જમાનો તો બદલાતો જ રહેવાનો છે, છતાં બોસ, ક્યાંક કંઈક ગડબડ થઈ ગઈ હોય એવું નથી લાગતું ? જુઓ…
***
એ જમાનામાં….
રમકડાં બહુ ઓછાં હતાં, છતાં બાળકો સળેકડી, બિલ્લા અને પથ્થરને પણ રમકડાં બનાવીને કંઈ ને કંઈ રમ્યા કરતાં હતાં.
આ જમાનામાં…
રમકડાંનો પાર નથી ! છતાં બાળકોને જુઓ, આખો દહાડો મોબાઈલમાં જ મોં ખોસીને બેસી રહે છે !
***
એ જમાનામાં…
કપડાં ઓછાં હતાં, ફેશન તો હતી જ નહીં, છતાં આખાં શરીર ઢાંકવામાં આવતાં હતાં.
આ જમાનામાં…
ફેશનનો પાર નથી ! કપડાંનો ઢગલો છે ! છતાં અડધાં શરીર ઊઘાડાં હોય છે ! કંઈ ગડબડ નથી લાગતી ?
***
એ જમાનામાં…
વાહનો ઓછાં હતાં. છતાં સાઈકલ ઉપર, લુના લઈને, ખખડતી બસમાં કે ભીડ ભરેલી ટ્રેનમાં સૌ એકબીજાને મળવા જતા હતા.
આ જમાનામાં…
ઘેર ઘેર સ્કુટર છે, દર ત્રીજા ઘરે બાઈક છે, દર પાંચમા ઘરે કાર છે… છતાં એકબીજાને મળવા જવાનો ‘ટાઇમ’ નથી ! જરૂર કંઈક ગડબડ છે…
***
એ જમાનામાં…
માથામાં નાંખવા માટે બે જ જાતના તેલ મળતાં હતાં. છતાં લોકોના વાળ વ્યવસ્થિત રહેતા હતા.
આ જમાનામાં…
સત્તર હેર-ઓઇલ, સત્તાવીસ શેમ્પુ અને સાત જાતની જેલ મળે છે ! છતાં લોકોના વાળ જાણે કોઈ વાવાઝોડામાં હમણાં જ ઉખડીને વિખેરાઈ ગયા હોય એવા કેમ લાગે છે ?
- બોસ, કંઈક તો ગડબડ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment