને પેલાં ફિલ્મી બાબલાઓ ? આખેઆખી કવિતા જ્યાં ને ત્યાં હરતાં ફરતાં મોઢે ગાઈ નાંખતાં હતાં ! ‘નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું… બોલો મેરે સંગ…’ એમના માટે સાજીંદાઓ ઝાડમાં બેસીને તબલાં ઢોલક પણ વગાડે અને આપણને કવિતામાં ભૂલ પડે તો માસ્તર માથામાં તબલાં વગાડે અને બરડામાં ઢોલ !

તમે ખાસ માર્ક કરજો, જુની ફિલ્મોમાં બાળકો હંમેશાં ડાહ્યાં-ડમરાં અને એકદમ ભોળાં આવતાં હતાં. એમાં અમુક તો એવાં પાવરફૂલ હતાં કે ભગવાનનાં મંદિરમાં જઈને પ્રાર્થના ગાય કે ‘મૈં ઇક નન્હા સા, છોટા સા બચ્ચા હું, તુમ હો બડે બલવાન, પ્રભુજી મેરી લાજ રખ્ખો…’ તો ખુદ ભગવાન એ બાબલાની લાજ રાખવા માટે ચમત્કાર પણ કરી નાંખતા હતા ! 

સાલું, આપણને થાય કે આ ફિલ્મી કવિતાઓએ ‘ગણિતમાં’ પાસ થવા માટેની કેમ કોઈ પ્રાર્થના ના લખી આપી ?

આંખોમાં મેશ આંજેલા અને માથામાં તેલ નાખીને સરસ રીતે ઓળેલા વાળવાળા જે છોકરાઓ અમે ફિલ્મોમાં જોયેલા, એમાં છેક મોટા થયા પછી ખબર પડી કે મોટા ભાગના છોકરાના રોલ તો છોકરીઓ ભજવતી હતી ! આમાં એક ડેઇઝી ઈરાની હતી અને બીજી હની ઈરાની. 

આગળ જતાં હનીબેન જાવેદ અખ્તરને પરણયાં અને જાવેદભાઈ કરતાં પણ સારાં સ્ક્રીપ્ટ-રાઈટર બન્યાં. આ બન્ને મૂળે ગુજરાતી કુટુંબનાં હોં ! એમ તો આપણાં અરૂણા ઈરાની પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી ફિલ્મોમાં આવેલાં. 

એ વખતે છોકરીઓના નામ આગળ ‘બેબી’ લગાડતા પણ છોકરાઓના નામ આગળ ‘માસ્ટર’ કેમ લખતા હતા એ હજી સમજાતું નથી. નીતુ સિંઘે તો બાળપણમાં ‘દો કલિયાં’માં ડબલ રોલ કરીને આખેઆખી ફિલ્મ પોતાની ટેલેન્ટ ઉપર ખેંચી લીધી હતી. (પછી મોટા થઈને તે રિશી કપૂરને ખેંચી ગઈ!)

જોકે ફિલ્મોમાં ગુસ્સાવાળું બાળક કદાચ પહેલીવાર ‘દીવાર’માં આવ્યું, જ્યાં ખેંખલી જેવો માસ્ટર અલંકાર બૂટ પોલીશ કર્યા પછી 104 ડીગ્રીની ગરમીથી સંભળાવી દે છે ‘પૈસે ઉઠા કર હાથ મેં દો સા’બ ! મૈં ફૈંકે હુએ પૈસે નહીં ઉઠાતા !’ આ માસ્ટર અલંકારની આસપાસ ‘આ ગલે લગ જા’ની આખી વારતા ચાલતી હતી. આ માસ્ટર અલંકાર અમિતાભના બાળ-વર્ઝનમાં જરાય ફીટ નહોતો થતો પણ એક મયુર નામનો છોકરો હરિવંશરાયનો કંઈક સગો હોય એવો જરૂર લાગતો હતો.

બાકી એમ તો ‘જુનિયર મહેમૂદ’ નામનો એક બાળ કલાકાર પણ હતો જેને મહેમૂદ સાથે દૂર દૂરની કોઈ સગાઈ નહોતી પરંતુ જુનિયરમાંથી સિનિયર થયા પછી એ ફેંકાઈ ગયો. હા, બેબીમાંથી બોમ્બ બનેલી ઉર્મિલા માતોંડકર સૌને યાદ હશે ! પણ ‘માસૂમ’નો જુગલ હંસરાજ મોટો થયા પછી બિચારો માસૂમ દેખાતો હોવાને કારણે જ ઝાઝું ના ટકી શક્યો.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. તદ્દન હાચુ કીધું,ખેર,હની તો ઠેકાણે પડી,પણ ડેઇઝી નો અતોપતો ના આપ્યો!!
    બાકી મજામાં??

    ReplyDelete
    Replies
    1. ડેઇઝી વાળા બનેવીને અમે પણ શોધીએ છીએ. 😄😄

      Delete
  2. દાદુ શિકાગો.

    ReplyDelete

Post a Comment