તમે IPLની ગુજરાતી કોમેન્ટ્રી સાંભળી છે ? ભૈશાબ, એમાં અડધો અડધ તો અંગ્રેજીમાં ભરડે છે ! એના કરતાં કોઈ કાઠીયાવાડી ગામડીયાને બેસાડી દો, અને પછી સાંભળો… કેવી મઝા પડે છે !
***
રાજસ્થાનના રજવાડી રોયલિયા અને ગુજરાતના ગરવીલા ટાઈટનિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, બાપલ્યા !
ઓલ્યા રાજસ્થાનવાળા પાંચ ધોકણિયાના ભોગે એકસોને પિંચાણુ દોડનો તોતિંગ જુમલો માંડીને બેઠા છે… ને આંયાં ગરવીલા ગુજરાતીઓનાં ત્રણ ટોચના ધોકણિયા તો તંબૂ ભેગા થઈને બેઠાં છે !
અને આ લ્યો, અઢી મિનિટની ‘પેતરા-પંચાત’ની રિસેસ પછી રાજસ્થાનનો ઝંઝાવાતી ઝડપી દડીબાજ… મૂછો આમળીને, બાવડાં ફૂલાવીને ધમધમાટ કરતો ધોડયો આવે છે, ને… એકસોને ચાળીસની ઝડપે દડો ઝિંકે છે…
પણ આ જુઓ… ગુજરાતનો વ્હાલીડા ધોકણિયાનું ધોકલું હવામાં વિંઝાણું પણ દડા અને ધોકાનો સંગમ જ નો થ્યો ! ઓ બાપલિયા… આ તો વધુ એક દડાનું ટપકું ચોપડે ચડી ગ્યું !
હવે આ ફરી આયવો દડીબાજ એની બીજી છકડીનો બીજો દડો નાંખવા… ઊંચો ઉંછળીને એણે બાવીસ વારની ભોંય-પટ્ટી વચાળે દડો પટક્યો છે… દડો પટકાણો પછી સ્પ્રિંગની જેમ ઉછળ્યો…
એલ્યા, ધોકેબાજનું નાકનું નિશાન લીધું કે શું ?
પણ આ જોઈ લ્યો ! ગરવીલા ગુજરાતી ધોકેબાજે કચકચાવીને દડાને ધોકા વડે એવો ફટકાર્યો છે કે દડો ઉપડ્યો છે ચંદામામાને તાળી દેવા માટે આકાશમાં !
ચંદામામા હજી ભાણિયાના ભડાકા જોઈને ભડાકા જોઈને હરખાય છે ન્યાં તો વળી ધરતી તરફ ધસી આવતા દડાને ઝિલી લેવા ત્રણ ત્રણ રોકણિયાએ દોટ મુકી છે !
પણ આ શું ? દડો ત્રણેયને હાથતાળી દઈને એમની વચાળે પટકાણો ! ને બે ઝિલણિયા દડો ઝિલવાની લ્હાયમાં એકબીજા હાર્યે ભટકાણા ! એમાં વળી ત્રીજા રોકણિયાને અક્કલ સુઝી, તે દડાને કર્યો રમરમતો ઘા…
ઓલી બાજુ ધોકણિયા બીજી દોડ પુરી કરીને ત્રીજી દોડ હાટું રઘાવાયા થ્યા તા… ને દડાએ ડાંડિયા વિખેરી નાંયખાં !
હવે ધોકણિયાનો ભોગ લેવાણો કે નો લેવાણો ?
મેદાન ઉપર ઉભેલા કાજીએ લંબચોરસ ઈશારો કરીને ઉપર ટીવી હામું બેઠેલા ત્રીજા કાજીની સોનેરી સલાહ માંગી છે… બાપ !
બોલો,છાતીમાં ધકધક થાય છે ને… વ્હાલીડા !
(બોલો, મઝા પડીને ? જરા પેલા રીઢા રિ-મિક્સ કોમેન્ટેટરોને ફોરવર્ડ કરજો બાપલ્યા !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment